Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

ભાજપના પૂર્વ ધારાસભ્યના પુત્ર દ્વારા જોરદાર મારામારી

વાહનમાં રેડિયમ પટ્ટા લગાવવા મુદ્દે મારામારી : ભાજપ સત્તાધારી પાર્ટી છે, આરટીઓમાં કામ નહીં કરવા દઉં એમ કહી ધમકી આપી : રાણીપ પોલીસની વધુ તપાસ

અમદાવાદ, તા.૨૫ : અમદાવાદ શહેરના ઇસનપુરમાં ભાજપના કોર્પોરેટર પુલકિત વ્યાસનો લાંચ લેતો વિડીયો બહાર આવતા ભાજપની છબી ખરાડાતા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને આ વિવાદ હજુ શમ્યો નથી ત્યાં બીજી તરફ ભાજપના જ પૂર્વ ધારાસભ્યના પુત્રની દાદાગીરી અને મારામારી સામે આવતાં ભારે ચકચાર મચી ગઇ છે. સુભાષબ્રિજ આરટીઓ કચેરીમાં વાહનમાં રેડિયમ પટ્ટા લગાવવા બાબતે પૂર્વ ધારાસભ્ય અમરીશ પટેલના પુત્ર પ્રિયાંકે મારામારી કરી અને ભાજપ સત્તાધારી પાર્ટી છે અમારી સરકાર છે. તને આરટીઓમાં કામ નહીં કરવા દઉં કહી અને મારામારી કરી હતી. રાણીપ પોલીસે આ મામલે પ્રિયાંક અમરીશ પટેલ સામે મારામારી અને એટ્રોસિટીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

    જો કે, આ બનાવને પગલે ફરી એકવાર ભાજપની છાવણીમાં ચકચાર મચી ગઇ છે.  શહેરના સરસપુરમાં રહેતા અને ૩૦ વર્ષથી આરટીઓ કચેરીમાં વાહનોમાં રેડિયમ પટ્ટા લગાવવાનું કામ કરતા જગદીશભાઈ પરમારને ત્યાં બે દિવસ પહેલા એક ગાડી રીપાસિંગમાં હોવાથી રેડિયમ પટ્ટા લગાવવા આવી હતી. જો કે, ગાડીમાં બમ્પરનું કામ હોવાથી ચાલકે શનિવારે બપોરે આવીશ તેમ કહ્યુ હતું. વાહનચાલક બપોરે આવતા જગદીશભાઈએ કારીગરને ગાડીમાં રેડિયમ પટ્ટા લગાવવા કહ્યું હતું. ગાડી પાસે જતા પ્રિયાંક અમરીશ પટેલ ગાડીમાં પટ્ટા લગાવતો હતો.

    જગદીશભાઈએ પ્રિયાંકને કહ્યું હતું કે બેટા આ ગાડીમાં પટ્ટા બાબતે મારે ભાવ નક્કી થઈ ગયો છે. ત્યારે પ્રિયાંકે ગુસ્સે થઈ હલકટ મને એજન્ટે ફોન કર્યો છે અને લગાવું છું. તેમ કહી જાતિ વિષયક શબ્દો અને મારામારી શરૂ કરી હતી. મારા પિતા પૂર્વ ધારાસભ્ય છે. હું તમને કામ નહીં કરવા દઉં. ૨૦ દિવસ પહેલા પણ ધમકી આપી હતી. હાલમાં અમારી સત્તાધારી ભાજપની સરકાર છે. તમને આરટીઓમાં કામ નહીં કરવા દઉં તેમ કહી ધમકી આપી જતો રહ્યો હતો. જગદીશભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

(9:45 pm IST)