Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

સમગ્ર દેશમાં અકસ્માતના કુલ બનાવોમાં 15.5 ટકા હિટ એન્ડ રન :28 હજાર નાગરિકોએ જીવ ગુમાવ્યો

ગુજરાતમાં હીટ એન્ડ રનના 2893 ઘટનામાં 1529 માનવ જીંદગી હોમાઇ: રાજ્ય સરકાર નિતિ ઘડે: કોંગ્રેસની માંગ

અમદાવાદ : ભારત દેશમાં રોડ એક્સીડન્ટના અહેવાલમાં સમગ્ર દેશમાં ‘હીટ એન્ડ રન’ ની ઘટનામાં એક લાખ જેટલાં લોકોને હાનિ પહોંચી છે. તેમાંય 29,354 નાગરિકોએ જીવ ગુમાવ્યો છે અને 67,751 નાગરિકો ઘાયલ થયા છે ત્યારે, રોડ અકસ્માત રોકવા અને માનવજીંદગીને બચાવવા માટે સરકાર નિતિ ઘડે તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષમાં 2017માં 17.5 ટકા, 2018માં 18.9 ટકા અને 2019માં 19.4 ટકા બનાવોમાં મોતની સખ્યામાં સતત વધારો નોંધાયો છે. વર્ષ 2017માં 14 ટકા, વર્ષ 2019માં 15.5 ટકા હીટ એન્ડ રન કેસમાં વધારો નોંધાયો છે. માત્ર એક વર્ષમાં ગુજરાતમાં હીટ એન્ડ રન માં 2893 ઘટનામાં 1529 નાગરિકોએ માનવ જીંદગી ગુમાવી છે.

ડો. દોશીએ વધુમાં જણાવ્યું છે કે, હીટ એન્ડ રનની ઘટના ગુજરાતનો ક્રમાંક સાતમો છે. જ્યારે હીટ એન્ડ રનની ઘટનામાં મુત્યુ પામતાં લોકોમાં ગુજરાતનો ક્રમાંક છઠ્ઠો છે. રાજ્યમાં કરોડો રૂપિયાના ખર્ચે બનતા જાહેર રસ્તાઓ, હાઈવેની ગુણવત્તા ગંભીર પ્રશ્ન છે. રાજ્ય સરકાર વાહન ચાલકો પાસેથી રોડ ટેક્ષ પેટે કરોડો રૂપિયા ઉઘરાવે છે સાથોસાથ અન્ય વેરામાં – સેસ પેટે પણ કરોડો રૂપિયા વસુલે છે ત્યારે સલામત રસ્તા માટે રાજ્ય સરકાર ગંભીર બને અને માનવ જીંદગીને બચાવે તેવી માંગણી કરી છે.

રાજયનું નામ અકસ્માતના કેસ મુત્યુઆંક
મધ્યપ્રદેશ 13,550 3495
મહારાષ્ટ્ર 8,575 3617
ઉત્તરપ્રદેશ 7,778 4299
રાજસ્થાન 7,741 3314
બિહાર 4,023 3104
તામિલનાડુ 3,670 864
ગુજરાત 2,893 1529
હરિયાણા 2,760 1406
તેલંગાણા 2,300 749
છત્તીસગઢ 2,280 992
(10:13 pm IST)