Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

ટ્રેક્ટરને ટ્રકે ટક્કર મારતા છથી વધુના મોત : અનેક ઇજાગ્રસ્ત

મામેરુ લઇ જતા પરિવારને અકસ્માત નડ્યો : મોડાસાના માલપુરના વાત્રક નદી પરના પુલ ઉપર દુર્ઘટના સર્જાઈ : તમામ મૃતકોની થયેલ ઓળખ : આઘાતનું મોજુ

અમદાવાદ, તા. ૨૫ : મોડાસામાં માલપુરના વાત્રક નદી પરના બ્રિજ ઉપર એક ટ્રેક્ટરે ટ્રકને ટક્કર મારતા છથી વધુ લોકોના મોત થઇ ગયા છે. મામેરુ લઇને જતા પરિવારના છ સભ્યોના મોતથી આઘાતનું મોજુ ફરી વળ્યું હતું. ૧૫થી વધુ લોકો ઘાયલ પણ થયા છે. મેઘરજના બેલિયો ગામથી મામેરુ લઇને જઇ રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો. ટ્રેક્ટરમાં મુસાફરી કરી રહેલા પાંચ લોકોના નદીમાં ખાબકી જવાથી મોત થયા હતા જ્યારે એકનું સારવાર દરમિયાન મોત થયું હતું. કુલ મૃત્યુઆંક હજુ પણ વધવાની દહેશત દેખાઈ રહી છે. સોમવારે મોડી સાંજે મેઘરજના બેલિયો ગામથી વીરાભાઈ તેમના ત્રણ ભાઇઓ માલપુરના મહિયાપુર ગામે તેમની બહેન લાડુબેનના ઘરે પુત્ર લગ્ન હોવાથી પરિવારજનો અને ગ્રામજનો ટ્રેક્ટરમાં બેસીને મામેરુ લઇને જઈ રહ્યા હતા.

         માલપુર નજીક વાત્રક પુલ પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે પાછળથી આવતા ડમ્પરે જોરદાર ટક્કર મારીદીધી હતી જેના લીધે ટ્રેક્ટર પુલની દિવાલ સાથે અથડાઈને પુલની રેલિંગ તોડતા છ લોકો નદીમાં ખાબકી ગયા હતા. જો કે, ટ્રેક્ટર દિવાલને અથડાઈને અટવાઈ ગયું હતું. અકસ્માતના પગલે જોરદાર ચિચિયારો ગુંજી ઉઠી હતી. બનાવની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા. બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. ટ્રેક્ટરમાં બેઠેલા પાંચ લોકો નદીમાં ખાબક્યા હોવાની માહિતી મળતા ૧૦૮ ઇમરજન્સીને બોલાવવામાં આવી હતી ત્યારબાદ માલપુર પોલીસને પણ જાણ કરાઈ હતી. ભારે શોધખોળ બાદ કેટલાક લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

          ફાયરબ્રિગેડ અને એનડીઆરએફની ટીમે બચાવ અને રાહત કામગીરી હાથ ધર્યા બાદ મૃતકો મળી આવ્યા હતા. ચાર મૃતદેહને શોધી કાઢીને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. ગંભીર અકસ્માતમાં ઇજાગ્રસ્ત એક બાળકીનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું. અકસ્માતમાં કુલ છ લોકોના મોત થઇ ચુક્યા છે. ટ્રેક્ટરમાં બેઠેલા પાંચ લોકો નદીમાં ખાબકી ગયા હતા. ટ્રેક્ટરમાં ૨૨થી વધુ લોકો હતા જે ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ૧૦૮થી ખસેડવામાં આવ્યા હતા. લગ્ન પ્રસંગ માતમમાં છવાતા ગમગીની છવાઈ ગઈ હતી. જિલ્લા પોલીસ તંત્ર, વહીવટીતંત્ર, ફાયરબ્રિગેડની ટીમો અને સેવાભાવી લોકો પણ આખી રાત વાત્રક નદીમાં શોધખોળ ચલાવવામાં વ્યસ્ત રહ્યા હતા. એનડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. તમામ મૃતકોની ઓળખ કરી લેવામાં આવી છે.

મૃત્યુ પામેલાની યાદી...

માલપુરના વત્રક નદી પરના પુલ પર ટ્રેક્ટરને ટ્રકે ટક્કર મારતા છ લોકોના મોત થઇ ગયા હતા. અનેક લોકો ઘાયલ થયા હતા. મામેરુ લઇને જતાં પરિવારને ગમખ્વાર અકસ્માત નડતા આઘાતનું મોજુ ફરી વળ્યું હતું. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની મોડેથી ઓળખવિધિ કરી લેવામાં આવી હતી. મૃતકોની યાદી નીચે મુજબ છે.

*       હિમેશ કાનુભાઈ પરમાર (૧૪)

*       અંકિત કાળુભાઈ પરમાર (૧૭)

*       મહેશભાઈ ડાહ્યાભાઈ પરમાર (૩૦)

*       રાજદીપ ભાનુભાઈ પરમાર (૧૭)

*       જયેશ કાંતિભાઈ પરમાર (૧૭)

*       પિન્કીબેન કાંતિભાઈ પરમાર

(9:40 pm IST)