Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

સુરતમાં રાતે 10 વાગ્યા પછી ગરબા ક્લાસ ચાલુ રાખી શકાશે નહીં ::પોલીસ કમિશ્નરનું જાહેરનામું

CCTV વગરના ગરબા ક્લાસિસને મંજૂરી નહીં મળે: રજીસ્ટ્રેશન વગર ગરબા ક્લાસિસ નહીં ચલાવી શકાય.

સુરતમાં ગરબા ક્લાસને લઈને કમિશ્નરે જાહેરનામુ બહાર પાડ્યું છે  પોલીસ કમિશનર સતિષ શર્માએ જાહેરનામુ બહાર પાડ્યું છે. આ જાહેરનામા મુજબ CCTV વગરના ગરબા ક્લાસિસને મંજૂરી નહીં મળે. રાતના 10 વાગ્યા સુધી જ ગરબા ક્લાસિસ ચાલુ રહી શકશે. સવાર 7 થી રાતના 10 સુધી જ ગરબા ક્લાસિસ ચાલી શકશે. તેમજ રજીસ્ટ્રેશન વગર ગરબા ક્લાસિસ નહીં ચલાવી શકાય.

    સુરત પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા મુજબ ગરબા ક્લાસિસ વહેલી સવારે સાત વાગ્યા પહેલા અને રાત્રે દસ વાગ્યા બાદ ચાલુ રાખી શકાશે નહીં. આ ઉપરાંત ગરબા ક્લાસીસના સંચાલકોએ ક્લાસની અંદરના તથા બહારના ભાગના રોડનું સંપૂર્ણ કવરેજ થાય તે રીતે સીસીટીવી કેમેરા ગોઠવવાના રહેશે. સારી ગુણવત્તાવાળા અને વધુ રેન્જના સીસીટીવી કેમેરાનું રેકોર્ડીગ સંચાલકોએ ૩૦ દિવસ સુધી રાખવાનું રહેશે.

    આ સાથે જ પોલીસે તમામ ગરબા ક્લાસના સંચાલકોને તાકીદ કરતા જણાવેલ છે કે ક્લાસમાં પ્રવેશતા અને બહાર નીકળતા તમામ લોકો અને અન્ય માણસોની અવરજવર જોઈ શકાય તેમજ ચહેરા સ્પષ્ટ રીતે જોઈ શકાય તેવા પ્રકારના કેમેરા ગોઠવવાના રહેશે. આ સાથે જ ગરબા ક્લાસિસમાં જોડાયેલા તમામ યુવક-યુવતી શીખવા માટે આવે છે તેનું રજિસ્ટ્રેશન ફોર્મ ફરજીયાત રાખવું પડશે.

(8:53 pm IST)