Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

ફ્રી પાર્કિંગ અંગે હાઇકોર્ટના આદેશને સુપ્રીમમાં પડકાર

રાહુલરાજ મોલ દ્વારા સુપ્રીમકોર્ટમાં પિટિશનઃ રાજ્ય સરકાર, કોર્પોરેશન, સુરત મનપા અને અમદાવાદ પોલીસ કમિશનર સહિતના સત્તાધીશોને સુપ્રીમની નોટિસ

અમદાવાદ, તા.૨૬: મલ્ટિપ્લેક્સ થિયેટરો કે મોલ માલિક મુલાકાતીઓ પાસેથી પાર્કિંગ ચાર્જ કે ફી વસૂલી શકે નહી એ મતલબના ગુજરાત હાઇકોર્ટના ચુકાદા સામે સુરતના રાહુલરાજ મોલ કો.ઓ.સર્વિસ સોસાયટી દ્વારા સુપ્રીમકોર્ટમાં બહુ મહત્વની સ્પેશ્યલ લિવ પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેની સુનાવણીમાં સુપ્રીમકોર્ટે ગુજરાત સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, સુરત મહાનગરપાલિકા અને અમદાવાદ પોલીસ કમિશનર વિરૂધ્ધ નોટિસ જારી કરી કેસની વધુ સુનાવણી ઓકટોબર માસમાં રાખી છે. ફ્રી પાર્કિંગના ગુજરાત હાઇકોર્ટના હુકમ સામે સુપ્રીમકોર્ટમાં આ સૌપ્રથમ પિટિશન થયેલી છે. સુપ્રીમકોર્ટમાં થયેલી આ પિટિશનમાં અરજદારપક્ષ તરફથી સિનિયર એડવોકેટ કુમારેશ કે.ત્રિવેદીએ મહત્વની રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, પાર્કિંગની સમસ્યા એ દેશની સળગતી અને સાર્વત્રિક વ્યાપક સમસ્યા છે. રાહુલરાજ મોલના પાર્કિંગના એસેસમેન્ટ પે એન્ડ પાર્ક તરીકે છે. હાઇકોર્ટને કાયદામાં પાર્કિંગની જોગવાઇ આગળ ફ્રી શબ્દ ઉમેરવાની સત્તા નથી, કારણ કે, કાયદામાં મફત પાર્કિંગની જોગવાઇ નથી. ગુજરાત હાઇકોર્ટના ચુકાદાથી અરજદાર સહિત અનેક મોલ માલિકો અને મલ્ટિપ્લેક્સ થિયેટર સંચાલકો અસર પામ્યા છે અને પ્રભાવિત છે ત્યારે આ મહત્વના મુદ્દે સુપ્રીમકોર્ટે યોગ્ય દરમ્યાનગીરી કરવી જોઇએ અને યોગ્ય રાહત આપવી જોઇએ. દરમ્યાન સુપ્રીમકોર્ટે એવી પણ ટકોર કરી હતી કે, પાર્કિંગ ફ્રી હોઇ શકે નહી પરંતુ તે અંગે ચોક્કસ સૂચનો સાથે પક્ષકારોએ આવવું જોઇએ. જે મુલાકાતીઓ મોલમાંથી ખરીદી કરે કે, સિનેમાની ટિકિટ બતાવે તેવા લોકો માટે ફ્રી પાર્કિંગ કરી શકાય. દરમ્યાન રૂચિ મોલ્સ(આલ્ફા વન મોલ) તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, ગુજરાત હાઇકોર્ટના ચુકાદા સામે તેઓની રિવ્યુ અરજી પેન્ડીંગ છે, જેથી સુપ્રીમકોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, આ પિટિશન પેન્ડીંગ હોવાના કારણે હાઇકોર્ટને રિવ્યુ અરજી ચલાવવા પર કોઇ બાધ નડશે નહી. સુપ્રીમકોર્ટ પાર્કિંગનો મુદ્દો અને જોગવાઇ અંગે નિર્ણય કરશે. સુપ્રીમકોર્ટે એમ પણ જણાવ્યું હતું કે, મોલની આજુબાજુની સોસાયટીઓમાં પણ રહેવાસીઓને પાર્કિંગની સમસ્યા હોય છે, તેથી પેઇડ પાર્કિંગ હોય તો તેઓ પણ મોલમાં પાર્ક  કરી શકે કે કેમ તે અંગે પણ સૂચનો રજૂ કરવા પક્ષકારોને નિર્દેશ કર્યો હતો. અરજદારપક્ષ તરફથી સિનિયર એડવોકટે કુમારેશ કે.ત્રિવેદી તરફથી પિટિશનની સુનાવણી દરમ્યાન ગુજરાત હાઇકોર્ટના ફ્રી પાર્કિંગ અંગેના ચુકાદાને ગેરકાયદે અને રદબાતલ ઠરાવવા તેમ જ પાર્કિંગ ચાર્જ વસૂલવાની સત્તા આપવા માંગણી કરવામાં આવી હતી.

(8:45 pm IST)