Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

પાંચ નપા, ગામોને ગેરકાયદે દબાણને દૂર કરવાની નોટિસ

કોર્પોરેશન અને પોલીસ બાદ ઔડા પણ હરકતમાં: હવે કલોલ, દહેગામ, સાણંદ, મહેમદાવાદ તેમજ બારેજા નગરપાલિકામાં અનઅધિકૃત દબાણો દૂર કરવાની તૈયારી

અમદાવાદ, તા.૨૫: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા હાઇકોર્ટના કડક નિર્દેશના પગલે ટ્રાફિક નિયમન માટે શહેરના રપ મોડલ રોડ ઉપરાંતના મહત્વના ટીપી રોડ પરના ગેરકાયદે દબાણને હટાવવાની કામગીરી હજુ ચાલુ જ છે, ત્યારે હવે  ઔડા વિસ્તારમાં પણ ઔડા સત્તાવાળાઓએ મોડે મોડે પણ આળસ મરડી ઔડાની હદમાં આવતી પાંચ નગરપાલિકા અને ગામોને ગેરકાયદે દબાણો અને બાંધકામો સ્વૈચ્છિક રીતે દૂર કરવા આગોતરી નોટિસ અપાઇ છે. જો નોટિસની સમયમર્યાદામાં સ્થાનિકો દ્વારા સ્વૈચ્છિક રીતે દબાણો દૂર નહી કરાય તો ત્યારબાદ ઔડા સત્તાવાળાઓ દ્વારા ઉપરોકત વિસ્તારોમાં ડિમોલિશનની ડ્રાઇવ હાથ ધરશે અને તમામ ગેરકાયદે દબાણો દૂર કરશે. ઔડા સત્તાવાળાઓ દ્વારા બોપલ-ઘુમા બીઆરટીએસ રૃટ પરના ગેરકાયદે દબાણને દૂર કરવાના ચક્રો ગતિમાન કર્યા બાદ હવે વ્યાપકપણે સમગ્ર વિસ્તારમાં ઓપરેશન ડિમોલિશન હાથ ધરવાની દિશામાં ક્વાયત હાથ ધરી છે. ઔડાના બોપલથી ઘુમાને સાંકળતા બીઆરટીએસ કોરિડોરના રસ્તા પરના દબાણથી વાહનચાલકો પરેશાન છે. ત્રણ કિમી લાંબા આ રસ્તા પર ઠેરઠેર ગેરકાયદે ઓટલા અને કોમર્શિયલ પ્રકારના શેડ ઊભા કરાયા હોઇ ઔડાના સત્તાવાળાઓ દ્વારા સ્વેચ્છાએ દબાણ હટાવી લેવાની દબાણકર્તાઓને ગયા શુક્રવારે મૌખિક ચેતવણી અપાઇ હતી. તંત્રની ચેતવણીથી કેટલાક દુકાનદારોએ દબાણ ખસેડવાની કામગીરી પણ શરૃ કરી છે. ઔડા હસ્તકના અમદાવાદ જિલ્લાના ૧૬૯ ગામના ટીપી રસ્તા દબાણમુક્ત નથી, જેના કારણે હવે તંત્ર દ્વારા આ તમામ ગામના જાહેર રોડ પર મિલકત ધરાવતા કબજેદારો-માલિકોને જાહેર નોટિસથી સ્વેચ્છાએ દબાણ હટાવી લેવાની ચેતવણી અપાઇ છે. ઔડાની જાહેર નોટિસ મુજબ રોડ પર કરાયેલા ગેરકાયદે વાણિજ્ય ઔદ્યોગિક કે અન્ય વધારાના બાંધકામ આજથી પાંચ દિવસમાં દૂર કરવાના રહેશે તેમજ ઔડાની મેળવેલી મંજૂરી મુજબ મૂળ સ્થિતિમાં લાવવાના રહેશે. જો દબાણકર્તા આ જાહેર નોટિસની અવગણના કરશે તો ગુજરાત નગરરચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ની જોગવાઇ હેઠળ મળેલી સત્તાની રૃએ દબાણકર્તાના ખર્ચે અને જોખમે બાંધકામો ઔડા સત્તામંડળ દ્વારા દૂર કરશે. હાલમાં ઔડા હસ્તકના ગ્રોથ સેન્ટરમાં કલોલ, દહેગામ, સાણંદ, મહેમદાવાદ અને બારેજાનો સમાવેશ થાય છે.

 ઔડા સત્તામંડળે આ નગરપાલિકાઓના જાહેર રસ્તા પરના દબાણ સામે પણ લાલ આંખ કરી છે. દરમ્યાન આ અંગે ઔડાના મુખ્ય કારોબારી અધિકારી એ.બી.ગોરનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે, તંત્ર દ્વારા બોપલ-ઘુમા તેમજ રીંગરોડના દબાણને ખસેડવાની કામગીરીની સાથે સાથે તમામ ગ્રોથ સેન્ટર અને ગામના ટીપી રસ્તાના દબાણને સ્વેચ્છાએ હટાવી લેવાની આજે જાહેર નોટિસ અપાઇ છે. ઔડાની લાલ આંખ બાદ હવે ઔડાની હદમાં સમાવિષ્ટ વિસ્તારોમાં પણ સ્થાનિકો અને દુકાનદારો તેમ જ ધંધાકીય એકમો ધરાવતા લોકોમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇછે.

(9:19 pm IST)