Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

પર્યાવરણ સંવર્ધનના ઉમદા કાર્યમાં જોડાઇએ, રવિવારે વિશિષ્ટ કાર્યક્રમ 'પ્રકૃતિ વંદન'

હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાનના સંયોજક ભાગ્યેશ ઝાની અપીલ

અમદાવાદ તા. ૨૬ : આધ્યાત્મિક અને સેવા સંસ્થાનની સ્થાપના સનાતન ધર્મના પાયારૂપ માનવતા સિધ્ધાંતના મુખ્યત્વે ચાર આધારસ્તંભો જેવા કે પ્રકૃતિ, પરિવાર, સમાજ અને રાષ્ટ્ર તેમજ તેની સાથે સંકળાયેલ આર્થિક વ્યવસ્થા બાબતની સમજૂતી આપી સમાજને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી કરવામાં આવી છે. માનવતાના સિધ્ધાંતને સમજવા માટે તેના જીવનમૂલ્યો સમજવા ખૂબ જરૂરી છે, જેથી સંસ્થાન દ્વારા આ જીવનમૂલ્યોને ૬ સિધ્ધાંતોમાં વહેંચવામાં આવ્યા છે. (૧) વન અને વન્યજીવોનું સંરક્ષણ (ર) જીવનસૃષ્ટિ સંતુલન (૩) પર્યાવરણ સંવર્ધન (૪) માનવીય અને પારિવારિક મૂલ્યોનું જતન (પ) નારી સન્માનને પ્રોત્સાહન (૬) રાષ્ટ્રભકિત જાગરણ.

આપણે સૌ આ પર્યાવરણ સંવર્ધન એટલે કે પ્રકૃતિ સંરક્ષણ અને સંવર્ધનના ઉમદા કાર્યમાં જોડાઇએ અને ધરતીમાતાના આશિર્વાદ લઇ આ પૃથ્વી પર સંતુલન જળવાઇ રહે તે માટે પ્રયત્નશીલ અને પ્રવૃત્તિમય બનીએ.

હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન દ્વારા આ મહામારીના સમયમાં આવા ભગીરથ કાર્ય માટે 'પ્રકૃતિમાતા અને પૃથ્વીમાતા' પ્રત્યે આપણો આદર અને સન્માન પ્રકટ કરવાના ભાગરૂપે એક મહત્વાકાંક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રકૃતિ વંદના કાર્યક્રમ તા. ૩૦-૮-૨૦૨૦ના રવિવારે સમય સવારે ૧૦ થી ૧૧ સુધી. વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને, યોગ્ય શારીરિક અંતર જળવાઇ રહે (જ્યાં જરૂર હોય ત્યાં મુખપટ્ટી પહેરીને) તેનું પાલન કરીને, નૂતન અભિગમ સાથે 'પ્રકૃતિ વંદન' કાર્યક્રમનું આયોજન કરવાનું છે.

ગુજરાત આખામાં આ કાર્યક્રમ દરમિયાન આપણે બધાએ એક જ સમયે પોતપોતાના પરિવારમાં સૌ સાથે મળીને ઘરમાં, ઘરના બગીચામાં અથવા નાના નાના જુથમાં જાહેર બગીચાઓમાં (યોગ્ય શારીરિક અંતર જળવાઇ રહે તે રીતે અને જ્યાં જરૂર હોય ત્યાં મુખપટ્ટી પહેરીને) 'વૃક્ષ વંદન' કે 'તુલસી વંદન' કરવાનું છે. એક સાથે મંત્રોચ્ચારના ગાન સાથે 'વૃક્ષ વંદન' અને 'વૃક્ષ આરતી' થશે. આપણને ગુજરાતના સંતોના આશિર્વચન પણ મળશે. તેમ પ્રકૃતિ વંદન કાર્યક્રમના સંયોજક ભાગ્યેશ ઝા જણાવે છે.

આ કાર્યક્રમનું સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવશે. નોંધણી કરાવવા માટે એક નોંધણીપત્રક ભરવાનું રહેશે, જેની 'લીંક' આપને પ્રાપ્ત કરાવવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન અને પછીથી પણ પોતપોતાના ફોટા, વિડીયો વગેરે hssf.gujarat facebook page live ઉપર અપલોડ કરી શકાશે.

કાર્યક્રમમાં ધાર્મિક સંસ્થાઓ, મઠ, મંદિર, આશ્રમ વગેરેના અનુયાયીઓ, સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, ઉદ્યોગ અને વ્યાપારી સંસ્થાઓના કાર્યકર્તાઓ અને કર્મચારીઓ, વ્યવસાયિકો, પરિવાર અને સમાજના બધા જ ક્ષેત્રમાંથી વિશાળ સંખ્યામાં લોકો ભાગ લે અને આ સંદેશના પ્રસારણ દ્વારા વધુમાં વધુ લોકો આમાં સહભાગી થાય તેવા પ્રયત્નો પણ કરે તેવી અપીલ છે તેમ ભાગ્યેશ ઝા (નિવૃત્ત આઇએએસ), અખિલ ભારતીય સંયોજક, પ્રકૃતિ વંદન કાર્યક્રમ, હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન સભ્ય, એકસપર્ટ સમિતિ, સાંસ્કૃતિક મંત્રાલય, ભારત સરકાર જણાવે છે.

(3:32 pm IST)