Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

ગુજરાતમાં ૬૦ ટકા વરસાદની ઘટઃ અઠવાડિયામાં વરસાદ નહીં પડે તો સિંચાઇ તો શું પીવાના પાણીનાં ફાંફાં પડશે

ગુજરાતમાં આ વર્ષે દુકાળનાં એંધાણઃ કોરોના વાયરસ મહામારી બાદ વધુ એક મુસીબતની દસ્તકઃ આર્થિક નુકસાનની ભીતિથી સરકાર પણ આવી ટેન્શનમાં : ગુજરાતમાં ૨૨ ઓગસ્ટ સુધીમાં ૬૦ ટકા ઓછો વરસાદ પડયો છે અને થોડા ઘણા વિસ્તારોને છોડતા આખા રાજયમાં કયાંય સારો વરસાદ થયો નથી

નવી દિલ્હી, તા.૨૪: ભારતમાં કોરોના વાયરસ મહામારીની વચ્ચે હવે મોન્સૂનને લઈને પણ ટેન્શન વધી રહ્યું છે. ગુજરાત સહિત કેટલાય રાજયોમાં વરસાદ પડી રહ્યો નથી જેના કારણે આ વર્ષે દુકાળની સંભાવના દેખાઈ રહી છે જેના કારણે વધુ એક મુસીબત ગુજરાતમાં દસ્તક આપી રહી હોય તેવા એંધાણ છે. કોરોના વાયરસ મહામારીના કારણે દેશ અને ગુજરાતની સરકાર પહેલેથી આર્થિક તાણ અનુભવી રહી છે. એવામાં દુકાળની સંભાવનાને જોતાં સરકાર પણ આર્થિક પરિસ્થિતિને લઈને ચિંતામાં મૂકાઈ છે.

ગુજરાતનાં એક સિનિયર અધિકારીએ કહ્યું કે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા દુકાળ એક મોટું સમસ્યા બની રહી છે. ખેડૂતોને સિંચાઇ માટે તો શું ગુજરાતમાં પીવાના પાણીની સમસ્યા પણ દુકાળનાં કારણે જોવા મળશે કારણે કે નર્મદા સિવાયનાં તમામ ડેમ પાણી વિના સુકાઈ રહ્યા છે.

બનાસકાંઠાનાં ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે સોમવારે જ માંગ કરી છે કે વરસાદની દ્યટનાં કારણે બનાસકાંઠાને દુકાળગ્રસ્ત જાહેર કરીને સરકારે વળતર આપવું જોઈએ. બીજી તરફ જુદા જુદા જિલ્લાઓમાં દિવસેને દિવસે પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે જે બાદ જુદા જુદા ધારાસભ્યો અને પાર્ટીઓ દ્વારા આ જ માંગણી ઉઠાવવામાં આવશે તેવી પૂરેપૂરી શકયતા છે.

પરિસ્થિતિ પર નજર રાખી રહેલા ગુજરાતનાં એક અધિકારીએ કહ્યું કે ઓછો વરસાદ ગુજરાત માટે એક મોટો પ્રશ્ન બની રહ્યો છે અને સંભાવના છે કે ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં વરસાદ આવશે, નહીંતર ખેતી ક્ષેત્રને મોટો ફટકો પડશે.

નોંધનીય છે કે ગુજરાતમાં સામાન્યપણે મધ્ય જૂનથી મધ્ય સપ્ટેમ્બર મહિના સુધી વરસાદી સિઝન જામતી હોય છે. ગયા વર્ષે જયાં નવમી ઓગસ્ટ સુધીમાં જ ૪૪૯.૩ mm વરસાદ ગુજરાતમાં પડ્યો હતો ત્યાં આ વર્ષે ૧૫ ઓગસ્ટ સુધી માત્ર  ૩૦૪.૭ mm વરસાદ જ પડ્યો છે.

સિંચાઇ વિભાગનાં અધિકારીએ જણાવ્યું કે ૧૨મી ઓગસ્ટનાં રોજ ગુજરાતની નદીઓમાં માત્ર ૩૦થી ૩૫ ટકા જ પાણી બચ્યું હતું.  નોંધનીય છે કે હાલમાં જ સિંચાઇ માટે રાજય સરકારે નર્મદા નદીમાંથી બે સપ્તાહ માટે પાણી છોડવાની નોબત આવી હતી.

ગુજરાતની સૌથી વધારે ચિંતા સૌરાષ્ટ્રનાં ખેડૂતોને થઈ રહી છે. જુનાગઢમાં ૩૦ એકર જમીન ધરાવતા બાવનજી પટેલે જણાવ્યું કે જો એક અઠવાડિયામાં વરસાદ નહીં આવે તો બધો પાક નિષ્ફળ જતો રહેશે. તેમણે કહ્યું કે પાક માટે જુલાઇ અને ઓગસ્ટ મહિનામાં જ સૌથી વધારે પાણીની જરૂર પડે છે. એવામાં બંને મહિના કોરા ધાકોર રહ્યા છે અને દિવસો પસાર થઈ રહ્યા છે ત્યારે ખેડૂતો કોની પાસે મદદ માંગવા જાય તેવી મૂંઝવણ મૂકાયા છે. કપાસ પકવતા ખેડૂતો પણ વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. જૂનાગઢમાં ૨૦ સેકડમાં કપાસ પકવતા સમતભાઈ આહિરે કહ્યું કે અમારા પાકને બચાવવા માટે આ જ મહિનામાં ભારે વરસાદની ખૂબ જરૂર છે.

(3:52 pm IST)