Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

૪.૫ લાખ પેન્શનરોને પેન્શન અને નિવૃતિના લાભ અપાયા

નાણા વિભાગની અંદાજપત્રીય માંગણીઓ મંજુર : સરકારના કર્મચારી-અધિકારીઓના પગારો તેમજ પેન્શન પેટે પ્રતિમાસ ચાર હજાર કરોડથી વધારે રકમની ચુકવણી

અમદાવાદ,તા.૨૪ : નાયબ મુખ્યમંત્રી અને નાણા મંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, રાજ્ય સરકારના શ્રેષ્ઠ નાણાકીય વ્યવસ્થાપન અને શ્રેષ્ઠ નાણાકીય શિસ્ત પાલન થકી ગુજરાતની વિકાસયાત્રા હાથ ધરી છે જેના પરિણામે છેલ્લા ૧૫ વર્ષથી એક પણ વાર રાજ્ય સરકારે ઓવરડ્રાફ્ટ કે સાધનપાય પેશગી લીધી નથી. જે માત્રને માત્ર રાજ્ય સરકારની દીર્ધદ્રષ્ટિ, સમયબધ્ધ આયોજન અને ટીમ ગુજરાતના સૌ સભ્યોને પરિણામે શક્ય બન્યું છે. આ કારણથી જ છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત દેશનું રોલ મોડેલ પુરવાર થઇ રહ્યું છે. વિધાનસભા ખાતે આજે નાણા વિભાગની ૫૮૦૭૪ની અંદાજપત્રીય માંગણીઓ રજુ કરતાં નાયબ મુખ્યમંત્રી પટેલે ઉમેર્યુ કે, આ વર્ષનું અંદાજપત્ર ૨,૦૪,૮૧૫ કરોડનું છે તેમાં ૨૮૫ કરોડની એકંદર પુરાંત તથા રૂ.૨૮૭૪ કરોડની મહેસૂલી પુરાંત દર્શાવાઇ છે જેમાં વિકાસલક્ષી ખર્ચ ૫૫ % ની ફાળવણી માત્ર સામાજીક સેવાઓ માટે કરાઇ છે. રાજ્યનું દેવુ નિયમાનુસારની મર્યાદામાં રહેવા પામ્યુ છે.

રાજ્ય સરકારની નીતિના પરિણામે જીએસડીપીની સાપેક્ષમાં દેવાનું પ્રમાણ ઉત્તરોત્તર ઘટતુ રહ્યું છે. રાજ્ય સરકારે દેવાની ચુકવણીમાં ક્યારેય ચુક કરી નથી. રાજ્ય સરકારના નાણાકીય શિસ્તના પરિણામે દેવુ, રાજ્યનું એકંદરે ઘરગથ્થુ ઉત્પાદન તથા જાહેર દેવા પર વ્યાજની ચુકવણી સામે મહેસૂલી આવકનું પ્રમાણ સારી રીતે જળવાઇ રહ્યું છે. મહેસૂલી આવકની સાપેક્ષે જાહેર દેવા પરનું વ્યાજ વર્ષ ૨૦૦૪-૦૫ માં ૨૬.૮૨% જેટલુ ઉંચુ હતુ તે વર્ષ ૨૦૧૯-૨૦ માં ૧૨.૬૨ % જેટલુ નીચુ અંદાજવામાં આવ્યુ છે રાજ્યનું દેવુ વર્ષ ૨૦૦૪-૦૫ માં ૨૮.૪૫ % હતુ તે

ઘટીને આ વર્ષે વર્ષ ૨૦૧૯-૨૦ માં ૧૫.૬૯ % જેટલુ અંદાજવામાં આવ્યુ છે. નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, રાજ્ય સરકારે પારદર્શિતાથી અનેકવિધ નિર્ણયો કર્યા છે અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો ટેકનોલોજીના માધ્યમ દ્વારા લાભાર્થીઓને સીધેસીધા મળે તે માટે ખાસ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. રાજ્ય સરકારના ૧૪ જેટલા વિભાગોની ૨૫૫થી વધુ યોજનાઓ ડીબી પોર્ટલ પર મુકાઇ છે. વર્ષ ૨૦૧૯-૨૦ માં ૩ કરોડથી વધુ લાભાર્થીઓને ૫૫૯૧ કરોડથી વધુ રકમ તેમના બેંકના ખાતામાં ડીબીટીથી જમા કરી દેવાઇ છે. જેના લીધે ૧૦૮ કરોડની બચત થઇ છે. કેન્દ્ર પુરસ્કૃત યોજનામાં અટલ પેન્શન યોજના હેઠળ ૬,૭૯,૦૫૪, પ્રધાનમંત્રી સુરક્ષા યોજનામાં ૬૧,૦૫,૦૩૬, પ્રધાનમંત્રી જીવન જ્યોતી વિમા યોજનામાં ૨૫,૬૫,૪૩૨ લાભાર્થીઓની નોંધણી કરી દેવાઇ છે. પ્રધાનમંત્રી જન-ધન યોજના હેઠળ ૧,૩૭,૩૧,૧૮૧ ખાતા ખોલીને ૪૧૭૪ કરોડની રકમ જમા કરાઇ છે.

પટેલે ઉમેર્યુ કે, જીએસટીના કાયદાના અમલ બાદ નોંધાયેલ કરદાતાઓ પૈકી સરેરાશ ૯૧ % જેટલા કરદાતાઓએ રીટર્ન ભર્યુ છે, જેમાં ગુજરાત દેશમાં બીજા ક્રમે રહ્યુ છે. વર્ષ ૨૦૧૮-૧૯ માં ૧.૪૦ કરોડ રીટર્ન ફાઇલ થયું છે. રાજ્યસરકારે ૦૫.૧૦.૨૦૧૮ પેટ્રોલ, ડીઝલમાં વેટના ટેક્ષ દર ૨૦ % હતો તેમાં ૩ % ઘટાડો કરીને ૧૭ % ટેક્ષ કરાયો છે. એ નાના વેપારીઓ માટે પણ રજીસ્ટ્રેશનની ટર્નઓવરની મર્યાદા ૨૦ લાખથી વધારી ૪૦ લાખ કરાઇ છે. એ જ રીતે રાજ્યમાં ૬.૭૮ કરોડ ઇ-વે બીલ જનરેટ કરાયા છે. અને આંતરરાષ્ટ્રીય ઇ-વે બીલ જનરેશનમાં પણ ગુજરાત પ્રથમ ક્રમે રહ્યું છે. જીએસટી દ્વારા અન્વેષણ કામગીરી સંદર્ભે બોગસ બીલીંગ દ્વારા થતી વેરા શાખની ગેરકાયદેસર તબદીલીના અનેક કેસો શોધીને ૪૦૮૭ કરોડના ખોટા વ્યવહારો સંદર્ભે આજ સુધી ૨૬ વ્યક્તિઓની ધરપકડ કરી છે. મોબાઇલ સ્ક્વોડ દ્વારા પણ ૩૩,૮૬,૦૦૦ ઇ-વે બીલની ચકાસણી કરાઇ છે.

(9:43 pm IST)