Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

અમદાવાદમાં ચા ના વેપારીને કોરોના થયા બાદ વેપારી સાથે વિશ્વાસ કેળવી ગઠિયા રૂ. ૬૯ લાખનું ફુલેકુ ફેરવી નાસી ગયો

દરિયાપુર માં અંબિકા એક્સપર્ટનાં માલિક ને અજાણ્યા માણસ સાથે કરેલો વિશ્વાસ મોંઘો પડ્યો..

અમદાવાદ: સૂકી ચા પત્તીનો ધંધો કરતા વેપારીને કોરોના પોઝિટિવ થતાં જેની પર ભરોસો મુક્યો તે જ ખરાબ સમયનો લાભ લઇ રૂ. 69 લાખનો ચૂનો ચોપડી ગયાની ફરિયાદ માધવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. વેપારીને ત્યાં વેપાર શીખવાના બહાને આવેલા શખ્સે વિશ્વાસ કેળવ્યો બાદમાં સાગરિત સાથે મળી વેપારીને અંધારામાં રાખી પોતાની જ કંપનીમાં માલ મંગાવી ઠગાઈને અંજામ આપ્યો હતો.

શાહપુર હલીમની ખડકી પાસે પરબડીની પોળમાં રહેતાં વિનોદ મણિલાલ બારોટ છેલ્લા ત્રણ વર્ષથી દરિયાપુર દરવાજા બહાર અંબિકા એક્સપોર્ટના નામે સૂકી ચા પત્તીનો વેપાર કરે છે. વિનોદભાઈને ત્યાં કામ શીખવા અને રૂ.1 કરોડનું રોકાણ કરી ધંધામાં ભાગીદાર થવાની વાત કરી પાલડી જલારામ મંદિર પાસે કેવલ ફ્લેટમાં રહેતો દર્શન ભરત કોઠારી આવ્યો હતો.

દર્શન ચા પત્તીનો માલ વિનોદભાઈને ત્યાંથી લઈ સિધ્ધી વિનાયક કોમ્પ્લેક્સ મકરબા ખાતે રિષિત પટેલને ત્યાં મોકલતો હતો. દર્શને અત્યાર સુધીમાં રિષિતને ત્યાં રૂ. 38 લાખનો માલ મોકલ્યો જેમાં 34 લાખ જેટલા લેવાના બાકી હતા. દરમિયાનમાં વિનોદભાઈને કોરોના થતા તેઓ ગત તા. 5થી 27 જૂન સુધી ક્વોરન્ટાઈન રહ્યા હતા. આ સમય દરમિયાન દર્શન વિનોદભાઈનો વેપાર સાચવતો અને મેઈલ આઇડીનો ઉપયોગ કરતો હતો. વિનોદભાઈએ સાજા થયા બાદ રૂ. 34 લાખની ઉઘરાણી કરતા દર્શન અને રિષિતે તેમને જણાવ્યું કે તમે જે માલ આપ્યો છે તે તમને મોકલી આપીએ છીએ.

એટલાન્ટિસ ફુડ કંપનીને રૂ 69 લાખનો માલ જોઈએ છે. અમે જે માલ આપીએ તે અને બીજો માલ તમે આ કંપનીને મોકલી આપો. વિનોદભાઈએ વિશ્વાસે રૂ. 69 લાખનો માલ મોકલી આપ્યો બાદમાં આરોપી રિષિતે એટલાન્ટિસ કંપનીનો કોલકત્તા ખાતેની ઇન્ડ્સ બેન્કનો ચેક આપ્યો જે પરત આવ્યો હતો.

વિનોદભાઈ એટલાન્ટિસ ફૂડ કંપની અંગે તપાસ કરતા ખબર પડી કે આ કંપનીમાં રિષિત પટેલ ભાગીદાર છે. આમ પોતાની સાથે દર્શન અને રિષિતે રૂ. 69,35,088ની રકમનો માલ લઈ ઠગાઈ આચરવામાં આવ્યાનું વિનોદભાઈના ધ્યાને આવતા તેમણે માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

(9:08 pm IST)