Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

અમદાવાદમાં ભાજપના કોર્પોરેટર દિનેશ દેસાઈ વિરુદ્ધ જમીન દલાલ યુવકના અપહરણનો આક્ષેપ

અપહરણકારોએ યુવકને એક મકાનમાં ગોંધી રાખી તેને ચપ્પુના ઘા મારીને ફેંકી દીધો

અમદાવાદમાં મતદાનના દિવસે જ જાહેર રસ્તા પર ઇસમોએ ગોતા વિસ્તારમાં રહેતા અને જમીન દલાલીનું કામ કરતા યુવકનું અપહરણ કર્યું હતું. અપહરણ કર્યા બાદ અપહરણકારોએ યુવકને એક મકાનમાં ગોંધી રાખી તેને ચપ્પુના ઘા મારીને ઓગણજ સર્કલ પાસે ફેંકી દીધો હતો.

 અહેવાલ મુજબ અમદાવાદમાં ગોતા વિસ્તારમાં રહેતા રાજેશ પટેલનું બપોરના દોઢ વાગ્યાના અરસામાં કેટલાક ઇસમોએ સિલ્વર સ્ટાર ચાર રસ્તા નજીકથી કારમાં અપહરણ કર્યું હતું. અપહરણ કર્યા બાદ અપહરણકારોએ રાજેશને એક મકાનમાં ગોંધી રાખ્યો હતો અને તે મકાનમાં રાજેશને ચપ્પુ વડે ઘાયલ કર્યો હતો, રાજેશને ચાર કલાક ગોંધી રાખ્યા બાદ અપહરણકારોએ રાજેશ પટેલને પાંચ વાગ્યાની આસપાસ ઘાયલ હાલતમાં અમદાવાદના ઓગણજ સર્કલ પાસે ફેંકી દીધો હતો. સર્કલ પર ઘાયલ અવસ્થામાં રાજેશે તેના સગા-સંબંધીઓને એક રીક્ષાવાળાના મોબાઈલમાંથી ફોન કરીને બોલાવ્યા હતા. ત્યારે સગાઓ રાજેશને પોલીસ સ્ટેશન લઇને પહોંચ્યા હતા અને રાજેશે અપહરણની પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. રાજેશે પોલીસ ફરિયાદમાં અમદાવાદમાં ગોતાના કોર્પોરેટર દિનેશ દેસાઈના નામનો પણ ઉલ્લેખ કર્યો છે.

આ મામલે રાજેશના પિતરાઈ ભાઈએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, માર કાકાના છોકરાનું કાલે બપોરે 12:55 વાગ્યે સિલ્વર સ્ટાર ચાર રસ્તા પાસેથી અપહરણ કર્યું હતું. જેના માટે અમે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. અપહરણકર્તામાં ભાજપના ગોતા વોર્ડના કોર્પોરેટર સામેલ છે. એમના કુટુંબીજનો પણ આમા સામેલ છે. અમે અમારી પાસે જેટલી ડિટેલ અવેલેબલ હતી તેટલી ડિટેલ આપેલી છે પણ એના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અમે જે ગાડીના નંબર આપ્યા છે તે ગાડી પણ આ લોકોએ ડીટેન નથી કરી અને અમે જે લોકોના નામ આપ્યા છે તે વ્યક્તિઓ પર કોઈ એક્શન લેવામાં આવ્યા નથી અને અમારા ભાઈને એટલી ખરાબ હાલતમાં મારેલું છે કે, તે સિવિલ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં છે.

(10:17 am IST)