Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

કોરોનાના વધતા પ્રકોપને પગલે અમદાવાદ મ્‍યુ. કોર્પોરેશને મેડીકલના વિદ્યાર્થીઓ-ઇન્‍ટર્નની કોરોના સમય દરમ્‍યાન સેવા લેવા નિર્ણય કર્યોઃ વિદ્યાર્થીઓને તાલીમ અપાશે

રૂ.પ૦૦નું સ્‍ટાઇપેન્‍ડ ચુકવવામાં આવશે

અમદાવાદઃ કોરોનાના વધતા જતા પ્રકોપને પગલે અમદાવાદ મ્‍યુ. કોર્પોરેશનને મેડીકલના વિદ્યાર્થીઓ-ઇન્‍ટર્નીની કોરોના સમય દરમ્‍યાન સેવા લેવા નિર્ણય કર્યો છે. આ માટે વિદ્યાર્થીઓને જરૂરી તાલીમ અપાશે અને રૂ.પ૦૦નું સ્‍ટાઇપેન્‍ડ ચુકવવામાં આવશે.

રાજ્યમાં દરરોજના એક હજારથી વધુ કોરોનાના કેસો નોંધાઇ રહ્યા છે. જેની સમીક્ષા કરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (AMC) મેડિકલના વિદ્યાર્થીઓ અને ઇન્ટર્નની કોરોનાકાળ દરમિયાન સેવા લેવાનો નિર્ણય કર્યો છે. વિદ્યાર્થીઓ અને ઇન્ટર્નને પાંચથી છ દિવસની તાલીમ પણ આપવામાં આવશે. જે બદલ તેમને પ્રતિદિન રૂપિયા 500 રૂપિયાનું સ્ટાઇપેન્ડ ચુકવવામાં આવશે.

કોરોના સામેના જંગમાં અમદાવાદ શહેરમાં આવેલી મેડિકલ, ડેન્ટલ, નર્સીંગ કોલેજના ઇન્ટર્ન તેમ જ વિદ્યાર્થીઓની સેવાઓ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

મેડિકલ કોલેજોના એમબીબીએસના બીજા તથા ત્રીજા વર્ષના

ડેન્ટલ કોલેજોના બીડીએસ અભ્યાસક્રમના બીજા, ત્રીજા અને ચોથા વર્ષના

તેમ જ ઇન્ટર્ન અને નર્સીંગ કોલેજોના બીજા, ત્રીજા તથા ચોથા વર્ષના વિદ્યાર્થીઓ તેમ જ ઇન્ટર્નના વિદ્યાર્થીઓએ ફીલ્ડ સર્વેલન્સ, સુપરવીઝન, સંક્રમણના અટકાવવા

તથા નિયંત્રણ માટેના પગલાંઓ, ટેસ્ટીંગ, મનોચિકિત્સક તથા સામાજીક સંભાળ, નર્સીંગ આસીસ્ટન્ટ તરીકે

તથા લક્ષણો ના ધરાવતા હોય તેવા કોરેન્ટાઇન કરેલા દર્દીઓની તપાસ, લક્ષણ ધરાવતા કોરોના પોઝીટીવ દર્દીઓની ઓળખ

તેમ જ હોમ આઇસોલેશનમાં રહેલાં દર્દીઓની સંભાળ રાખવાની રહેશે.

કોરોના સંક્રમણની પરિસ્થિતિની સમીક્ષા કરી નિર્ણય લેવાયો

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણની પરિસ્થિતિની સમીક્ષા માટે આજે અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષસ્થાને સાબરમતી રિવરફ્રન્ટ ખાતે બેઠક યોજાઇ હતી.

જેમાં મ્યુનિ. કમિશનર મુકેશકુમાર (AMC Commissioner) તથા ડેપ્યુટી મ્યુનિ. કમિશનર હાજર હતા.

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો હતો.

વિદ્યાર્થીઓને આ સેવાઓ બજાવવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન (AMC) દ્રારા પાંચથી છ દિવસની જરૂરી તાલીમ પુરી પાડવામાં આવશે.

કોર્પોરેશનના મંત્વ્ય મુજબ અને જે તે સમયે જરૂરી હોય તે મુજબ આવી સેવાઓમાં જરૂરી સુધારા વધારા તેમ જ બદલાવ કરી શકાશે.

આ સંપાદિત સેવાઓ સંબંધિત મેડિકલ, ડેન્ટલ, નર્સીંગ કોલેજના નિયમિત વર્ગો શરૂ થાય તેને આધીન રહેશે.

કોર્પોરેશનના હાલના ઠરાવ મુજબ આવી સેવાઓ બજાવનારા વિદ્યાર્થીઓને પ્રતિદિન 500 રૂપિયાનું સ્ટાઇપેન્ડ ચુકવવામાં આવશે.

જો કોઇ વિદ્યાર્થી ડાયાબિટીસ, હ્દયની બિમારી જેવા હઠીલા રોગોથી પીડાતા હોય તો તેવા વિદ્યાર્થીને આ કામગીરીમાંથી મુક્તિ અપાશે.

પરંતુ આ માટે જે તે વિદ્યાર્થીએ એસ.વી.પી. હોસ્પિટલમાં

તેમ જ વી.એસ. હોસ્પિટલના તબીબોની પેનલ દ્રારા તબીબી પરિક્ષણમાંથી પસાર થવાનું રહેશે.

અમદાવાદ મ્યુ.એ (AMC) વધુમાં એવો નિર્ણય કરાયો હતો કે,

જે તે કોલેજના ડીન તથા હેડ ઓફ ડિપાર્ટમેન્ટે મ્યુનિ. કમિશનર (AMC Commissioner)ના આ આદેશનું પાલન થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.

આ ઉપરાંત વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પુરુ પાડવાનું રહેશે.

તેની સાથે આવા વિદ્યાર્થીઓ દ્રારા આપવામાં આવતી સેવાઓની જે તે સંસ્થાએ નોંધ લઇ કદર કરવાની રહેશે.

આ આદેશનું પાલન નહીં કરનારી સંસ્થા, કોલેજ કે વ્યક્તિની સામે એપેડેમિક ડીસીઝીસ એક્ટ,1897ની  જોગવાઇઓ મુજબ પગલા લેવાશે

ઉપરાંત ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, 2005ની આનુષાંગિક જોગવાઇઓ અનુસાર પગલાં લેવામાં આવશે તેવી ચીમકી પણ અપાઇ છે.

(12:16 am IST)