Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

કાલે રાજયની તમામ સરકારી પ્રાથમિક શાળાનો સમય બપોરના 12 થી સાંજે 4-30 કલાકનો રહેશે

શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ કાર્યક્રમને અનુલક્ષીને શિક્ષકોનો શાળાનો સમય અલગ અલગ ન રહે તે હેતુથી નિર્ણય

અમદાવાદ : શિક્ષક  મહાસંઘના વિરોધ વચ્ચે આવતીકાલે મંગળવારે રાજયના શિક્ષણ વિભાગ દ્વારા શરૂ થનારી શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ હાથ ધરવાનું નક્કી કર્યું છે. આ કાર્યક્રમને અનુલક્ષીને શિક્ષકોનો શાળાનો સમય અલગ અલગ ન રહે તે હેતુથી રાજયની તમામ સરકારી પ્રાથમિક શાળાઓનો એક જ સમય રાખવાનો હુક્મ કર્યો છે. તેની સાથે જે શિક્ષકો આ કાર્યક્રમમાં ભાગ ન લે તેમણે ઓનલાઇન પોર્ટલ પર હાજરી દર્શાવવાની રહેશે તેમ સૂચના અપાઇ છે.

રાજયના પ્રાથમિક શિક્ષણ નિયામક, જીસીઇઆરટીના નિયામક તથા રાજય પરીક્ષા બોર્ડના અધ્યક્ષે સંયુક્તપણે જારી કરેલી સૂચનામાં જણાવ્યું છે કે, રાજય સરકારના શિક્ષણ વિભાગ મારફતે 24મી ઓગસ્ટના રોજ શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ હાથ ધરવાનું નક્કી કર્યું છે. જે મરજિયાત છે. પરંતુ શિક્ષકોનો શાળાનો સમય અલગ અલગ ન રહે તે હેતુથી તા.24મી ઓગસ્ટના રોજ રાજયની તમામ સરકારી પ્રાથમિક શાળાનો સમય બપોરના 12 થી સાંજે 4-30 કલાકનો રહેશે.

આ ઉપરાંત જે શિક્ષકો આ સર્વેક્ષણમાં ભાગ લે તેઓએ ઓનલાઇન પોર્ટલમાં ઓન ડયૂટી દર્શાવવાની રહેશે. જે શિક્ષકો સર્વેક્ષણમાં ભાગ ન લે તેઓએ ઓનલાઇ પોર્ટલમાં હાજરી દર્શાવવાની રહેશે. આ સૂચનાની જાણ દરેક શાળાના આચાર્યોને કરવા માટે રાજયના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને કરી દેવા જણાવાયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ શિક્ષક સજ્જતા સર્વેક્ષણને લઇને શિક્ષકોના બે સંગઠનોમાં મતમતાંતર સર્જાયા છે. એક સંગઠન આ સર્વેક્ષણની તરફેણ કરી રહ્યું છે. જયારે બીજું શિક્ષકોના સંગઠને આ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો છે. જો કે આજે રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસીંહ ચુડાસમાએ આ સર્વેક્ષણ તે કોઇ કસોટી કે પરીક્ષા નથી તેમ જ આ સર્વેક્ષણ મરજીયાત હોવાની જાહેરાત કરી હતી. પરંતુ આ સર્વેક્ષણ બાળકો માટે હોવાથી વધુમાં વધુ શિક્ષકોને જોડાવવા માટે અપીલ કરી છે.

(10:13 pm IST)