Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

નર્મદા જિલ્લાના દેડીયાપાડાથી રાજ્યના વાંસ આધારિત ૪ કૌશલ્યવર્ધન કેન્દ્રોનું ઈ-લોકાર્પણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

મુખ્યમંત્રીએ રાજ્યની રપ સહભાગી વન વ્યવસ્થા સમિતિઓને કુલ રૂ.પાંચ કરોડના લાભ, કલસ્ટર ડેવલપમેન્ટ માટે રૂ.૩ કરોડના લાભ વિતરણ કર્યું : દક્ષિણ ગુજરાતમાં નર્મદાના તીરે વનબાંધવોના વિકાસની વચનબદ્ધતા દોહરાવતા મુખ્યમંત્રી: નમો વડ વન-દેડીયાપાડા', પ્લેટિનમ વન-ગલતેશ્વર અને નાંદોદ તાલુકાના પવિત્ર ઉપવન-રામપરાનું લોકાર્પણ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ડેડીયાપાડા, ભરૂચના નેત્રંગ, ડાંગના વઘઈ અને છોટાઉદેપુરના કેવડીમાં કુલ રૂ. બે કરોડના ખર્ચે પ્રધાનમંત્રી કૌશલ્યવર્ધન યોજના અન્વયે તૈયાર થયેલા ચાર કૌશલ્યવર્ધન કેન્દ્રો ડેડીયાપાડા ખાતેથી ઈ-લોકાર્પણ તેમજ વિવિધ વિકાસ પ્રકલ્પોને ખૂલ્લા મૂકતા જણાવ્યું કે, દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વાંસને વૃક્ષ ગણવાના અંગ્રેજોના સમયના ૯૦ વર્ષ જૂના કાયદાને દૂર કરીને આદિજાતિઓના સર્વગ્રાહી વિકાસના નવા દ્વાર ખોલી આપ્યા છે.
  મુખ્યમંત્રીએ આદિજાતિ યુવાનોના કૌશલ્યને પદ્ધતિસર અને સમયાનુકુલ નિખાર આપવા રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં કૌશલ્યવર્ધન કેન્દ્રો થકી ‘‘વોકલ ફોર લોકલ’’નો ધ્યેય પાર પાડવાની નેમ દર્શાવી હતી.
  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલે રાજ્યના અંબાજીથી ઉમરગામ સુધીના સમગ્ર આદિજાતિ બેલ્ટના ૧૪ જિલ્લાઓના વનબંધુઓને રૂ.ર૦ કરોડના ૪ર લાખ વાંસના વિનામૂલ્યે વિતરણનો ડેડીયાપાડાથી પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ આ અવસરે રાજ્યની રપ સહભાગી વન વ્યવસ્થા સમિતિઓને કુલ રૂ.પાંચ કરોડના લાભ, કલસ્ટર ડેવલપમેન્ટ માટે રૂ.૩ કરોડના લાભ તેમજ ૪ વનલક્ષ્મી, ઈકો ડેવલપમેન્ટ-ઇકો ટુરિઝમના લાભોનું વિતરણ કર્યુ હતું.
  મુખ્યમંત્રીએ દેડીયાપાડાના મોસદા રોડ પર વાંસ આધારિત કૌશલ્યવર્ધન કેન્દ્રમાં બનાવાયેલા રૂરલ મોલ, વાંસ વર્કશોપ, આયુષ આરોગ્ય કુટિર તેમજ ડેડીયાપાડા તાલુકાના સખીમંડળોની માતા-બહેનો દ્વારા સંચાલિત પારંપારિક ભોજન પીરસતા 'સાતપૂડા વન ભોજનાલય'ને પણ ખૂલ્લાં મૂક્યા હતા. અહીં મુખ્યમંત્રી અને મંત્રીગણે સખીમંડળોની માતા-બહેનોએ બનાવેલા પારંપારિક આદિવાસી ભોજનનો પણ આસ્વાદ માણ્યો હતો. વાંસ વર્કશોપમાં મુખ્યમંત્રીશ્રીએ વાંસમાંથી વિવિધ ચીજવસ્તુઓ બનાવવાની ગતિવિધિઓને ઝીણવટથી નિહાળી કારીગરોને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે વનબંધુઓને વાંસનું વિનામૂલ્યે વિતરણ કર્યું હતું. તેમજ નમો વડ વન-દેડીયાપાડા'નું લોકાર્પણ કરી મુખ્યમંત્રીએ વડ વૃક્ષારોપણ અને જળસિંચન કર્યું હતું.મુખ્યમંત્રીએ પ્લેટિનમ વન-ગલતેશ્વર અને નાંદોદ તાલુકાના પવિત્ર ઉપવન-રામપરાનું પણ ઈ-લોકાર્પણ કર્યું હતું.
