Gujarati News

Gujarati News

News of Thursday, 26th July 2018

તું અલ્પેશ ઠાકોર સાથે આંદોલનમાં કેમ જોડાયો છે, તેનો જવાબ હાર્દિક પટેલે ન આપતા પાસના કાર્યકરો અને SPGના કાર્યકરો વચ્‍ચે ઝપાઝપી

વિસનગરઃ મહેસાણાના વિસનગરમાં ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ પ્રકરણમાં પાસના કન્‍વીનર હાર્દિક પટેલ અને અેસપીજીના લાલજી પટેલ સહિતના આજે વિસનગર કોર્ટમાં હાજર થયા હતા ત્‍યારે પાસ અને અેસપીજીના કાર્યકરો વચ્‍ચે ઝપાઝપી થતા દોડધામ મચી ગઇ હતી.

કોર્ટ કાર્યવાહી બાદ હાર્દિકનો કાફલો કોર્ટ પરિસરમાં હતો તે દરમિયાન SPGના કન્વિનર ધર્મેશ પટેલ સહિતના કેટલાક લોકો ધસી આવ્યા હતા અને હાર્દિકને ખરી ખોટી સંભળાવવા લાગ્યા હતા.

કોર્ટ પરિસર બહાર SPGના કન્વિનર ધર્મેશ પટેલ સહિતના કેટલાક લોકોએ હાર્દિકને ઘેર કેટલાક સવાલો કર્યા હતા. આ સવાલોમાં તેઓએ હાર્દિકને પૂછ્યું કે તું અલ્પેશ ઠાકોર સાથે આંદોલનમાં કેમ જોડાઇ છે. આ સવાલનો જવાબ હાર્દિકે આપ્યો નહીં અને તે ચાલતો થઇ ગયો હતો. આ દરમિયાન હાર્દિક સાથેના લોકો અને SPGના લોકો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. જો કે કોર્ટ બહાર હાજર પોલીસ કર્મીઓએ મામલો થાળે પાડ્યો હતો.

કોર્ટમાંથી છૂટ્યા બાદ હાર્દિકે પોતાના ફેસબૂક પેજ પર સરકાર પર પ્રહારો કર્યા હતા, જેમાં તેણે લખ્યું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે ભાજપે કહ્યું હતું કે આંદોલનકારીઓ પરના તમામ કેસ પરત ખેંચાશે તો આ સજાની જાહેરાત કેમ ? જેલના સળિયા પાછળ સત્ય, ખેડૂત, યુવાનો અને ગરીબો માટે ઉઠતો મારો અવાજ ભાજપની હિટલરશાહી સત્તા દબાવી શકશે નહીં.

પાટીદાર અનામત આંદોલન દરમિયાન મહેસાણાના વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં કરવામાં આવેલી તોડફોડ મામલે બુધવારે વિસનગર કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ.કે.પટેલને આ કેસમાં દોષિત જાહેર કર્યા હતા. આ કેસમાં કોર્ટે ત્રણેય આરોપીઓને બે-બે વર્ષની સજા તેમજ રૂ. 50-50 હજારનો દંડ ફટકાર્યો હતો. સજા બાદ કોર્ટે ત્રણેય આરોપીઓને શરતી જામીન પર મુક્ત કર્યા હતા.

સજાના એલાન બાદ હાર્દિક પટેલ, લાલજી પટેલ અને અંબાલાલ પટેલે જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી. જેમાં કોર્ટે રૂ. 15 હજારના બોન્ડ પર તમામના શરતી જામીન મંજૂર કર્યા હતા. કોર્ટે જામીન આપતા હાર્દિક, લાલજી અને અંબાલાલ પટેલે જેલમાં રાત નહીં વિતાવવી પડે. કોર્ટે ત્રણેયને હાઇકોર્ટમાં અરજી કરવા માટે 25મી ઓગસ્ટ સુધીનો સમય આપ્યો છે.

(6:02 pm IST)