Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

ગુજરાત પુસ્તક પરબના સ્થાપક માતૃભાષા પ્રેમી ડો. પ્રતાપભાઇ પંડયાનું નિધન

અમરેલી : જિલ્લાના હમવતની અને વતન અડતાલાથી અમેરીકા સુધી ગુજરાત પુસ્તક પરબની પ્રવૃત્તિ વિકસાવી કરોડોના પુસ્તકોનું સમાજમાં દાન કરનાર ગુજરાતી સાહિત્યક્ષેત્રે પણ ઉદાર દેણગીથી પુસ્તકોનું પ્રકાશન તેમજ સર્જકોને પણ સહયોગ આપી તેમની સર્જનયાત્રામાં પ્રેરકની ભૂમિકા અદા કરનાર વૈચારિક ક્રાંતિના પ્રણેતા-સાહિત્યપ્રેમી ડો. પ્રતાપભાઇ પંડયાનું તા. ર૪મીએ રાત્રે વડોદરા સ્થિત એમના નિવાસ સ્થાને સ્વર્ગવાસ થયેલ છે. તેમના નિધનથી હજારો ચાહકો-પુસ્તક પ્રેમીઓ તેમજ સાહિત્ય સર્જકોમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ હતી.

માતૃભાષા સંવર્ધન અને સંરક્ષણ માટે પણ ખૂબ યોગદાન આપનાર આ વિરલ વ્યકિતત્વના જવાથી સમાજને અને સમગ્ર સાહિત્ય જગતને જબરી ખોટ પડી છે. ડો. પ્રતાપભાઇએ વતનપ્રેમ થકી અમરેલી જિલ્લા સાહિત્ય સર્જક પરિવાર ટ્રસ્ટની સ્થાપના કરી જિલ્લામાં અનેક સાહિત્ય પ્રવૃત્તિઓ શરૂ કરી હતી. ગુજરાતના શ્રેષ્ઠ સાહિત્યકારોના વાર્તાલાપ, સેમીનાર, પુસ્તક પરબ દ્વારા ૧૪૬ ઘરપુસ્તકાલય ૧૦૧ નગર ગ્રંથ મંદિરોને પુસ્તકોની સહાય 'ગુલમ્હોર' નામનું અનિયતકાલીન સામયિક માતૃભાષા સંવર્ધન એવોર્ડ જેવી અનેક પ્રવૃત્તિઓ થકી અમરેલીનું નામ સમગ્ર ગુજરાતમાં ગૂંજતું કર્યું હતું.

જિલ્લાના અનેક સમર્થ સર્જકો, ગુજરાતના પ્રખ્યાત સાહિત્યકારો, ગ્રંથાલયના સંચાલકો, માતૃભાષા પ્રેમીઓ, વાચકો, ભાવકો સૌએ અત્યંત દુઃખની લાગણી વ્યકત કરી પરિવારને દિલસોજી પાઠવી હતી. પૂ. દાદાની દિવ્ય ચેતનાને વંદન કરી પરમ પિતા પરમેશ્વરને પ્રાર્થના કરી ભાવાંજલી પાઠવી હતી. સોશિયલ મીડીયા દ્વારા પણ હજારો લોકોએ પોતાની લાગણી વ્યકત કરી હતી. અમરેલી જિલ્લા સાહિત્ય સર્જક પરિવારના ટ્રસ્ટીશ્રી ઉમેશભાઇ જોષી અને ઉદયભાઇ દેસાઇએ અંજલી અર્પી હતી.

(11:27 am IST)