  પ્રગતિશીલ વનબંધુ ખેડૂતો, વનવિકાસની ઉમદા કામગીરી કરતી મંડળીઓને પ્રશસ્તિપત્ર અર્પણ કર્યા હતા, તેમજ ગુજરાતમાં વાંસ અંગેની વિસ્તૃત માહિતીસભર પુસ્તિકા 'બામ્બુ રિસોર્સ ઓફ ગુજરાત' નું પણ મુખ્યમંત્રીએ વિમોચન કર્યું હતું.
  આદિજાતિ સમૂહોના સર્વાંગી ઉત્કર્ષની ભાવનાથી રાજ્યના વન વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સંબોધન કરતા મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં વનબંધુઓ-આદિજાતિઓના સર્વાંગી ઉત્કર્ષ માટે સરકારની પ્રતિબદ્ધતા આ બહુવિધ વિકાસ સમારોહથી સાકાર થઇ છે. દેશના અનેક રાજ્યોમાં ‘બામ્બુ ઇન્ડસ્ટ્રી’ વાંસ આધારિત ઉદ્યોગોનો વિકાસ થઇ રહ્યો છે, ત્યારે ગુજરાતે પણ વડાપ્રધાનના દિશાદર્શનમાં ‘ગ્રીન ગોલ્ડ’ વાંસ ઉછેર-વાંસ ઉદ્યોગની ઇકોસિસ્ટમ ઉભી કરવાની દિશા લીધી છે તેની ભૂમિકા આપી હતી.
 રાજ્યના વન વિસ્તારો, આદિજાતિ વિસ્તારોમાં વસવાટ કરતા લોકોને કૌશલ્ય સંવર્ધન તાલીમથી સજ્જ કરીને વાંસ વિકાસ કેન્દ્રોમાં તૈયાર થતી બનાવટો, ચીજવસ્તુઓને દેશ-વિદેશના બજારો સુધી પહોચાડવાનો નૂતન પ્રયત્ન વનવિભાગે હાથ ધર્યો છે, ત્યારે આ પહેલને બિરદાવતા તેમણે વનવિભાગનો આ પ્રયાસ સાચા અર્થમાં વડાપ્રધાનશ્રીના આત્મનિર્ભરતાના સંકલ્પને સાકાર કરશે, તેમજ વાંસની બનાવટ-ઉત્પાદનોને વિશ્વ બજારમાં સ્પર્ધા કરવા સક્ષમ બનાવવા આ કૌશલ્યવર્ધન કેન્દ્ર ગ્રોથ સેન્ટર બનશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા' એ વિકાસની પારાશીશી છે એમ સ્પષ્ટપણે જણાવતાં તેમણે રાજ્યમાં કડક કાયદાઓ અને આ કાયદાઓનું કડકાઈથી અમલીકરણ કરતી જાગૃત્ત સરકાર હોવાથી બહેન દીકરીઓ ગુજરાતમાં ક્યાંય પણ નિર્ભિકપણે હરીફરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના માટે વિકાસની અનેક તકો પૂરી પાડીને દીર્ઘદ્રષ્ટિપૂર્ણ આયોજનથી ગુજરાતને વિકાસનું ગ્રોથ એન્જિન અને અન્ય રાજ્યો પણ પ્રેરણા લઈ શકે તેવું વિકાસ મોડેલ બનાવ્યું છે. શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષાની પાયાની સગવડતાઓ આપીને અંતરિયાળ વિસ્તારોના આદિજાતિ અને છેવાડાના લોકોને વિકાસની મુખ્યધારામાં લાવવા સરકાર સંકલ્પબદ્ધ છે એમ તેમણે ઉમેર્યું હતું.
  વાંસ જેવી વન સંપદાના ગુણવત્તાયુક્ત ઉપયોગ થકી આદિજાતિ સમુદાયના આર્થિક ઉત્થાન માટે સરકાર સતત પ્રયત્નશીલ હોવાનું જણાવતાં મુખ્યમંત્રીએ વનબાંધવોના વિકાસની વચનબદ્ધતા દોહરાવી હતી. તેમણે કહ્યું કે, રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈએ ભૂતકાળમાં આદિવાસી સમાજે વેઠેલી મુશ્કેલીઓને વનબંધુ કલ્યાણ યોજનાના માધ્યમથી કરોડો રૂપિયાના માતબર લાભો આપીને દૂર કરી છે. આજે આદિજાતિ વિસ્તારોમાં સ્થાપિત અનેક વિજ્ઞાન કોલેજોના કારણે આદિજાતિ બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવી પાયલોટ, ડૉક્ટર, એન્જીનીયર બનવાના સ્વપ્ન સાકાર કરી રહ્યા છે.
વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્યની સરકારે સહુનો સાથ સહુનો વિકાસ થકી અનેક જનહિતલક્ષી નિર્ણયો લીધા છે. વનબંધુ યોજના સહિત અનેકવિધ જનકલ્યાણકારી યોજનાઓનો  આદિવાસી સમાજને લાભદાયી બની રહી છે. અંતરિયાળ વિસ્તારોમાં ૫૦૦ થી વધુ મોબાઇલ ટાવરો માત્ર બે જ વર્ષમાં ઉભા કરાશે તેમ જણાવ્યું હતું. આદિજાતિ વિસ્તારોમાં ચાર કૈાશલ્યવર્ધન કેન્દ્રો થકી આગામી સમયમાં વનબંધુઓ વધુ રોજગારી મેળવી આત્મનિર્ભર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત મંત્રી રાણાએ વ્યક્ત કર્યો હતો. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની આગવી દિર્ઘદ્રષ્ટી દ્વારા ૨૦ થી વધુ સાંસ્કૃતિક વનોનું  પણ નિર્માણ કરાયું હોવાનું મંત્રી રાણાએ જણાવ્યું હતું               
આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારે અંબાજી લઈને ઉમરપાડા સુધીના વિસ્તારમાં જનહિતલક્ષી અનેકવિધ યોજનાઓ અમલમાં મુકીને આદિવાસી સમાજને રોજગારી પુરી પાડીને આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ સાધ્યો છે. વનબંધુઓના વિકાસ માટે હરહંમેશ સરકાર પ્રતિબધ્ધ છે તેમ મંત્રી પટેલે જણાવ્યું હતું. આદિવાસી સમાજના ઉત્થાન માટે સરકારે માતબર રકમ પણ ફાળવી છે. આદિવાસી પટ્ટાના વિસ્તારમાં ૬૩૧ જેટલી  જરજરીત આશ્રમશાળાઓના મકાન અથવા નવા ઓરડાઓના બાંધકામ કરાશે તેમ જણાવ્યું હતું.
   ભરૂચના સાસંદ મનસુખભાઈ વસાવાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અંતરિયાળ અને છેવાડાના વિસ્તારોમાં રોડ, રસ્તાઓ, વીજળી, સિંચાઈ સહિતની અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે, અને આદિવાસી બંધુઓ  કૌશલ્યવર્ધન કેન્દ્રો દ્વારા ઘરઆંગણે જ સ્વરોજગારી મેળવી આત્મનિર્ભર થાય તે દિશાના પ્રયાસો સરકાર દ્વારા સતત કરવામાં આવી રહ્યાં હોવાનું વસાવાએ ઉમેર્યું હતું. વનબંધુ યોજના આદિવાસી સમાજ માટે ખુબ જ આશિર્વાદરૂપ બનવાની સાથે  આદિવાસી સમાજ જે જંગલની જમીન ખેડતા હતા તે જમીન તેમને પરત કરીએ  સરકાર દ્વારા ઐતિહાસિક  નિર્ણયો લેવામાં આવ્યાં છે. વાંસ આધારિત કૌશલ્યવર્ધન કેન્દ્ર થકી સ્થાનિક લોકોને રોજગારી પણ વધુ મળી રહેશે આદિવાસી સમાજને રોજગારી પુરી પાડી હોવાની પ્રતિબધ્ધતા વસાવાએ વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે ઉદ્યોગ,વન-પર્યાવરણ રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા (પંચાલ), ધારાસભ્ય મહેશભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા, ઈન્ચાર્જ  જિલ્લા કલેકટર અંકિત પન્નુ, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બે, અગ્ર મુખ્ય વનસંરક્ષક  એમ.એમ.શર્મા, વન વિકાસ નિગમના એમ.ડી. એસ.કે.ચતુર્વેદી, અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક યુ.ડી. સિંઘ, વનસંરક્ષક(બરોડા વનવર્તુળ)ડો.શશિકુમાર, નાયબ વન સંરક્ષક નિરજકુમાર, પૂર્વ મંત્રી સર્વ શબ્દશરણભાઈ તડવી અને મોતીસિંહ વસાવા,  પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ વસાવા, ભરૂચ દુધધારા ડેરી અને નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ સહિત વનવિભાગના અધિકારીઓ, સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(10:43 pm IST)