Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

ટ્રમ્પના બંદોબસ્ત પૂર્ણ કરીને પરત ફરતી સુરત પોલીસ વાને અડફેટે લેતા સિક્યુરિટી ગાર્ડનું મોત : ટોળાએ હોબાળો મચાવ્યો

કોસંબા પોલીસ સ્ટેશનની વાનના ચાલકે વડોદરા નજીક અકસ્માત સર્જ્યો : ત્રણ દિવસ પહેલા હોટલમાં નોકરીએ રહેલ સિક્યુરિટી ગાર્ડ સુરેશ ભાદેરિયાનું મોત

અમદાવાદમાં ટ્રમ્પનો બંદોબસ્ત પૂર્ણ કરી પરત સુરત જતી કોસંબા પોલીસ સ્ટેશનની પીસીઆર વાને વડોદરા નજીક નેશનલ હાઇવે પર રોડ ક્રોસ કરતા હોટલના સિક્યુરિટિ ગાર્ડને ટક્કર મારતા સિક્યુરિટિ ગાર્ડનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માતના બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો.

આ અંગેની વિગત મુજબ આજવારોડ વિસ્તારમાં લકુલેશનગરમાં રહેતા સુરેશ વેલજીભાઇ ભાદેરીયા (ઉ.વ.૪૦)એ ત્રણ દિવસ પહેલાં જ વાઘોડિયા અને કપુરાઇ ચોકડીની વચ્ચે નેશનલ હાઇવે પરની ગીરીરાજ હોટલમાં સિક્યુરિટિ ગાર્ડ તરીકે નોકરી જોઇન્ટ કરી હતી.

આજે સવારે ફરજ પર તેઓ ગયા બાદ સાંજે હોટલ પરથી નીકળી નેશનલ હાઇવે ક્રોસ કરતો હતો ત્યારે અમદાવાદ તરફથી પૂરઝડપે આવતી સુરત જિલ્લા પોલીસની કોસંબા પોલીસ સ્ટેશનની વાને સિક્યુરિટિ ગાર્ડ સુરેશ ભાદેરીયાને જોરદાર ટક્કર મારતા તેઓ ઉછળીને રોડ પર પટકાયા હતા અને માથામાં ગંભીર ઇજા થવાથી ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું.

પોલીસની વાને અકસ્માત કરતા લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો. પોલીસની ગાડીમાં માત્ર ડ્રાઇવર જ હોવાનું બહાર આવ્યું છે. લોકોના રોષના કારણે હાઇવે પર પણ ટ્રાફિકની અવરજવરને અસર પડી હતી. જો કે પાણીગેટ પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ટોળાને શાંત પાડયું હતું.

 ઉલ્લેખનીય છે કે પોલીસની વાનનો આગળનો કાચ પણ તુટી ગયો હતો. આ બનાવ અંગે પાણીગેટ પોલીસે રાત્રે પોલીસવાનના ડ્રાઇવરની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.સુરત જિલ્લા પોલીસની આ ગાડી અમદાવાદ ખાતે ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીના કાર્યક્રમનો બંદોબસ્ત પૂર્ણ થયા બાદ પરત જતી હોવાનું જાણવા મળ્યું છે.

(11:38 am IST)