Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

૧.૩૨ લાખ ચૂકવ્યા બાદ જ હેડ કોન્સ્ટેબલનો મૃતઃદેહ સોપવાના વિવાદીત મામલોઃ ઘીના ઠામમાં ઘી પડી ગયું

જે હોસ્પિટલમાં વિવાદ થયો ત્યાં જ હેડ કોન્સ્ટેબલને ગાર્ડ ઓફ ઓનર અપાયું: સંબંધક પોલીસ કર્મચારી ખાનગી વ્યકિત તરીકે દાખલ થયેલઃ અમદાવાદના સ્પેશ્યલ પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરે તાકીદે હોસ્પિટલે દોડી જઇ બિલ સરકાર ચુકવશે તેવું જણાવેલઃ ઉચ્ચ અધિકારીઓના સહકારભર્યા વલણથી રાજયભરના પોલીસ સ્ટાફનું મનોબળ વધી ગયું

રાજકોટ, તા., ૨૬: અન્ય દર્દ માટે દાખલ થયેલ અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ  ગીરીશભાઇ બારોટનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યા બાદ એસજીવીપી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજતા, હોસ્પિટલ દ્વારા ૧.૩૨ લાખનું બિલ ચૂકવ્યા બાદ જ મૃતઃદેહ સુપ્રત કરવાના વલણને કારણે સર્જાયેલ ભારે વિવાદમાં અંતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સ્પેશ્યલ પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરની દરમિયાનગીરીથી  સમગ્ર મામલામાં ઘીના ઠામમાં ઘી પડી જવા સાથે જે હોસ્પિટલમાં મૃતઃદેહ સુપ્રત ન કરવા હઠ પકડાઇ હતી ત્યાં જ સદગત પોલીસ હેડ કોન્સ્ટેબલને ગાર્ડ ઓફ ઓનર  પણ આપવામાં આવતા રાજયભરના પોલીસ બેડામાં ઉચ્ચ અધિકારીઓના આવા સહકારથી મનોબળ મજબુત બન્યું છે.

હેડ કોન્સ્ટેબલ ગીરીશભાઇ બારોટની તબિયત લથડતા તેઓ સૌ પ્રથમ વાડજ વિસ્તારની અન્ય એક હોસ્પિટલમાં દાખલ થયેલ, કીડનીની તકલીફ વિશેષ જણાતા તબીબી સલાહ મુજબ એસજીવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ. આ દરમિયાન કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો  અને સારવાર દરમિયાન મૃત્યુ થતા હોસ્પિટલ દ્વારા બિલની રકમ બાબતે આગ્રહ રાખતા  મામલો બિચકયો હતો.

સ્પેશ્યલ પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે સ્વ. હેડ કોન્સ્ટેબલ ગીરીશભાઇ બારોટ હોસ્પિટલમાં પ્રાઇવેટ નાગરીક તરીકે દાખલ થયેલા. સ્વ.ના પુત્ર મારી સાથે સતત સંપર્કમાં હતા. બિલના પ્રશ્ને વિવાદ થતા પોતે હોસ્પિટલે જઇ આ બિલની રકમ સરકાર ચુકવી આપશે  તેવું જણાવતા મામલો થાળે પડયો હતો.  આ જ હોસ્પિટલમાં સ્વ.ને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવેલ. આમ અજયકુમાર તોમર જાતે હોસ્પિટલમાં જતા આખા પ્રશ્નનો સુખદ ઉકેલ આવી ગયો હતો.

(12:04 pm IST)