Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

નેશનલ લેવલે પ્રખ્‍યાત ગુજરાતની કંપની ઇલેકટ્રોથર્મ ઇન્‍ડીયા લિમિટેડના એમડી ભંડારી બ્રધર્સે કંપનીના સ્‍થાપક બોગસ સહી કરી રૂ.૪૮૦ કરોડનું સેન્‍ટ્રલ બેંકનું કૌભાંડ કર્યું

વર્ષ થવા છતાં ધરપકડ કરાઇ નથી

અમદાવાદઃ નેશનલ લેવલે પ્રખ્‍યાત ગુજરાતની કંપની ઇલેકટ્રોથર્મ ઇન્‍ડિયા લિમિટેડના એમડી ભંડારી બ્રધર્સે કંપનીના સ્‍થાપકની બોગસ સહિ કરી રૂ.૪૮૦ કરોડનું સેન્‍ટ્રલ બેંકનું કૌભાંડ કર્યું છે. આ બનાવને વર્ષ વિતવા છતાં ધરપકડ કરાઇ નથી.

અમદાવાદઃ વિજય માલ્યા, નિરવ મોદી મેહૂલ ચૌકસી સહિતના ઓરોપીઓ દેશની બેન્કોને કરોડો રુપિયાનો ચૂનો લગાડી વિદેશ ભાગી ગયા. તેની ચર્ચા ચારે બાજુ છે. પરતુ નેશનલ લેવલે જણીતી ગુજરાતની કંપની ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયા લિમિટેડ (Electrotherm India Ltd.)ના એમડી  ભંડારી બ્રધર્સે કંપનીના સ્થાપકની બોગસ સહીઓ કરી 480 કરોડનું સેન્ટ્રલ બેન્કનું કૌભાન્ડ કરી નાખ્યું છતાં તેમના કે સરકારના પેટનું પાણી પણ હાલતુ નથી.

ગુજરાત બેઝ્ડ કંપની ઇલેક્ટ્રોથર્મના સ્થાપક મુકેશ ભાઇ ભંડારીને અંધારામાં રાખી કંપનીના એમડી શૈલેશ ભંડારી, નાગેશ ભંડારી ઉપરાંત વિવેક ભંડારી અને અશોક ભંડારી સહિતના 16 આરોપીઓએ આ કૌભાંડ આચર્યું હોવાનું જણાવાયું છે. કંપનીના ફાઉન્ડર અને ચેરમેન મુકેશ ભંડારી અને કંપનીના પૂર્વ ડાયરેક્ટ સિદ્ધાર્થ ભંડારીએ આ અંગે ચીફ મેટ્રોપોલિટન કોર્ટમાં વર્ષ પહેલાં રિટ દાખલ કરી હતી.

વર્ષ થવા છતાં વગદાર આરોપીઓની ધરપકડ થઇ નથી

480 કરોડ રૂપિયાના કૌભાંડમાં ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે સીઆઇડી ક્રાઇમને 90 દિવસમાં તપાસ પૂર્ણ કરી અહેવાલ રજૂ કરવા ગત તારીખ 16 સપ્ટેમ્બર 2019 ના રોજ હુકમ કર્યો હતો. જેને 11 મહિના જેટલો ઘણો લાંબો સમય વીતવા છતાં તપાસનીશ એજન્સી સીઆઇડી ક્રાઇમ દ્વારા આ કૌભાંડના આરોપીઓ એમડી શૈલેષ ભવરલાલ ભંડારી, અશોક ભંડારી, વિવેક ભંડારી અને વેસ્ટર્ન ઇન્ડિયા સ્પેશિયાલિટી હોસ્પિટલ લિમિટેડના ડાયરેક્ટર નાગેશ ભવરલાલ ભંડારી સહિતના આરોપીઓની હજુ સુધી ધરપકડ નહીં કરી નથી.

હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા. સપ્ટેમ્બરમાં વધુ સુનાવણી થશે

ચીફ મેટ્રો કોર્ટના હુકમ મુજબ, 90 દિવસમાં તપાસ પુરી કરી અહેવાલ પણ કોર્ટમાં રજૂ નહીં કરવામાં આવ્યો નથી. જેથી ફરિયાદી મુકેશ ભંડારી અને સિદ્ધાર્થ ભંડારી તરફથી ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા છે. બંને અરજદારની અલગ અલગ રિટ અરજીની સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે સીઆઇડી ક્રાઇમ અને ગુજરાત સરકારને કારણદર્શક નોટિસો જારી કરી છે અને સમગ્ર કેસમાં ચાલી રહેલી તપાસ અંગેનો સ્ટેટસ રિપોર્ટ ( શું પગલા લેવાયા ) અંગેની જાણ હાઇકોર્ટને કરવા ખૂબ જ મહત્વનો નિર્દેશ કર્યો છે આ કેસની વધુ સુનાવણી ત્રણ સપ્તાહ બાદ સપ્ટેમ્બર મહિનામાં મુકરર કરી છે.

પોલીસ સાથે સાંઠગાંઠનો આરોપ

અરજદારપક્ષ તરફથી સીઆઇડી ક્રાઇમ વિરુદ્ધ કરાયેલી રિટ અરજીમાં ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. જે મુજબ આરોપી એમ.ડી. શૈલેષ ભવરલાલ ભંડારી, અશોક ભંડારી, વિવેક ભંડારી અને વેસ્ટર્ન ઇન્ડિયા સ્પેશિયાલિટી હોસ્પિટલ લિમિટેડના ડાયરેક્ટર નાગેશ ભવરલાલ ભંડારી સહિતના આરોપીઓ રાજકીય સાંઠગાંઠ અને બહુ લાગવગ ધરાવતા પ્રભાવશાળી વ્યકતિઓ છે અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે પણ તેઓ સાંઠગાંઠ ધરાવતા હોવાથી પોલીસે હજુ સુધી આ આરોપીઓ વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી કરી નથી કે તેમની ધરપકડ સુદ્ધાં કરી નથી. સમગ્ર કેસમાં તપાસ ચાલુ હોવા છતાં અને સુપ્રીમ કોર્ટ દ્વારા આરોપીઓને કોઇ રાહત અપાઇ નહીં હોવા છતાં તપાસનીસ એજન્સી સીઆઇડી ક્રાઇમ દ્વારા સમગ્ર કૌભાંડના આરોપીઓને છાવરવાના અને તેમને બચાવવાના ભરપૂર પ્રયાસો થઈ રહ્યા છે.

ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયા લિમિટેડના ફાઉન્ડર અને ચેરમેન મુકેશ ભંડારી અને તેના પૂર્વ ડાયરેક્ટર સિદ્ધાર્થ ભંડારી તરફથી કરાયેલી રિટમાં સિનિયર કાઉન્સેલ જે.એમ.પંચાલ, સિનિયર એડવોકેટ આર.જે. ગોસ્વામી અને એડવોકેટ સિદ્ધાર્થ આર. ખેસકાનીએ મહત્વપૂર્ણ દલીલો કરતાં જણાવ્યું હતું કે,

