Gujarati News

Gujarati News

News of Friday, 24th November 2017

આણંદ બસ સ્ટેન્ડ પાસે 100ની નકલી ચલણી નોટો સાથે એકની અટકાયત

અમદાવાદ:આણંદના બસ સ્ટેશન નજીક ભરચક વિસ્તારમાંથી પોલીસે રૂ.૧૦૦ના દરની ડુપ્લિકેટ નોટો સાથે એક શખસને આબાદ ઝડપી લઇ લોકઅપ ભેગો કરી દીધો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ અંગેની વિગત એવી છે કે આણંદના બસ સ્ટેશન નજીક ભરચક વિસ્તારમાં આવેેલી દુકાનોમાંથી એક શખસ નકલી નોટો દ્વારા વારંવાર ખરીદી કરતો હોવાની આણંદ એસઓજીને ગુપ્ત બાતમી મળી હતી.

આ બાતમીના આધારે એસઓજીએ છેલ્લા આઠ દિવસથી આણંદ બસ સ્ટેશન નજીક વોચ ગોઠવી હતી. દરમ્યાનમાં એક શખસ દુકાનમાં જઇ ખરીદી કરી નકલી નોટો વેપારીને આપી રહ્યો હતો ત્યારે પોલીસે તેને દુકાનમાંથી જ રંગે હાથ ઝડપી લઇ તેની તલાશી લેતાં તેના ખિસ્સામાં રૂ.૧૦૦ના દરની ૪પ નોટો મળી આવી હતી. પોલીસે આ નોટોની ખરાઇ કરવા માટે બેંકમાં મોકલતા નોટો ડુપ્લિકેટ હોવાનું જણાયું હતું.

પોલીસે પૂછપરછ કરતાં પકડાયેલા શખસનું નામ નોમાન વોરા હોવાનું અને તે આણંદના ઇસ્માઇલનગરમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવી સઘન પૂછપરછ શરૂ કરી છે આ નકલી નોટો તે ક્યાંથી લાવ્યો હતો અને આ ષડયંત્ર પાછળ કોણ કોણ શખસની સંડોવણી છે તે અંગે ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે અને આ ગુનામાં વધુ ધરપકડો થાય તેવી પૂરેપૂરી સંભાવના છે.

 

(5:42 pm IST)