Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

૨૭૦ જવાનો એ.કે.૪૭ રાઇફલો અને ડોગ સ્કવોડ સાથે રાઉન્ડ ધ કલોક તૈનાત રહેશેઃ હરીકૃષ્ણ પટેલ

દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા નિહાળવા વિશ્વભરમાંથી પ્રવાસીઓ ઉમટતા હોય સીઆઇએસએફને સુરક્ષા ચક્ર સુપ્રત થયું છેઃ વડોદરા રેન્જ આઇજી સાથે અકિલાની વાતચીત : ૭ દિવસ સુધી ગુજરાત પોલીસ પણ કેન્દ્રીય ઇન્ડસ્ટ્રીયલ સિકયુરીટી ફોર્સ સાથે મદદમાં રહેશેઃ ગુજરાત સરકારની દરખાસ્ત આધારે જ આ મહત્વનો નિર્ણય લેવાયો છે

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનીટીની સુરક્ષા અંતે વિધીસર રીતે સીઆઇએસએફના હવાલે થઇ તે પ્રસંગની તસ્વીરો.

રાજકોટ, તા., ૨૬: કેવડીયા કોલોની (એકતા નગરી) ખાતે આવેલી દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા કે જે ભારત માતાની એકતાનું પ્રતિક સાબીત થવા સાથે વિશ્વભરમાંથી પ્રવાસીઓ ઉમટી રહયા હોવાથી તે બાબત ધ્યાને લઇ દેશના મહત્વના એરપોર્ટ સહીતની સુરક્ષાની જવાબદારી જેઓને શીરે છે તેવા કેન્દ્રીય ઔદ્યોગીક સુરક્ષાદળને સુપ્રત કરવામાં આવી હોવાનું વડોદરા રેન્જ આઇજી હરીકૃષ્ણ પટેલે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

રાજય સરકાર દ્વારા વિશ્વની આ સૌથી ઉંચી પ્રતિમાની ગરીમાને ધ્યાને લઇ કેન્દ્રીય ઔદ્યોગીક સુરક્ષા દળને આ જવાબદારી સુપ્રત કરવા માટે થયેલી દરખાસ્તને પગલે આ નિર્ણય લેવાયો હોવાનું જણાવવા સાથે હાલ તુર્ત રાજય પોલીસ દળ એક સપ્તાહ સુધી સીઆઇએસએફની મદદમાં રહી મહત્વની બાબતોમાં મદદરૂપ બનશે તેવું વિશેષમાં આઇજી હરીકૃષ્ણ પટેલે વિશેષમાં જણાવ્યું છે.

અત્રે યાદ રહે કે હાલમાં નર્મદા પોલીસ અને સીઆરપીએફના જવાનો સુરક્ષા વ્યવસ્થામાં જોડાયા હતા. હવે ૧ લી સપ્ટેમ્બરથી સીઆઇએસએફના ર૭૦ થી વધુ જવાનો મહત્વના પોઇન્ટ પર ફરજ બજાવશે.  કોઇ પણ પરિસ્થિતિને પહોંચી વળવા તેઓને એકે-૪૭ અને ઇન્સાસની સાથે સાથે પીસ્ટલ ગન સાથે ખડે પગે રહેશે. વિસ્ફોટક પદાર્થો અને અન્ય શકમંદની ઓળખ માટે ૩ ડોગ સ્કવોડ પણ  તૈનાત રહેવાના હોવાનું પણ સુત્રો જણાવે છે. સીઆઇએસએફ સ્ટાફ માટે વાહનો, ઓફીસો, રહેઠાણ સહીતની તમામ સુવિધાઓ પણ રાજય સરકાર દ્વારા આપવામાં આવી છે.

સીઆઇએસએફના ડિપ્લોઇ સમયના કાર્યક્રમમાં વડોદરા રેન્જ વડા હરીકૃષ્ણ પટેલ સીઆઇએસએફના કમાન્ડન્ટ વી.કે.કકકર,  કલેકટર અને સ્ટેચ્યુ ઓફ યુનીટીના મુખ્ય વહીવટદાર મનોજ કોઠારી, એસપી હિમકરસિંહ, ડીડીઓ જીન્સી વિલીયમ્સ, જોઇન્ટ સીઇઓ નિલેશ દુબે, નર્મદા નિગમના આર.જે.કાનુનગો તથા જે.કે.ગરાસીયા વિગેરે ઉપસ્થિત રહયા હતા.

સીઆઇએસએફ દ્વારા તુર્તમાં સુરત એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા સંભાળવા માટેની પણ તજવીજ ચાલી રહયાનું સુત્રો જણાવે છે.

(1:18 pm IST)