ચકચારભર્યા ઇલેક્ટ્રોથર્મ કંપનીના કરોડો રૂપિયાના કૌભાંડમાં મૂળ ફરિયાદી સિદ્ધાર્થ ભંડારીએ મેટ્રોપોલિટન કોર્ટમાં કરેલી ફરિયાદમાં અગાઉ ખુદ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે  19 સપ્ટેમ્બર 2019 ના રોજ આ સમગ્ર કેસમાં તપાસ કરી 90 દિવસમાં તેનો વિગતવાર અહેવાલ મેટ્રો કોર્ટમાં રજૂ કરવા હુકમ કર્યો હતો. છતાં આજ દિન સુધી એટલે કે ચીફ મેટ્રો કોર્ટના હુકમને 11 મહિના થવા આવ્યા છતાં તપાસનીસ એજન્સી સીઆઈડી ક્રાઈમની ગંભીર ઉદાસિનતા, બેદરકારી અને આરોપીઓને આ કેસમાંથી બચાવવાના હીન પ્રયાસો સ્પષ્ટ થતાં અરજદાર પક્ષને નવેસરથી હાઇકોર્ટમાં હાલની અરજી કરવાની ફરજ પડી છે સંવેદનશીલ એવા આ સમગ્ર કેસમાં 30 દિવસમાં તપાસ પૂર્ણ કરી અહેવાલ હાઇકોર્ટ સમક્ષ રજૂ કરાવવા પણ રિટ અરજીમાં દાદ માગવામાં આવી હતી.

કોર્ટના કડક વલણ બાદ આ ચકચારભર્યા કૌભાંડમાં તપાસનીસ એજન્સી સીઆઇડી ક્રાઇમ માટે આરોપીઓની ધરપકડ માર્ગ મોકળો થયો હતો. બીજીબાજુ આરોપીઓ તરફથી કોઈ કોર્ટમાં આગોતરા જામીન અરજી પણ કરવામાં નહીં આવી હોવા છતાં તપાસનીસ એજન્સી દ્વારા કયા કારણસર અને કયા ઇરાદા સાથે આરોપીઓને બચાવવાનો અહીં પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેવો ગંભીર સવાલ પણ અરજદારપક્ષ તરફથી હાઈ કોર્ટની સુનાવણી દરમિયાન ઉઠાવવામાં આવ્યો હતો.

શું હતો કેસ ?

ઇલેક્ટ્રોથર્મ લિ.ના ફાઉન્ડર મુકેશભાઈ ભંડારીની બોગસ સહીઓ અને દસ્તાવેજો મારફતે કંપનીના એમડી શૈલેષ ભંડારી તથા નાગેશ ભંડારીએ તાન્ઝાનિયામાં સ્ટીલનો પ્લાન્ટ સ્થાપવા માટે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા માંથી રૂપિયા 480 કરોડની લોન ફેસિલિટી મેળવી હતી. કંપનીના ચેરમેન મુકેશભાઈ ભંડારી વિદેશમાં હોવા છતાં સંબંધિત દસ્તાવેજો અને ગેરંટી ડીડમાં રૂબરૂ ખોટી સહીઓ પણ કરી દેવાઈ હતી. સેન્ટ્રલ બેંકની મંજૂર થયેલી રૂપિયા 480 કરોડની લોનમાંથી આરોપીઓએ અન્ય બેંકોના રૂપિયા 280 કરોડના દેવા બારોબાર ભરી દીધા અને રૂપિયા 73.50 કરોડ હોંગકોંગ બેઝડ એપલ કોમોડિટીઝ લિ.માં અને બીજા કુલ રૂ. 26 કરોડ સિંગાપોરની કેસલ સાઇન પીટીઇ લિ.માં લેટર ઓફ ક્રેડીટ મારફતે ટ્રાન્સફર કરી કંપનીના નાણાકીય ભંડોળ ની જબરદસ્ત ઉચાપત કરી હતી.

