Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

કુંઢી નસલની છે ભેંસ

રોજનું ૨૩ લીટર દુધ આપતી ભેંસ અધધ રૂ.૫.૧૧માં વેચાણી

અમદાવાદ, તા.૨૬: કચ્છની બન્ની નસલની જાતવાન કુંઢી ભેંસ ૫.૧૧ લાખની અધધ કિંમતે વેચાઈ છે. દરરોજનું ૨૩ લિટર દૂધ આપતી ભેંસ સુરતના એક માલધારીએ ભુજ તાલુકાના કુનરિયા ગામેથી ખરીદી છે. 'ધાલુ' નામ ધરાવતી કુંઢી ભેંસની વેચાણ કિંમત આટલી ઉપજી હોય તેવો પ્રથમ સોદો છે.

 

વિશાળ ઘાસિયું મેદાન અને જાતવાન ભેંસના ઉછેર માટે કચ્છનો બન્ની વિસ્તાર પશુપાલનમાં આગવું મહત્ત્વ ધરાવે છે. અહીંની કુંઢી નસલની ભેંસ પ્રતિદિન સરેરાશ ૧૮થી ૨૦ લિટર દૂધ આપતી હોય છે. અહીંની ભેંસ ઓછામાં ઓછી એકાદ લાખ રૂપિયાની કિંમતે વેચાતી હોય છે. તેવામાં કુનરિયા ગામના પશુપાલક ભરતભાઈ લખમણભઈ આહીરની એક જાતવાન કુંઢી ભેંસ સુરતના કાળુભાઈ દેસાઈ નામના માલધારીએ રૂ. ૫.૧૧ લાખમાં ખરીદી છે.

આ સોદામાં મધ્યસ્થી બનનારા લોરિયા ગામના હુસેન મામદ કુંભારે કહ્યું કે ૧૯૯૮થી આ ક્ષેત્રે સંકળાયેલા છે પણ આટલી કિંમતે સોદો થયાનો પ્રથમ બનાવ છે.  કુનરિયાના પશુપાલકના જણાવ્યા અનુસાર તેમની ભેંસ અસલ કુંઢી નસલની છે. બંને શિંગડાં ગોળ વળેલા છે. આ પ્રકારની ભેંસના આંચળ માપના હોય છે, તેનું મોં ટૂંકું અને ગરદન લાંબી તથા ટૂંકી પૂંછ તેની ઓળખ છે. તેને દોહવા બેસો ત્યારે જયાં સુધી દોહન પૂરું ન થાય ત્યાં સુધી પગ હલાવતી પણ નથી, તે દરરોજ બે ટાઈમમાં ૨૩ લિટર દૂધ આપે છે.

(11:31 am IST)