Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

અંબાજીમાં કાલથી સહસ્ત્રચંડી મહાયજ્ઞ

વિશ્વ શાંતિ અર્થે થશે પ્રાર્થના : પ દિવસ સુધી ચાલનાર આ પાઠમાં ૫૧ શકિતપીઠ-યજ્ઞશાળાઓના બ્રાહ્મણો આવશે : ભાદરવી પૂનમનો મેળો બંધ : અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ઓનલાઇન દર્શનની વ્યવસ્થા

પાલનપુર તા. ૨૬ : બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલ સુપ્રિસિધ્ધ શ્રી અંબાજી મંદિરે કાલથી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞનો પ્રારંભ થઇ રહ્યો છે. કાલે ગુરૂવારથી લઇને તા. ૨ સપ્ટેમ્બર સુધી ચાલનાર આ પાઠમાં ૫૧ શકિતપીઠ અને યજ્ઞશાળાઓના બ્રાહ્મણોને નિમંત્રિત કરાયા છે. દરરોજ ૪૦ બ્રાહ્મણો દ્વારા ૧ હજાર ચંડી પાઠ થશે. વિશ્વ શાંતિ અર્થે ૧૦ લાખ જાપ કરાશે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા ૧૯૯૪ માં શિખર કળશ સ્થાપના સમયે મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આવો સહસ્ત્ર ચંડી પાઠ મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો.

હાલ કોરોના સંક્રમણ ધ્યાને લઇને ભાદરવી પૂનમનો મેળો બંધ રાખવામાં આવ્યો છે. આ અનુસંધાને સોમવારથી લઇને ૪ સપ્ટેમ્બર સુધી મંદિરના દરવાજા બંધ રાખવા નિર્ણય લેવાયો છે.

જો કે પૂજા-આરતી અને પાઠના ઓનલાઇન દર્શન થઇ શકે તેવી પ્રસાશન દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.

શ્રધ્ધાળુઓ કાલે ગુરૂવારથી દેવસ્થાન ટ્રસ્ટની વેબસાઇટ, લાઇવ સ્ટ્રીમીંગ સર્વર મારફત દર્શનનો લાભ લઇ શકશે. લાઇવ વેબકાસ્ટીંગમાં માતાજીના ગર્ભગૃહની સવાર સાંજની આરતીના દર્શન તેમજ ચાચર ચોકમાં આયોજીત સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ અને ગબ્બર દર્શન, નૃત્ય મંડપ, યજ્ઞશાળામાં થનાર કાર્યો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું સવારે ૭ વાગ્યાથી મંદિર મંગળ થવા સુધી જીવંત પ્રસારણ ચાલુ રખાશે. તેમ મંદીર દેવસ્થાન ટ્રસ્ટની યાદીમાં જણાવાયુ છે.

(11:34 am IST)