Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

બોરસદના અલારસામાં પત્નીની સામે જોવા બાબતની રીસ રાખી પતિએ સાગરીત સાથે મળી શખ્સને ઢોરમાર મારતા અરેરાટી

બોરસદ:તાલુકાના અલારસા ગામે ગઈકાલે રાત્રીના સુમારે પત્નીની સામે જોવાની બાબતે ટોળાએ લાકડાના ડંડા અને લોખંડની પાઈપોથી હુમલો કરીને સાત વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ પહોંચાડતાં આ અંગે બોરસદ શહેર પોલીસે રાયોટીંગનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. 


પ્રાપ્ત વિગતો અનુસાર અલારસા ગામના લાલખાડીમાં રહેતા ફરિયાદી ઈમ્તીયાઝભાઈ મુસ્તુફાભાઈ વ્હોરાની અનાજ કરિયાણાની દુકાન આવેલી છે. ગત ૨૦મી તારીખના રોજ તેમનો ભાઈ સલમાન પોતાના મિત્રો આમીન અને જયેશભાઈ સાથે ફળિયામાં બેઠો હતો. ત્યારે રમીઝભાઈ વ્હોરા લાકડાનો ડંડો લઈને આવી ચઢ્યો હતો અને તુ મારી પત્નીની સામે કેમ જુએ છે તેમ જણાવીને લાકડાનો ડંડો મારી દીધો હતો. આમીન વચ્ચે પડતાં તેને પણ લાત મારીને ઈજાઓ પહોંચાડી હતી. જે તે વખતે આ બાબતે સમાધાન થઈ ગયું હતુ. દરમ્યાન ગઈકાલે સાંજના સુમારે ફરી સલમાન ફળિયામાં બેઠો હતો ત્યારે રમીઝભાઈ સીરાજભાઈ વ્હોરા બાઈક લઈને આવી ચઢ્યો હતો અને સલમાનને હજી તુ આ જ જગ્યાએ બેઠો છુ, તેમ કહીને ઝઘડો કરી જોઈ લેવાની ધમકી આપીને ત્યાંથી જતો રહ્યો હતો. ત્યારબાદ બોરસદ ખાતે રહેતા તેના સાળાને ફોન કરતાં તે ચારથી પાંચ જેટલા માણસોને લઈને આવી ચઢ્યો હતો જ્યારે રમીઝના ભાઈ અજહરભાઈએ આણંદ ફોન કરતાં આણંદથી સાતથી આઠ જેટલા માણસો હાથમાં લાકડાના ડંડા અને લોખંડની પાઈપો લઈને આવી ચઢ્યા હતા અને સીધો જ હુમલો કરી દીધો હતો. જેમાં અઝહરે ઈકબાલને માથામાં લોખંડની પાઈપ ફટકારી દીધી હતી જેથી તે લોહીલુહાણ થઈ જવા પામ્યો હતો. ત્યારબાદ ટોળાએ મુસ્તુફાભાઈ, સદ્દામભાઈ સબ્બીરભાઈ અને છોડાવવા વચ્ચે પડનાર મોસીનભાઈને લાકડાના ડંડા અને પાઈપોથી માર માર્યો હતો. 

(6:06 pm IST)