Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

પાણીપુરી બે મહિના સુધી રસ્તા પર જોવા નહીં મળે

કોરોના લોકડાઉનના કારણે માઠી અસર થઇ : પાણીપુરીના વ્યવસાય કરતા અનેક પરપ્રાંતીય કારીગરો તેમના વતન જતા રહ્યા હોવાથી હજુ સમય લાગી શકે છે

અમદાવાદ, તા. ૨૫  : લોકડાઉન .૦માં અમદાવાદ શહેર સહિત ગુજરાત ભરમાં નોન કન્ટેનમેન્ટ ઝોનમાં નવા નિયમો સાથે કેટલીક છૂટછાટો આપવામાં આવી છે. જેના પગલે અમદાવાદમાં નોન કન્ટેનમેન્ટ ઝોનમાં ફરસાણ સહિતની નાસ્તાઓની દુકાનો ખૂલતા લોકોની લાંબી લાઈનો લાગે છે. ત્યારે છેલ્લા બે મહિનાથી વધુ સમયથી પાણીપુરી રસિયાઓ બહારની પાણીપુરી ખાધી હોવાથી ખાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ પાણીપુરીના વ્યવસાય કરતા મોટાભાગના પરપ્રાંતીય કારીગરો તેમના વતન જતા રહ્યા હોવાથી હજી મહિના કે તેથી વધુ સમય સુધી રસ્તા પર પાણીપુરી જોવા નહીં મળે. કોરોના લોકડાઉનને કારણે અમદાવાદ સહિત ગુજરાતભરમાં રહેતા પરપ્રાંતિયોને શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં વતન મોકલવાની કામગીરી કરવામાં આવી રહી છે.

         અત્યાર સુધી ૧૧ લાખથી વધુ પરપ્રાંતિયોને તેમના વતન મોકલવામાં આવ્યા છે. અમદાવાદમાં પાણીપુરીની લારી લઈને ઊભા રહેતા મોટાભાગના યુપીવાસી તેમના વતન જતા રહ્યા છે. એટલે પાણીપુરી રસિયાઓ હજી બે મહિના સુધી રસ્તા પરની પાણીપુરી ખાઈ શકશે નહીં. નોન કન્ટેનમેન્ટ ઝોનમાં છૂટછાટ આપ્યા બાદ શહેરમાં વહેલી સવારે ફરસાણની દુકાનો ખુલતાની સાથે નાસ્તાના શોખિન લોકોની લાંબી લાઈન લાગે છે. ગરમ ગાઠિયા, પાપડી સહિતના ગરમ નાસ્તાઓ તૈયાર થાય છે. રવિવારે ફરસાણની દુકાનો ચાલુ થતા મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી હતી અને ગણતરીના કલાકોમાં પાપડી, ગાઠિયા સહિતનો નાસ્તો ખાલીખમ થઈ ગયો હતો. ગુજરાતમાંથી વતન જઈ રહેલા પરપ્રાંતિયોમાં રાજસ્થાનના લોકોના પણ સમાવેશ થાય છે. ત્યારે ચાની કીટલી ચલાવતા મોટાભાગના રાજસ્થાની વતન જતા ચાની કીટલીઓ બંધ પડી છે.

(9:43 pm IST)