બીજી બાજુ લોન ભરપાઇ નહીં કરાતા અને શરતોનો ભંગ થતા સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાએ આરોપી એમડી શૈલેષ ભંડારી, નાગેશ ભંડારી સહિતના આરોપીઓ સામે જે તે વખતે સીબીઆઈમાં ફરિયાદ નોંધાવી હતી. સીબીઆઈએ આ કેસમાં આરોપીઓ સામે ચાર્જશીટ પણ રજૂ કરાઇ હતી. ઉપરોક્ત આરોપીઓએ એપલ કોમોડિટીઝ પાસેથી કોલસો ખરીદવા અને કેસલસાઈન પાસેથી હોમ સ્ટ્રીપ્સ મિલ ખરીદવા ફંડ ટ્રાન્સફર કર્યું હતું પરંતુ વાસ્તવમાં કોલસો કે હોમ સ્ટ્રીપ મિલ પ્રોડક્ટ ઇલેક્ટ્રોથર્મ માં આવ્યા જ નથી. એટલું જ નહીં આરોપીઓએ એવું જુઠ્ઠાણું ચલાવ્યું હતું કે. આ કોલસો બારોબાર વિક્ટ્રી રીચ ટ્રેડિંગ પ્રા.લિ ને વેચી માર્યો છે એટલું જ નહીં આરોપી એમડી શૈલેષ ભંડારીએ કોઈપણ કાયદાકીય પ્રોસિજર અનુસર્યા વિના રૂપિયા34 કરોડ વર્ષ 2015-16 માં વિક્ટ્રી રિચ ટ્રેડિંગ લિ.ની તરફેણમાં રાઇટ ઓફ કર્યા હતા. ઉપરાંત અગાઉ 2007 માં પણ કેસલસાઇન પીટીઇ લિ માં સ્ક્રેપ ખરીદવા રૂપિયા 12.31 કરોડની એસબીઆઇ માંથી લેટર ઓફ ક્રેડીટ મારફતે ટ્રાન્સફર કર્યા હતા. આમ શૈલેષ ભંડારી અને તેના મળતિયાઓ દ્વારા ઇલેક્ટ્રોથર્મ ના કરોડ રૂપિયાના ભંડોળ નો દુરુપયોગ અને નાણાકીય ઉચાપત માટે બોગસ ફર્મ ઊભી કરી બહુ જ મોટા પ્રકારનું, ગંભીર અને સંવેદનશીલ કૌભાંડ આચરાયું હોવાનો અરજદાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી.

16 આરોપીઓમાંથી એકની પણ ધરપકડ કરાઇ નથી

સીઆઇડી ક્રાઇમ વિરુદ્ધની રિટ અરજીમાં અરજદારપક્ષ તરફથી સિનિયર કાઉન્સેલ જે.એમ.પંચાલ અને સિનિયર એડવોકેટ આર.જે. ગોસ્વામીએ હાઈકોર્ટનું એ બાબતે પણ ધ્યાન દોર્યું હતું કે ચીફ મેટ્રોપોલિટન કોર્ટના હુકમના અનુસંધાનમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા આ સમગ્ર ચકચારભર્યા કેસમાં ઇલેક્ટ્રોથર્મના એમડી શૈલેષ ભંડારી, વેસ્ટન ઇન્ડિયા સ્પેશ્યાલીટી હોસ્પીટલ લી.ના નાગેશ ભંડારી, અશોક ભંડારી અને વિવેક ભંડારી સહિતના કુલ 16આરોપીઓ વિરુદ્ધ ત્રણ અલગ-અલગ એફઆરઆઇ દાખલ કરવામાં આવી હતી. જેમાં ફરિયાદી તરીકે ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયા લી ના ફાઉન્ડર અને ચેરમેન મુકેશ ભંડારી અને તેના પૂર્વ ડાયરેક્ટર સિદ્ધાર્થ ભંડારી દર્શાવવામાં આવ્યા હતા. ચકચારભર્યા આ કૌભાંડમાં સીઆઇડી ક્રાઇમે ચીફ મેટ્રો કોર્ટના હુકમ મુજબ તપાસ પુરી કરી અહેવાલ રજૂ કર્યો નથી કે હજુ સુધી આ કેસમાં તમામ ૧૬ આરોપીઓમાંથી એક પણ આરોપીની ધરપકડ સીઆઇડી ક્રાઇમ દ્વારા કરાઇ નથી. તેમ જ કેસની તપાસ પણ પૂર્ણ કરાઇ નથી કે ચાર્જશીટ પણ ફાઇલ કરાયું નથી.

(12:18 am IST)