Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

અમદાવાદ શાહીબાગ વિસ્‍તારમાં આવેલ ઘાંસીરામ ચૌધરી હોલ લોકો માસ્‍ક વગરના જોવા મળતા કોર્પોરેશન દ્વારા સીલ કરાયોઃ વધારે પ્રમાણમાં ભીડ જોવા મળી

લાઇફ સ્‍ટાઇલ ઇવેન્‍ટ-પ્રદર્શનમાં વેચાણ ચાલતુ હતુ

અમદાવાદઃ અત્રેના શાહીબાગ વિસ્‍તારમાં આવેલ ઘાંસીરામ ચૌધરી હોલમાં લોકો માસ્‍ક વગરના જોવા મળતા અમદાવાદ મ્‍યુનિસીપલ કોર્પોરેશન દ્વારા સીલ કરાયો છે. અહીં લાઇફ સ્‍ટાઇલ ઇવેન્‍ટનું પ્રદર્શન હતું અને વેંચાણ ચાલતુ હતું. અહીં વધારે પ્રમાણમાં ભીડ જોવા મળી હતી.

 શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા ઘાંસીરામ ચૌધરી ભવન હોલને આજે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગ દ્રારા સીલ કરવામાં આવ્યો છે. આ હોલમાં લાઇફ સ્ટાઇલ ઇવેન્ટ, પ્રદર્શનમાં વેચાણ ચાલતું હતું. આ સ્થળે લોકો માસ્ક વગરના જોવા મળ્યા હોવાથી આ હોલ સીલ કર્યો હોવાનું કોર્પોરેશને કારણ દર્શાવ્યું છે.

શાહીબાગ ઘેવર સર્કલ પાસે આવેલા ઘાંસીરામ ચૌધરી ભવન હોલના મેનેજરને કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગ દ્રારા અપાયેલી નોટીસમાં જણાવ્યું હતું કે, આજે 25મી ઓગસ્ટના રોજ સાંજે અમે હોલમાં ચકાસણી કરી હતી. તે વખતે આ હોલને આપના તરફથી ભાડે આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ હોલમાં લાઇફ સ્ટાઇલ ઇવેન્ટસ એક્ઝિબિશનનું વેચાણનું કામ ચાલતું હતું. તે દરમિયાન ચકાસણી કરતાં લોકો માસ્ક વગરના જોવા મળ્યા હતા. તેમ જ તમામ એકમમાં ખૂબ જ પ્રમાણમાં ભીડ જોવા મળી હતી. એટલે કે સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થયેલો છે. જેથી આ હોલને સીલ મારવામાં આવે છે.

અગાઉ રવિવારે લો ગાર્ડન સ્થિત નેશનલ હેન્ડલુમ તથા એક રેસ્ટોરન્ટને સીલ મારવામાં આવ્યું હતું. આ ઉપરાંત લો ગાર્ડન રોડને બંધ કરી દેવામાં આવ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે, વૈશ્વિક કોરોનાની મહામારીને ધ્યાનમાં લઇને સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરાયું હતું. ત્યારબાદ તબક્કાવાર અનલોક જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ આ અનલોક દરમિયાન કેન્દ્રીય ગુહ મંત્રાલય દ્રારા ગાઇડલાઇન જાહેર કરવામાં આવી હતી.

તે પ્રમાણે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા ઉપરાંત જાહેરમાં થુકંવું નહીં વગેરે નિયમોનું કડકપણે પાલન કરવાની તાકીદ કરવામાં આવી હતી. આ કેન્દ્રીય માર્ગદર્શિકાનું પાલન નહીં કરનારા સામે કાર્યવાહી કરવાની અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન તરફથી વારંવાર જાહેરાત કરવામાં આવી છે. ત્યાં સુધી કે ઓફિસો, મોલ, શો રૂમ વગેરેની સરપ્રાઇઝ ચેકીંગ કરવાની પણ જાહેરાત કરાઇ હતી. છતાં પણ અનેક સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થતું જોવા મળતું નથી.

(12:13 am IST)