Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક બાદ પાટીલ બીજી વખત દિલ્હી દોડી ગયાઃ સંગઠનમાં ધરમૂળ ફેરફારની સંભાવના

પાટીલ દિલ્હી ખાતે હાઉસિંગ કમિટિની બેઠકમાં ભાગ લેશેઃ બીજેપીના નેતાઓ સાથે મુલાકાત કરશેઃ સૌરાષ્ટ્રના પ્રવાસથી વાકેફ કરશે

નવી દિલ્હી, તા.૨૬: સૌરાષ્ટ્રના ચાર દિવસના પ્રવાસ બાદ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નવનિયુકત અધ્યક્ષ સી.આર. પાટીલ આજે દિલ્હીના દરબારમાં જશે. ગુજરાત પ્રદેશ અધ્યક્ષનો ચાર્જ સંભાળ્યા બાદ પાટીલ બીજી વખત દિલ્હી દોડી ગયા છે. પાટીલ દિલ્હી ખાતે હાઉસિંગ કમિટિની બેઠકમાં ભાગ લેશે. સંસદનું ચોમાસું સત્ર શરૂ થયા તે પહેલા પાટીલ બીજેપીના નેતાઓ સાથે મુલાકાત કરશે. આ ઉપરાંત પાર્ટી નેતૃત્વ સાથે તેઓ ગુજરાતના સંગઠન અને તેમની કામગીરી અંગે ચર્ચા કરશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાટીલ દિલ્હીમાં હાઇકમાન્ડ સાથે પ્રદેશ સંગઠનના માળખા અંગે ચર્ચા કરશે. એટલે કે સંગઠનના માળખામાં હવે ધરમૂળથી ફેરફાર આવી શકે છે. સંગઠનમાં નવા ચહેરાને સ્થાન મળી શકે છે. આ ઉપરાંત સંગઠનમાં 'એક વ્યકિત એક પદ'ની થીમ પર પણ અમલી બની શકે છે. એવી પણ સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે કે નવા સંગઠનમાં એક વ્યકિત એક પદની થીમ અપનાવવામાં આવશે તો ધારાસભ્યો અને સાંસદોને નવા માળખામાં સ્થાન નહીં મળી શકે. આ ઉપરાંત ઝોન પ્રમાણે પ્રવકતાની પણ નિમણૂક થઈ શકે છે. હાલ બીજેપી પ્રદેશ માળખામાં ૨૫ હોદેદાર છે.

ગુજરાતમાં આગામી દિવસોમાં વિધાનસભાની આઠ બેઠક માટે પેટાચૂંટણી યોજાશે. જેના ધ્યાનમાં રાખીને સી.આર.પાટીલ તાજેતરમાં સૌરાષ્ટ્રના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન તેમણે બીજેપીના કાર્યકરો, નેતાઓ, બીજેપી અને સંદ્યના પીઢ નેતાએ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે અનેક પ્રસંગે કાર્યકરોને અપીલ કરી હતી કે તેઓ નેતાઓના ઝભ્ભા ન પકડે. આ ઉપરાંત તેઓએ પક્ષમાં ભાગલા પાડનારા લોકોને તેમનું સ્થાન બતાવી દેવામાં આવશે તેવી પણ વાત કહી હતી. આ ઉપરાંત કોંગ્રેસમાંથી કોઈ નેતાઓને પક્ષમાં નહીં જોડવામાં આવે તેમજ જે લોકો કામ કરશે તેમને મેરિટ પ્રમાણે હોદ્દો મળશે તેવી વાત કરી હતી. સૂત્રોનું કહેવું છે કે પાટિલ સૌરાષ્ટ્ર પ્રવાસ અંગે હાઇકમાન્ડ સાથે ચર્ચા કરશે. સી.આર. પાટીલે જૂનાગઢ ખાતે બીજેપીના કાર્યકરોને સંબોધન કરતા ભાજપને હવે કોંગ્રેસના નેતાઓની જરૂર નથી તેવું નિવેદન આપ્યું હતું. પાટીલે જણાવ્યું હતું કે, ઘણા બીજેપી કાર્યકરોને એવું લાગે છે કે કોંગ્રેસમાંથી નેતાઓ શા માટે લાવ્યા? ખરેખર તો તમને એવું કહેવાનો અધિકાર જ નથી. એવી પરિસ્થિતિ નિર્માણ કરી હશે એટલે પાર્ટીએ આવું કરવું પડ્યું હશે. પરંતુ હવે કોઈને લાવવાની જરૂર નહીં પડે. જે આવી ગયા છે તે નસીબદાર છે. આ નસીબદાર લોકોમાં જવાહર ચાવડા પણ સામેલ છે. આજે હું જવાહરભાઈને પ્રથમવાર મળ્યો. મને લાગે છે કે આપણી પાર્ટીમાં એવા લોકો જોડાયા છે જેમને ખરેખર લોકોના કામ કરવામાં રસ છે. કોંગ્રેસ હવે રહી જ નથી. તમારા ગામમાંથી એક એવા વ્યકિતને શોધીને લાવો જે કહે કે હું કોંગ્રેસી છું, તો હું રાજીનામું ધરી દઉં.

(4:12 pm IST)