Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

એક મતની કિંમત કેટલી? રૂપિયા ૧૭૨૪

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા અજાડ ટાપુના ૪૪ મતદારો માટે રાખવામાં આવેલા વોટીંગમાં કુલ ૨૯ મતદારોએ મતદાન કર્યું, ખર્ચ થયો ૫૦,૦૦૧ રૂપિયાનો

અમદાવાદ તા.રપઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવતા નાના-મોટા ૨૬ ટાપુમાંથી એક માત્ર અજાડ નામના ટાપુ પર વસ્તી છે. સોમવારે ગુજરાતમાં થયેલા વોટીંગમાં અજાડ આઇલેન્ડ પર પણ વોટીંગ કરવામાં આવ્યું હતું. ટાપુ પર કુલ વસ્તી ૮૯ લોકોની છે, જયારે ૪૪ મતદારો છે. આ ૪૪ મતદારોમાંથી ૧૬ પુરૂષ અને ૧૩ મહિલા મતદાર સહિત કુલ ૨૯ મતદારોએ વોટીંગ કરતાં મતદાનની ટકાવારી ૬૫.૯૧ નોંધાણી હતી. આટલા મત માટે ઇલેકશન કમિશનને એકઝેટ રૂપિયા ૫૦,૦૦૧નો ખર્ચ થતાં એક મતદીઠ રૂપિયા ૧૭૨૪નો ખર્ચ કમિશન દ્વારા કરવામાં આવ્યો હતો. દેવભૂમિ દ્વારકાના કલેકટર જે.આર. ડોડિયાએ કહ્યું હતું કે ' એકેક મત મૂલ્યવાન છે અને એકેક મત સુધી પહોંચવાનું હોય છે. ત્યાં હાજર રહેલા મતદારોને પણ સમજાવવાનો પ્રયાસ કર્યા પછી આટલું મતદાન થયું છે.'

મતદારો માટે ટાપુ પર જ મતદાન મથક ઊભું કરવામાં આવે છે જેની માટે ચોવીસ કલાક પહેલાં જ સ્ટાફ જરૂરી એવાં ઉપકરણો સાથે ટાપુ પર પહોંચી જાય છે. જવા-આવવાના ખર્ચથી માંડીને કર્મચારીના પગાર, ખાવા-પીવાની વ્યવસ્થા અને રહેવા માટે ત્યાં જ બનાવવામાં આવતા ટેન્ટનો ખર્ચ એમ બધુ મળીને ૫૦,૦૦૧નો ખર્ચ થયો છે.

(9:47 am IST)