Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

કોરોના મહામારીનાં કારણે 2 વર્ષ બાદ રાજપીપળા હરસિધ્ધિ માતાજીના મંદિરે નવરાત્રીમાં મેળો ભરાશે

રાજપીપળામાં ૧૦ જેટલા નાના મોટા મંડળો દ્વારા ગરબાનું આયોજન કરાયું હોય ત્યાં ખેલૈયાઓ ગરબે ઘૂમવા આતુર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે નવરાત્રી દરમિયાન હરસિધ્ધિ માતાના મંદિરે વર્ષોથી ચાલી આવતો પરંપરાગત લોક મેળો આ નવરાત્રિમાં ભરાશે તથા પ્રથમ નોરતાએ માતાજીના સ્થાનક પાસે રાજવી પરિવાર જવારાનું સ્થાપન કરશે જેનું દશેરાના દિવસે વિધીવત વિસર્જન કરવામાં આવે છે.આમ તો 2020 અને 2021 નાં બે વર્ષ દરમિયાન કોરોના મહામારીનાં કારણે મેળો બંધ રહ્યો હતો.
નવરાત્રી દરમિયાન હરસિધ્ધિ માતાજીના મંદિરે સવારે સાંજે તથા મધરાત્રીએ ત્રણ વખત આરતી કરવામાં આવે છે. કોરોનાકાળ દરમિયાન મહામારી ન ફેલાય તે કારણસર હરસિધ્ધિ માતાજી નો મેળો બે વર્ષ સ્થગિત રાખવામાં આવ્યો હતો પરંતુ આ વર્ષે હરસિધ્ધિ માતાજીના મંદિરે નવરાત્રીમાં પરંપરાગત લોકમેળો યોજાશે.તેમજ રાજપીપળામાં ૧૦ જેટલા નાના મોટા મંડળો દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.ખેલૈયાઓ ગરબે ઘૂમવા આતુર બન્યા છે. રાજપીપળામાં હરસિધ્ધિ માતાજી મંદિરે, દરબારરોડ, દૌલત બજાર, કરજણ કોલોની, કાછ્યાવાડ સહિત ૧૦ જેટલી જગ્યા પર ખેલૈયાઓ ગરબે ઘૂમશે.

(10:42 pm IST)