Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

નાગરવેલ મંદિર સહિતના મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવ

ભારત સેવાશ્રમ સંઘ અને વિહિપની શોભાયાત્રા : શોભાયાત્રા મારફતે લોકોને ભગવાન શ્રીકૃષ્ણના કર્મબોધ સંદેશો પણ પાઠવાયો : સાળંગપુર ખાતે દાદાને છપ્પનભોગ

અમદાવાદ, તા.૨૫ : અમદાવાદના અમરાઈવાડી-રખિયાલ રોડ ખાતે આવેલ સુપ્રસિધ્ધ શ્રી નાગરવેલ હનુમાનજી મંદિર સહિતના શહેરના અન્ય મંદિરોમાં પણ ભગવાન શ્રીકૃષ્ણનો જન્માષ્ટમી મહોત્સવ ભારે ધામધૂમપૂર્વક અને ભવ્યતા સાથે ઉજવાયો હતો. સુપ્રસિધ્ધ સાળંગપુર ખાતેના કષ્ટભંજન દેવ મંદિર ખાતે પણ જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ હતી અને આ પ્રસંગે દાદાને અનેકવિધ અને મનભાવન મીઠાઇઓ સાથે છપ્પનભોગ ધરાવાયો હતો. દાદાના દર્શનાર્થે અને જન્માષ્ટમી ઉજવણીમાં હજારો ભકતો ઉમટયા હતા. તો, શહેરમાં ભારત સેવાશ્રમ સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમીના પર્વને લઇ વર્ષોથી નીકળતી પરંપરાગત ભવ્ય શોભાયાત્રાએ પણ જમાવટ કરી હતી. આ ભવ્ય શોભાયાત્રામાં અનેક આકર્ષણો જોવા લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા અને હજારો નગરજનો શોભાયાત્રામાં જોડાઇને જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી હતી.

          આ ભવ્ય શોભાયાત્રા મારફતે નગરજનોને ભગવાન શ્રીકૃષ્ણના કર્મબોધ અને હિન્દુત્વનો ઉમદા સંદેશો પાઠવવામાં આવ્યો હતો. સુપ્રસિધ્ધ નાગરવેલ હનુમાનજી મંદિરના મંહતશ્રી રંગનાથાચાર્યજી મહારાજ અને પુજારી શ્રી હિરાલાલજીએ જણાવ્યું હતું કે, ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણીને લઇ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગઇકાલે જન્માષ્ટમી પ્રસંગે મંદિરના પ્રટાંગણ ખાતે સાંજે ૭-૦૦થી ૧૨-૦૦ કલાકે સુંદરકાંડ પાઠ અને ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. તો, રાત્રે ૧૨-૦૦ કલાકે ભગવાન શ્રીકૃષ્ણ જન્મની આરતી સાથે બાળગોપાલના જન્મોત્સવની ભારે ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી. ભગવાનના જન્મની સાથે રાત્રે ૧૨-૦૦થી ૨-૦૦ કલાકે હજારો શ્રધ્ધાળુ ભકતોને પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજે સવારે પારણા ઉત્સવ(નંદોત્સવ) ભારે ભવ્યતાથી ઉજવવામાં આવ્યો હતો. જેમાં ભાવિકભકતોએ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. દરમ્યાન આ જ પ્રકારે શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા કૈલાસટેકરી ખાતેના શાંતિનાથ મહાદેવ, સાંઇધામ મંદિર, પ્રેમદરવાજા ખાતેના સરયુ મંદિર સહિતના અન્ય મંદિરોમાં પણ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તો, શહેરના મેમનગર વિસ્તારમાં સુભાષચોક ખાતે આવેલા ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે પણ ગઇકાલે ભવ્ય જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

           ભીડભંજન હનુમાનજી મંદિર ટ્રસ્ટ તરફથી શ્રધ્ધાળુઓ માટે દર્શન, પ્રસાદ સહિતની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. ગાંધીનગર જિલ્લાના સુપ્રસિધ્ધ ડભોડિયા હનુમાનજી મંદિર ખાતે પણ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ અને નંદોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હજારો શ્રધ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડયા હતા.  તો, ભારત સેવાશ્રમ સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સતત ૩૯માં વર્ષે ગઇકાલે જન્માષ્ટમી નિમિતે અમદાવાદ શહેરમાં પરંપરાગત ધર્મસંમેલન અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયુ હતું. ગઇકાલે સવારે ૯-૩૦ વાગ્યે યોજાયેલા ધર્મ સંમલેનમાં ભારત સેવાશ્રમ સંઘ, સુરતના અધ્યક્ષ પ.પૂ.સ્વામી અંબરીષાનંદજી મહારાજ, સ્વામી શ્રી આત્મભોલાનંદજી મહારાજ સહિતના સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા તો, મુખ્ય મહેમાન તરીકે ખેડાના ભાજપના સાસંદ દેવુસિંહ ચૌહાણ અને ગુજરાત ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા ઉપસ્થિત રહ્યા હતા.

           તો અતિથિ વિશેષ તરીકે વિશ્વ હિન્દુ પરિષદના ઉત્તર ગુજરાત પ્રાંતના અધ્યક્ષ રાજુભાઇ ઠાકર, પ્રાંત કાર્યાધ્યક્ષ હર્ષદભાઇ ગીલેટવાલા અને ઉત્તર ગુજરાતના પ્રાંત મંત્રી અશ્વિનભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગઇકાલે જન્માષ્ટમીના પવિત્ર દિને સવારે ૧૧-૦૦ વાગ્યે ભારત સેવાશ્રમ સંઘના સ્વામીશ્રી આત્મભોલાનંદજી મહારાજે ભગવી ધજા ફરકાવીને ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. જન્માષ્ટમી મહોત્સવની આ શોભાયાત્રામાં હજારો નગરજનો પણ ભારે ઉત્સાહ સાથે જોડાયા હતા.

(9:49 pm IST)