Gujarati News

Gujarati News

News of Thursday, 26th July 2018

અમદાવાદ શહેરમાં ભુવાનું સામ્રાજ્ય : લોકો ત્રાહિમામ

શહેરમાં હજુ સુધી ૩૦થી વધુ ભુવા પડ્યા છેઃ કોર્પોરેશન તરફથી ભુવા-ખાડા પુરવા ૨૫ કરોડથી વધુનો ખર્ચ કરાશે : મોટા ખાડા દુર્ઘટનાને આમંત્રણ આપી શકે

અમદાવાદ, તા.૨૬: શહેરમાં ગયા અઠવાડિયે પડેલા માંડ પાંચ ઇંચ વરસાદને પગલે અમદાવાદમાં ફરી એકવાર ભુવાઓ અને ખાડાઓનું સામ્રાજય જોવા મળી રહ્યું છે. શહેરના જીવરાજપાર્ક, રન્નાપાર્ક, હેલ્મેટ સર્કલ, બાપુનગર, ગોમતીપુર, નિકોલ સહિતના અનેક વિસ્તારોમાં મસમોટા ભુવા પડી ગયા છે તો મોટા-મોટા ખાડાઓએ પણ જન્મ લઇ લીધો છે. શ્યામલ ચાર રસ્તા પરના મોટા ભુવાને પડયે એક સપ્તાહનો સમય વીતી ગયો પરંતુ હજુ સુધી તંત્રએ તેેની રિપરીંગની કાર્યવાહી શરૂ કરી નથી ત્યાં તો, આજે શહેરના કાંકરિયા સહિતના કેટલાક નવા વિસ્તારોમાં ભુવા અને ખાડા પડયાની ઘટનાઓ સામે આવતાં હવે અમદાવાદ શહેરમાં જાણે ભુવાઓનું ભૂત ધૂણ્યું છે. કેટલાક ભુવા અને ખાડાઓ તો એટલા જોખમી છે કે, જો તેમાં કોઇ પડી જાય તો ગંભીર અકસ્માત કે જાનહાનિ સર્જાઇ શકે છે. શહેરમાં ફરી એકવાર ઉભરી આવેલા ભુવા અને ખાડાઓના સામ્રાજયને લઇ નાગરિકોમાં અમ્યુકો તંત્રના અણઘડ વહીવટ પરત્વે ઉગ્ર આક્રોશની લાગણી ફેલાઇ છે. આ વખતે માંડ પાંચેક ઈંચ વરસાદ બાદ અમદાવાદની હાલત 'ભૂવાનગરી' જેવી બની ગઇ છે. આજે અમદાવાદીઓના ફેવરિટ પિકનિક સ્પોટ એવા કાંકરિયામાં પણ ટોય ટ્રેનના પાટાની નજીકમાં મોટો ભુવો પડ્યો છે. શહેરમાં અત્યાર સુધી ૩૦ જેટલા ભૂવા પડી ચૂક્યા છે, જેમાં કેટલાક તો ઘણા વિશાળ છે. કોર્પોરેશનને શહેરમાં પડેલા ભૂવાઓ પાછળ અંદાજે રૂ.૨૫ કરોડથી વધુનો ખર્ચ કરવો પડે તેવી શકયતા છે. કાંકરિયા વિસ્તારમાં પડેલો આ ભુવો ઘણો મોટો અને જોખમી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં શહેરના દાણીલીમડા વિસ્તારમાં પડેલો ભુવો કરદાતાઓના ખિસ્સામાં ૧૧ કરોડનું કાણું પાડશે. આ ૧૧ કરોડ રૂપિયાથી ખાડો પૂરવાની સાથે બહેરામપુરા ચાર રસ્તાથી દાણીલીમડા બીઆરટીએસ કોરિડોર રૂટ સુધી ૮૦૦ મીટર લાંબી અને ૫ ફૂટ પહોળી ટ્રંક લાઈનને પુનઃસ્થાપિત કરવાનું કામ પણ થશે. આ વિસ્તારમાં છેલ્લા ૩ વર્ષમાં ચાર વખત ભુવા પડી ચૂક્યા છે. દાણીલીમડા ઉપરાંત બાપુનગરમાં પણ મોટો ભુવો પડ્યો છે. ડ્રેનેજ લાઈન અને ભુવાના સમારકામનો રૂ.૧૦ કરોડથી પણ વધુ ખર્ચ થવાનો અંદાજ છે. જૂનની શરૂઆતથી શહેરમાં રોડ બેસી જવાના ૩૦ જેટલા બનાવો બન્યા છે. જેમાંથી ૨૪ નાના-મોટા ખાડા અને ૬ રોડનું સમારકામ કરવાનું છે.  અમ્યુકો સત્તાધીશોના મતે આ સમારકામ પાછળ ૨૫ કરોડ જેટલો ખર્ચ થઈ શકે છે. રોડ અને બિલ્ડિંગ કમિટીના ચેરમેન રશ્મિન શાહે કહ્યું કે, દાણીલીમડાના રૂટ પર પડેલા ભૂવાના સમારકામ માટે ૯ કરોડ રૂપિયાનું ટેન્ડર ઈશ્યુ કરાયું છે. મુખ્ય રોડ પર ૬૦ વર્ષ જૂની ટ્રંક લાઈન હતી જેને પુનઃપ્રસ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે એટલે ખર્ચો વધી શકે છે.  ઉલ્લેખનીય છે કે, જૂન ૨૦૧૫માં મીઠાખળી વિસ્તારમાં પડેલા ભૂવામાં ૪૦ વર્ષની મહિલા પડી હતી. આ ખાડાના સમારકામ અને વળતર પાછળ અમ્યુકોને ૧૫ કરોડ ખર્ચ થયો હતો. અહીં વરસાદી પાણીની ગટરલાઈનનું સંપૂર્ણપણે સમારકામ કરવામાં આવ્યું હતું. હવે આ વખતે શહેરના વિવિધ વિસ્તારોમાં પડેલા ભુવાઓ અમ્યુકો સત્તાવાળાઓ કયાં સુધીમાં રીપેર કરી બતાવે છે તેમાં જ તેમની અગ્નિપરીક્ષા છે. કારણ કે, આ વખતે હાઇકોર્ટ શહેરના બિસ્માર રસ્તાઓ, ભુવા અને ખાડાઓની સ્થિતિ મોનીટરીંગ કરી રહી છે.

 

(10:03 pm IST)