Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

ગુજરાતમાં ૧૦૭.૬૧% વરસાદઃ ૭ર.૯૩ જળ જથ્થોઃ ૯૭.૭૪ વાવેતર

નર્મદા ડેમમાં દર કલાકે પ સે.મી. સપાટી વધે છે, આજે સવારે સપાટી ૧ર૯.૬પ મીટરે : રાજયના કુલ ર૦પ ડેમમાંથી ૮૯ છલકાયાઃ ૭૪ ડેમ ૭૦ થી ૧૦૦ ટકા ભરાયાઃ માત્ર ૧૧ ડેમમાં રપ ટકાથી ઓછુ પાણી નર્મદામાં ૬૯.૬૬ ટકા પાણી

રાજકોટ, તા., ૨૬: ગુજરાતભરમાં આ વખતે ચોમાસાની સમયસર શરૂઆત થયા બાદ ઓગષ્ટમાં જમાવટ થઇ ગઇ છે. અત્યારે બે દિવસથી રાહત છે પરંતુ હજુ વરસાદી વાતાવરણ છે. રાજયમાં આજે સવારથી સુધીમાં ૧૦૭.૬૧ ટકા વરસાદ પડી ગયો છે. નર્મદા સહીતના ડેમોમાં ૭૨.૯૩ ટકા જળજથ્થો ઉપલબ્ધ થયો છે. રાજયના કુલ વાવેતર વિસ્તાર પૈકી ૯૭.૯૪ ટકા વિસ્તારમાં વાવેતર થયું છે. અમુક સ્થળોએ વધુ પડતા વરસાદથી તલ, કપાસ, મગફળી વગેરેના પાકને નુકશાન થયું છે. પીવાના પાણી અને સિંચાઇની દ્રષ્ટિએ વરસાદ સંતોષકારક છે.

 

રાજયમાં આ વર્ષે કુલ વરસાદના સરેરાશ ૧૦૭.૬૧ ટકા વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતમાં ૯૨.૬૮ ટકા કચ્છમાં ૨૨૮.૧૯ ટકા ઉતર ગુજરાતમાં ૯૪.૯૭ ટકા મધ્ય ગુજરાતમાં ૮૦.૯૮ ટકા વરસાદ નોંધાયો છે. આજની સ્થિતિએ એક પણ વરસાદ વગરનો નથી. ૭૫ તાલુકાઓમાં ૪૦ ઇંચથી વધુ વરસાદ પડી ગયો છે.

રાજયમાં ગયા વર્ષે નોર્મલ વાવેતર વિસ્તારના ૭૯૩૦૭૩૫ હેકટરમાં વાવેતર થયેલ. આ વર્ષે વાવેતર વિસ્તાર વધીને ૮૨,૯૮,૩૭૧ હેકટર થયો છે. સૌથી વધુ  ર૦ લાખ હેકટરથી વધુ જગ્યામાં મગફળીનું વાવેતર થયું છે. મગફળી નોરતા આસપાસ બજારમાં આવશે. ગુજરાતમાં સૌથી મોટો નર્મદા ડેમ છે. તેમાં ૬૯.૬૬ ટકા જળજથ્થો ઉપલબ્ધ થઇ ગયો છે. હાલ ઉપરવાસના વરસાદના કારણે નર્મદાની સપાટી દર કલાકે ૪ થી ૫ સેેમી. વધી રહી છે. કુલ ૧૩૮ મીટરની સપાટી પૈકી આજે સવારે નર્મદાની સપાટી ૧૨૯.૬૫ મીટરે પહોંચી છે. નર્મદા ઉપરાંત રાજયમાં સિંચાઇ અને પીવાના પાણી માટે ૨૦૫ ડેમો આવેલા છે. તે પૈકી ૮૯ ડેમ ૧૦૦ ટકા ભરાઇ ગયા છે. ૧૧ ડેમોમાં ૨૫ ટકાથી ઓછું પાણી છે. ૭૪ ડેમ કુલ સંગ્રહ શકિતના  ૭૦ થી ૧૦૦ ટકા સુધી ભરાયા છે. રાજયમાં  કુલ જળસંગ્રહ ક્ષમતા પૈકી હાલ ૭૨.૯૩ ટકા જળજથ્થો ઉપલબ્ધ થયો છે. હજુ ચોમાસુ પુરૂ થવાને વાર હોવાથી વધુ પાણીની આવકના સંજોગો છે.

(11:29 am IST)