Gujarati News

Gujarati News

News of Thursday, 26th July 2018

રાજયમાં શેરડીના પાકમાં ૧૦૦ ટકા ડ્રીપ ઇરીગેશન માટે ખેડૂતોને સરકાર પ્રોત્સાહિત કરશેઃ વિજયભાઇ રૂપાણી

ગાંધીનગર, તા.૨૬: મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ રાજયમાં શેરડી ના પાક માં ૧૦૦%  ડ્રીપ ઇરીગેશન માટે ખેડૂતો ને રાજય સરકાર પ્રેરિત કરશે તેવી નેમ વ્યકત કરી છે.

મુખ્યમંત્રી એ ખેડૂત સુખી તો ગામડું સુખી ના ધ્યેય ને સાકાર કરવા રાજય ના હરેક કિસાન ને ઇઝરાયેલ પદ્ઘતિ એ ડ્રીપ ઇરીગેશન ભણી વળવા ની હિમાયત કરી છે.

તેમણે  અમદાવાદ માં ઇફ્કો આયોજિત ખેડૂત અને સહકાર સંમેલન માં પ્રગતિશીલ કૃષિકારો અને સહકારી અગ્રણીઓ નું સન્માન કર્યું હતું.

વિજય ભાઈ રૂપાણી એ જણાવ્યું કે હવે પરંપરાગત બીબાઢાળ ખેત પદ્ઘતિ ને સ્થાને અદ્યંતન કૃષિ પદ્ઘતિ અપનાવી સમય સાથે ચાલવા ખેડૂતો એ માઈન્ડ સેટ બદલવો પડશે.. તેમણે કહ્યું કે ઇઝરાયેલ જેવા નાના દેશે ટપક સિંચાઇ પદ્ઘતિ અને કૃષિ ક્ષેત્રે જે ઈનોવેશન્સ અપનાવ્યા છે તેનો વ્યાપક વિનિયોગ ગુજરાત માં કેળા શેરડી ડાંગર જેવા પાકો માં કરી ૨૦૨૨ સુધી માં ખેડૂત ની આવક બમણી કરવા ના પ્રધાનમંત્રી ના સંકલ્પ માં ગુજરાત લીડ લેશે એવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો..

મુખ્યમંત્રી એ ગુજરાતે ખેડૂતો ને ૦ ટકા વ્યાજે લોન.. ખેડૂત ના ખેતર માં સૌર ઉર્જા થી વીજ ઉત્પાદન દ્વારા ખેત વપરાશ ની વીજ અને વધારા ની વીજળી વેચી ને આર્થિક આધાર મેળવી શકે તેવા અનેક આયોજનો કર્યા છે તેની ભૂમિકા આપી હતી.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧પ૦મી જન્મ જયંતિની આગામી તા.રજી ઓકટોબર-ર૦૧૮થી શરૂ થનારી રાષ્ટ્રવ્યાપી ઉજવણીમાં ગુજરાત ગરિમામય ઉજવણીથી ગાંધી મૂલ્યોને ચીરંજીવ બનાવશે તેવી નેમ દર્શાવી છે.

         આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગાંધીજીની વતનભૂમિ એવા ગુજરાતની આ જન્મજયંતિ ઉજવણીમાં વિશેષ જીમ્મેદારી બને છે અને તે અનેક રચનાત્મક કાર્યક્રમો યોજીને આપણે પાર પાડવી છે.

         મુખ્યમંત્રીશ્રી મહાત્મા મંદિરમાં યોજાયેલી ગાંધી ૧પ૦મી જન્મજ્યંતિ ઉજવણીની રાજ્ય કક્ષાની સમિતીની પ્રથમ બેઠકના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા.

         નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, મંત્રીઓ સર્વશ્રી ગણપતસિંહ વસાવા, ઇશ્વરભાઇ પરમાર, પ્રદિપસિંહ જાડેજા તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો, ગાંધી જીવન-વિચાર મૂલ્યો સાથે કાર્યરત સેવા સંસ્થાઓના પ્રતિનિધિઓ આ બેઠકમાં જોડાયા હતા.

         શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, ગાંધીજીના જન્મથી લઇને તેમના રાષ્ટ્રપિતા સુધીના જે સ્થળો ગુજરાતમાં તેમના જીવન-કવન સાથે જોડાયેલા છે તેનું ઇન્ફ્રાસ્ટ્રકચરલ ડેવલપમેન્ટ કરી તેની મૂલાકાતે વધુ લોકો આવે તેવું આયોજન આ ઉજવણી દરમ્યાન કરવાની નેમ છે.

         મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બેય ગાંધી ૧પ૦મી જન્મજયંતિ ઉજવણીની ભવ્ય ઉજવણી માટે સંકલ્પબધ્ધ છે ત્યારે ગાંધીના ગુજરાતમાં આપણે મુખ્યત્વે ત્રણ બાબતોના કાર્યઆયોજનથી આ ઉજવણી કરવી છે, તેમણે આ અંગેની વિશદ ભૂમિકા આપી હતી.

         મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, આ ઉજવણીમાં જનભાગીદારી વિશાળ પાયે પ્રેરિત થાય તેવું પીપલ્સ ઇન્વોલ્વમેન્ટ કાર્યક્રમોમાં થાય તે આવશ્યક છે.

         શ્રી વિજયભાઇ રૂપાણીએ વર્તમાન સ્થિતિમાં ગાંધીજીના વિચારોનું સાતત્યપૂર્ણ રિલેવન્સ સાધી શકાય તે પ્રકારના કાર્યક્રમોથી યુવા પેઢીને ગાંધી શાશ્વત મૂલ્યો તરફ વાળવાના વાતાવરણ નિર્માણનો અનુરોધ કર્યો હતો.

         તેમણે કહ્યું કે, રાજ્ય સ્તરીય બેઠકમાં આવતા સૂચનો-સૂઝાવો પર પરામર્શ-વિચાર કરીને ઉજવણીને આખરી ઓપ અપાશે.

         મુખ્યમંત્રીશ્રીએ ગાંધી વિચાર મૂલ્યો સાથે જોડાયેલી સેવા સંસ્થાઓ પણ ૧પ૦મી ગાંધીજ્યંતિ ઉજવણીમાં યોગદાન આપે અને નવિન વિચારો સાથે આગળ આવે તો રાજ્ય સરકાર યોગ્ય પ્રોત્સાહન-મદદ આપશે તેમ પણ ઉમેર્યું હતું.

         નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું કે, ગાંધીજી સૌને અનેક રીતે વિવિધ પરિપ્રેક્ષ્યમાં નિયમીત રીતે યાદ આવે જ તેવું તેમનું વ્યકિતત્વ અને કતૃત્વ રહ્યા છે.

         નવી પેઢીમાં ગાંધી વિચારોનું સંવર્ધન થાય, એ પેઢી પણ ગાંધી જીવન દર્શન પ્રત્યે ઝડપથી આકર્ષિત થાય તેવા કાર્યક્રમો સૌએ સાથે મળીને ઉજવવા જોઇએ.

         નાયબ મુખ્યમંત્રીશ્રીએ ગાંધી વિચારો સમાજજીવનમાં વધુ સુદ્રઢ અને ઉપયુકત બને તે હેતુસર ઉજવણી કાર્યક્રમો લોકભોગ્ય બનાવવાની આવશ્યકતા વર્ણવી હતી.

         બેઠકના પ્રારંભમાં યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ સચિવ શ્રી વી.પી.પટેલે ઉજવણી અંગેના રાજ્ય સરકારના ભાવિ આયોજનની પ્રસ્તુતિ કરી હતી.

         શ્રીમદ રાજચંન્દ્ર મિશન ધરમપૂરના શ્રી ભાવિન રૂપાણીએ પણ પ્રેઝન્ટેશનના માધ્યમથી આ ઉજવણીને ગાંધીજીની આધ્યાત્મીકતા સાથે જોડી શકાય તેનું નિદર્શન કર્યું હતું.

         ‘વાંચે ગુજરાત’ અભિયાનના શ્રી મહાદેવ દેસાઇ, સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી વિષ્ણુ પંડયા, સાબરમતી આશ્રમના કાર્તિકેય સારાભાઇ, લોકભારતી સણોસરાના શ્રી અરવિંદભાઇ તેમજ સૌરાષ્ટ્ર રચનાત્મક સેવા સમિતીના શ્રી દેવેન્દ્ર દેસાઇ વગેરેએ પોતાના સૂચનો-મંતવ્યો વ્યકત કર્યા હતા.

         યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિના કમિશનર શ્રી સતિષ પટેલે બેઠકમાં જોડાયેલા સૌનો આભાર વ્યકત કર્યો હતો.

(6:00 pm IST)