Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

મેઘરાજાને ગુજરાત ગમી ગયું: હજુ સત્તાવાર વિદાયનો વર્તારો નહિઃ નોરતામાં 'રાસડા' લેશે

રાજ્યનો મોસમનો વરસાદ ૧૨૬.૧૭ ટકાઃ શુક્ર-શનિવારે હળવા વરસાદની આગાહીઃ આજે બપોરે આહવા, અંકલેશ્વર, વાપી, વાલીયા, ખંભાળીયામાં વરસાદ તૂટી પડયોઃ દોઢથી અઢી ઈંચ પાણી પડી ગયું: ધારી, પ્રાંતીજ, કલોલ, કપરાડા, લુણાવાડામાં ઝાપટા

રાજકોટ, તા. ૨૫ :. ગુજરાતમાં આ વખતે મેઘરાજાએ ભરપુર વહાલ વરસાવ્યુ છે. દર વખતે સપ્ટેમ્બર અંતમાં ચોમાસાની સત્તાવાર વિદાય થઈ જતી હોય છે પરંતુ આ વખતે હજુ કોઈ એવા એંધાણ વર્તાતા નથી. ચોમાસુ હજુ નવરાત્રી સુધી લંબાઈ તેવા અત્યારના સંજોગો છે. નવરાત્રીમાં એક તરફ યુવાવર્ગ રાસે રમતો હશે બીજી તરફ મેહુલો પણ રાસે રમવા આવી જાય તેવા એંધાણ છે. તા. ૨૭ - ૨૮મીએ રાજ્યમાં હળવાથી ભારે વરસાદ પડે તેવી આગાહી છે. નોરતાના દિવસોમાં પણ સૌરાષ્ટ્ર સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડવાના અત્યારના એંધાણ છે. ચોમાસુ કયારે પુરૂ થશે ? તે કહેવું અત્યારે વહેલુ હોવાનું સરકારને હવામાન શાસ્ત્રીઓએ જણાવ્યુ છે.  આજે સવારથી બપોરે ૨ વાગ્યા સુધીમાં ગુજરાતના ૨૧ જિલ્લાઓમાં વરસાદ પડયો છે. બપોરે ૧૨ થી ૨ વચ્ચે ડાંગના આહવામાં અઢી ઈંચ, અંકલેશ્વર અઢી ઈંચ, વાપી અને ભરૂચના વાલીયામાં ૨ - ૨ ઈંચ વરસાદ થયો છે. ખંભાળીયામાં અને ગાંધીનગરના માણસામાં આજે દોેઢ - દોઢ ઈંચ વરસાદ થયો છે. અન્યત્ર હળવા-ભારે વરસાદના ઝાપટા છે.

(4:08 pm IST)