Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

પોષણયુક્ત આહાર બાળકની આદત બનવી જોઇએ : સિંઘ

રાજ્યના મુખ્ય સચિવ જેએન સિંઘની પ્રતિક્રિયાઃ રાજ્યભરમાં યોજાનારૃં પોષણ અભિયાન જન અભિયાન બનવી જોઇએ : ગર્ભવતી મહિલાના પોષણ પર પણ ધ્યાન

અમદાવાદ,તા.૨૪: ગુજરાતને કુપોષણથી મુકત કરવા યોજાનારા પોષણ અભિયાનને જન અભિયાન બનાવવું પડશે તેમ રાજ્યના મુખ્ય સચિવ જે.એન.સિંઘે જણાવ્યું છે. ગાંધીનગર ખાતે પોષણ અભિયાન અંતર્ગત સ્ટેટ કન્વર્જન્સ એકશન પ્લાન કમિટીની બેઠકના અધ્યક્ષસ્થાનેથી મુખ્યસચિવએ જણાવ્યું હતું કે, કુપોષણ સામેનો જંગ એ કોઇ એક વિભાગનો નહીં, સરકાર અને સમગ્ર રાજ્યનો જંગ છે અને આથી જ કુપોષણ સામે રાજ્ય સરકારના વિવિધ વિભાગોના સંકલન અને જનભાગીદારીથી જન આંદોલન ઉપાડવું પડશે. સામાન્ય રીતે જનસમુદાયમાં પોષણ અંગે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે ૧ સપ્ટેમ્બર થી ૭ સપ્ટેમ્બર સુધી સમગ્ર દેશમાં રાષ્ટ્રીય પોષણ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે નીતિ આયોગના વાઇસ ચેરમેનની અધ્યક્ષતામાં યોજાયેલી નેશનલ કાઉન્સીલની મીટીંગમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે કેન્દ્રના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં સપ્ટેમ્બર માસમાં 'રાષ્ટ્રીય પોષણ માહ' ની ઉજવણી કરાશે. આ સંદર્ભે મળેલી બેઠકમાં મુખ્ય સચિવએ જણાવ્યું હતું કે, બાળકોમાં કુપોષણને નાથવા માટે પાયાના સ્તરેથી નક્કર કામગીરી કરવી પડશે. તેમણે જણાવ્યું હતું કે, પોષણયુક્ત આહાર બાળકોની આદત બનવો જોઇએ. તેમણે ઉમેર્યું હતું કે, સ્થાનિક બજારમાં સહેલાઇથી ઉપલબ્ધ મગફળી અને સોયાબીન જેવા ભરપુર પોષણયુક્ત પદાર્થો વધુ ને વધુ માત્રામાં અને નિયમિત રીતે બાળકોને મળી રહે તે જરૂરી છે. મુખ્ય સચિવએ કિશોરીઓ અને ગર્ભવતી મહિલાના પોષણ ઉપર પણ  ભાર મૂક્યો હતો. આ બેઠકમાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગના સચિવ મિલિન્દ તોરવણેએ 'રાષ્ટ્રીય પોષણ માહ' ની ઉજવણીની તૈયારી સંદર્ભે દ્રશ્ય-શ્રાવ્ય પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. તેમણે 'હર ઘર મે પોષણ ત્યોહાર'ની થીમ સાથે રાજ્યભરમાં ઘર ઘર સુધી પોષણ અંગે જાગૃતિ માટેના જન આંદલોન માટે વિવિધ આયોજનો ઉપરાંત આરોગ્ય, શિક્ષણ, અન્ન નાગરિક પુરવઠા, મધ્યાહ્ન ભોજન યોજના જેવા સરકાર વિવિધ વિભાગોના સંકલન સદર્ભે વિશેષ માહિતી આપી હતી. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલાં આરોગ્ય અને પરિવાર કલ્યાણના કમિશનર અને અગ્ર સચિવ જયંતી રવિએ કુપોષણને અટકાવવાના આ અભિયાન માટે કેટલાંક સુચનો કર્યા હતા. જ્યારે સંકલિત બાળ વિકાસ યોજનાના નિયામક મનીષા ચંદ્રાએ પણ પોષણ અભિયાન સંદર્ભે વિગતો આપી હતી. સમગ્ર સપ્ટેમ્બર માસ દરમિયાન આ અભિયાન અંતર્ગત પ્રત્યેક ગામમાં પ્રભાત ફેરી યોજવી, ખસ ગ્રામ સભાનું આયોજન, નવજાત શિશુ સંભાળ, સ્તનપાન માટે જાગૃતિ, જન્મ સમયે ઓછા વજનવાળા બાળકોના પોષણ સંદર્ભે ખાસ આયોજન, બાળકો અને મહિલાઓમાં પાંડુરોગની તપાસણી કેમ્પ અને પાંડુરોગના નિવારણ માટે પગલાં, પોષણ, સ્વચ્છતા અને આરોગ્ય કેમ્પોનું આયોજન, શાળાઓમાં વિદ્યાર્થીઓને પોષણ જ્ઞાન મળે તેવા કાર્યક્રમો, આંગણવાડી અને સખીમંડળોના સહયોગથી ખાસ પોષણ  ઝૂંબેશ જેવા અનેકવિધ કાર્યક્રમો દ્વારા પોષણ સંદર્ભે લોક જાગૃતિ ફેલાવાશે. જેના કારણે આખો સપ્ટેમ્બર માસ હર ઘર મે પોષણ ત્યોહાર બની રહેશે.

(9:47 pm IST)