Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

કોર્ટના ચુકાદાથી લોકડાઉન ભંગની ફરિયાદો રદ થઇ જશે

કલમ ૧૮૮ હેઠળ નોંધાયેલા ૩ કેસ ડિસમિસ કરાયાઃ કલમ ૧૮૮ હેઠળની ફરિયાદો જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની પરવાનગી વિના કાયદાકીય રીતે ટકવાને પાત્ર નથી જ

વડોદરા, તા. ૨૫: લોકડાઉનના ભંગ બદલ કલમ ૧૮૮ હેઠળ નોંધાયેલા ત્રણ કેસને કોર્ટે પહેલી જ સુનાવણીમાં ડિસમિસ કરી દીધા છે. કોર્ટે જણાવ્યું હતું કે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની પરવાનગી વિના આ ગુનામાં એફઆઈઆર થઈ શકે નહીં. એડિશનલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એનપી ઉનડકટે લોકડાઉન દરમિયાન બાપોદ પોલીસ સ્ટેશનની હદમાં નોંધાયેલા ત્રણ કેસને ડિસમિસ કરી દીધા હતા. પોલીસે લોકડાઉન દરમિયાન આજવા રોડ પર એક ફળ વિક્રેતા વિરુદ્ધ સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગ બદલ કલમ ૧૮૮ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ સિવાય વાઘોડિયા રોડ પર કોઈ કારણ વિના બહાર નીકળેલા બે લોકો સામે પણ પોલીસે એફઆઈઆર નોંધવામાં આવી હતી. જો કે કોર્ટે આ ત્રણેય કેસને પહેલી જ સુનાવણીમાં ડિસમિસ કરી દીધા છે. સીઆરપીસીની કલમ ૧૯૫ મુજબ કલમ ૧૭૨થી ૧૮૮ હેઠળ નોંધાયેલા કોઈપણ સજાપાત્ર ગુનાની કોર્ટ નોંધ ના લઈ શકે. આ મામલે કોર્ટે ગુજરાત, પટણા અને દિલ્હી હાઈકોર્ટ ઉપરાંત સુપ્રીમ કોર્ટના ચુકાદાને પણ ટાંક્યો હતો. કોર્ટનો આ ચુકાદો લોકડાઉન દરમિયાન રાજ્યના અલગ-અલગ ભાગોમાં નોંધાયેલી હજારો ફરિયાદો પર સવાલ ઊભો કર્યો છે. વકીલોનો પણ દાવો છે કે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની મંજૂરી વિના નોંધાયેલી આ ફરિયાદો ટકવા પાત્ર નથી. વડોદરામાં નોંધાયેલા આ ત્રણ કેસમાં પોલીસે એફઆઈઆર નોંધ્યા બાદ ત્રણેય આરોપીએ પોલીસ કમિશનર દ્વારા બહાર પડાયેલા જાહેરનામાના ભંગના ગુનામાં કલમ ૧૮૮ હેઠળ ચાર્જશીટ દાખલ કરી હતી.

ક્રિમિનલ લૉની પ્રેક્ટિસ કરતા વડોદરા સ્થિત વકીલ પ્રવીણ ઠક્કરના જણાવ્યા અનુસાર, ફરિયાદ અને એફઆઈઆરમાં ફરક છે. પોલીસ કલમ ૧૭૨થી ૧૮૮ હેઠળ સીધી ફરિયાદ નોંધી ના શકે. તેના બદલે પોલીસે યોગ્ય પગલાં લઈ મેજિસ્ટ્રેટને લેખિત ફરિયાદ આપવી પડે, અને ત્યારબાદ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે નક્કી કરવાનું રહે છે કે એફઆઈઆર થવી જોઈએ કે નહીં. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે આ પ્રક્રિયા વિના નોંધાયેલી તમામ એફઆઈઆર આ જ પ્રકારે રદ્દ થશે.

 

(8:45 am IST)