Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

રીયા ચક્રવર્તીના વોટસએપ ચેટમાં ડ્રગ્સ અંગેની ચોંકાવનારી બાબતો ખુલતા ઇડીએ રાકેશ આસ્થાનાને ખાનગી પત્ર મોકલેલો

બોલીવુડના સ્ટારના રહસ્યમય મોતના મામલામાં ગુજરાત કેડરના દેશના બીએસએફ વડાની એન્ટ્રીનું આ છે રહસ્ય : દુબઇના કુવિખ્યાત ડ્રગ્સ માફીયા સાથે સુશાંતની મૃત્યુ પહેલાની મુલાકાત અંગેના સુબ્રમણ્યમ સ્વામીના 'ટાઇમ્સ નાઉ' સાથેની મુલાકાતમાં કરેલ ધડાકા-સુપ્રસિધ્ધ અભિનેતા સીગારેટ મારફત ગાંજાનું સેવન કરતો હોવાના અંગત સ્ટાફે સીબીઆઇને આપેલ નિવેદન ધ્યાને લઇ દેશના બીએસએફ વડાની સાથોસાથ દેશના નાર્કોટીકસ બ્યુરોનો હવાલો સંભાળતા આ હાઇ પ્રોફાઇલ આઇપીએસે ચુનંદા અધિકારીઓની બે ટીમોને જવાબદારી સુપ્રત કરી છે

રાજકોટ, તા., ર૬: એક સમયના સુપ્રસિધ્ધ બોલીવુડ સ્ટાર સ્વ.સુશાંતસિંહ રાજપુતના રહસ્યમય મોતના મામલાની સીબીઆઇ તપાસ ભારે ગુપ્તતાપૂર્વક ચાલી રહી છે અને સીબીઆઇ તમામ એંગલથી તપાસ કરી રહી છે તેવા સમયે દેશના બીએસએફ વડા અને ગુજરાત કેડરના ૧૯૮૪ બેચના સિનીયર મોસ્ટ હાઇ પ્રોફાઇલ આઇપીએસ અધિકારી રાકેશ આસ્થાનાની અચાનક આ કેસમાં એન્ટ્રી થવાની સાથે આ મામલો હવે દેશભરમાં આતુરતાની પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. આ મામલામાં સીબીઆઇ તપાસ ચાલી રહી છે ત્યારે રાકેશ આસ્થાના પણ આ મામલાની અન્ય એંગલથી  તપાસ કરવાના છે તેનું રહસ્ય શું છે? તે જાણવા માટે લોકોમાં ભારે ઉત્કંઠા પ્રવર્તી રહી છે ત્યારે ચાલો આ મામલાના રહસ્યો પરથી પડદો હટાવી દઇએ.

સુશાંતસિંહ રાજપુતના રહસ્યમયી મોત અંગે અનેક પ્રશ્નો ઉઠાવનાર જાણીતા રાજકીય આગેવાન સુબ્રમણ્યમ સ્વામીએ એવો ધડાકો કર્યો છે કે દુબઇના કુવિખ્યાત માફીયા કીંગ સાથે સુશાંતસિંહ રાજપુતે મૃત્યુ પહેલા મુલાકાત કરી હતી. એવું પણ ચર્ચાઇ છે કે સીબીઆઇની સાથે મનીલોન્ડરીંગ મામલે તપાસ ચલાવી રહેલ ઇડીને રીયા ચક્રવર્તીની વોટસએપ ચેટીંગની ડીડેઇલ્સમાં ડ્રગ્સના બીઝનેસ અંગે કેટલીક ચોંકાવનારી બાબતો જાણવા મળતા ઇડી દ્વારા દેશના નાર્કોટીકસ કંટ્રોલ બ્યુરોને  ડ્રગ્સના કારોબાર અંગે શંકા વ્યકત કરતો ખાનગી પત્ર પાઠવ્યો હતો.

દેશના બીએસએફ વડા રાકેશ આસ્થાના હસ્તક દેશના નાર્કોટીકસ કંટ્રોલ બ્યુરોના વડાનો ચાર્જ હોવાથી તેઓએ આ મામલાની ગંભીરતા સમજી તપાસનું સુકાન ડ્રગ્સ મામલે સંભાળી નાર્કોટીકસ બ્યુરોની ચુનંદા અધિકારીઓની ટીમને તપાસ સુપ્રત કરી છે. આ પ્રકરણમાં બે વિવિધ ટીમો બનાવાનું રાકેશ આસ્થાનાએ નિર્ણય લીધો છે.

આ અગાઉ સીબીઆઇ તપાસમાં પણ સુશાંતસિંહ રાજપુતના અંગત સ્ટાફ દ્વારા સુશાંતસિંહ સીગારેટમાં ગાંજો ભરી પીતો હોવાની પણ વાતો પ્રકાશમાં આવી હતી. આવી તમામ બાબતો ધ્યાને લઇ નાર્કોટીકસ બ્યુરોની એન્ટ્રી સ્વભાવીક હતી. આમ સીબીઆઇના એડીશ્નલ ડાયરેકટર પ્રવિણસિંહા, સીબીઆઇના જોઇન્ટ ડાયરેકટર મનોજ શશીધર અને સીબીઆઇના ડીઆઇજી કક્ષાના ફાયર બ્રાન્ડ મહિલા આઇપીએસ ગગનદીપ ગંભીરના પગલે વધુ એક ગુજરાત કેડરના આઇપીએસ રાકેશ આસ્થાનાની એન્ટ્રી થઇ છે.

(1:17 pm IST)