Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

વાલીઓના ખિસ્સા થશે હળવા :રાજકોટની 200 સહિત સૌરાષ્ટ્ર ઝોનની 900 શાળામાં 5 થી 10 ટકા ફી વધશે

કોરોના કાળમાં ફીમાં રાહત આપવાને બદલે ફી વધારાનો ડામ અપાતા વાલીઓમાં ભારે રોષ

અમદાવાદ : શૈક્ષણિક સંસ્થાઓની ફી નિયમન કમિટી (એફઆરસી) દ્વારા રાજકોટની 200 સહિત સૌરાષ્ટ્ર ઝોનની 900 શાળાઓના ફી વધારાને બહાલી આપી દેવાઈ છે .શૈક્ષણિક સંસ્થાઓની ફી નિયમન કમિટી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ઝોનની 3500 શાળાઓની ફાઈલોની તપાસણી પૂર્ણ કરી દેવામાં આવી છે. જેમાંથી રાજકોટની 200 સહિત સૌરાષ્ટ્ર ઝોનની 900 શાળાઓની ફીમાં 5 થી 10 ટકા સુધીના વધારાને બહાલી આપવામાં આવી છે. અહીં એ ઉલ્લેખનીય છે કે ગત વર્ષે કોરોનાની મહામારીના પગલે શાળાઓની ફીમાં વિદ્યાર્થીઓને 25 ટકાની રાહત આપવામાં આવી હતી.

જ્યારે ચાલુ વર્ષે વિદ્યાર્થીઓ-વાલીઓને ફીમાં કોઇપણ પ્રકારની રાહત આપવામાં આવી નથી અને મોટાભાગે વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ જ આપવામાં આવ્યું છે તેમ છતાં 900 જેટલી શાળાઓની ફીના વધારાને બહાલી આપી દેવામાં આવી છે. મહામારીને પગલે લોકોના ધંધા-રોજગારોની ગાડી પાટા પર ચડી નથી. બીજી તરફ આવશ્યક ચીજ વસ્તુઓના ભાવ આસમાનને આબી ગયા છે.

ત્યારે વિદ્યાર્થીઓને મહામારીના આ કાળમાં ફીમાં રાહત આપવાને બદલે ફી વધારાનો ડામ અપાતા તેની સામે વાલીઓમાં ભારે રોષ સાથે નારાજગી ફરી વળી છે. આ મામલે એફઆરસીનાં સુત્રોએ જણાવ્યું હતું કે, જે શાળાઓની ફી 15,000થી 25,000 સુધીના દાયરામાં જ છે તેવી 900 સ્કૂલોની ફીમાં જ 5 થી 10 ટકાનો આ વધારો મંજૂર કરવામાં આવેલ છે.

(11:01 pm IST)