Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

અહેમદભાઈની જીતને પડકારતી પીટીશનમાં આજે ધારાસભ્ય જીતુ ચૌધરીની લેવાશે જુબાની

બેંગ્લુરૂના ખર્ચ અંગે અમિત ચાવડાના નિવેદનમાં વિરોધાભાસ અંગે હાઈકોર્ટની ટકોર ધારાસભ્યોની સીડી રજુ કરવાની માંગ ફગાવી રૂ. ૫૦૦૦નો દંડ

અમદાવાદ, તા. ૨૪ :. હાઈકોર્ટમાં હાલ જસ્ટિસ બેલાબેન ત્રિવેદીની બેચ સમક્ષ રાજ્યસભાની ચૂંટણીમાં અહેમદભાઈ પટેલની જીતને પડકારતી ઈલેકશન પીટીશન ચાલી રહી છે. કોંગી ધારાસભ્યો બેંગ્લુરૂ કોના ખર્ચે ગયા હતા તે અંગે પ્રદેશ પ્રમુખના નિવેદનમાં વિરોધાભાસ આવતા નામદાર કોર્ટ તેમને ટપાર્યા હતા. આજે ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીની જુબાની લેવાશે તથા ઉલટતપાસ થશે.

ચાવડાએ પહેલા બેંગ્લુરૂનો ખર્ચ કોંગ્રેસે ઉપાડયાનું કહ્યું હતુ પરંતુ એફિડેવિટમાં તેમણે કરમશીભાઈએ સ્વખર્ચે આવ્યા હોવાના કથનને સમર્થન આપ્યુ હતું. આમ વિરોધાભાસી વાતને લઈને ઉલટતપાસમાં અરજદારના એડવોકેટ દેવાંગ વ્યાસે ખરેખર ખર્ચ કોણે કર્યો હતો તેવો પ્રશ્ન પૂછતા જવાબમાં ધારાસભ્યોએ ઘરેથી એરપોર્ટ તથા બેંગ્લુરૂમાં ફર્યા તેનો ખર્ચ ભોગવ્યો હોવાની ચાવડાએ સ્પષ્ટતા કરી હતી. બુધવારે કોંગી ધારાસભ્ય જીતુ ચૌધરીની જુબાની બાદ ઉલટતપાસ થશે. અરજદાર બળવંતસિંહ રાજપૂતના વકીલ તરફથી કરાયેલી ઉલટતપાસમાં જીપીસીસીના પ્રમુખ ચાવડાએ કહ્યું હતુ કે, રામસિંહ પરમાર કે જેઓ હાલ ભાજપમાં જોડાયેલા છે. તેઓ ભાજપમાં જોડાયા તે પહેલા કોંગ્રેસના ધારાસભ્ય હતા. મારા ઘરે ૨૪મી જુલાઈ ૨૦૧૭ના સવારે આવ્યા હતા. સામાજિક સંબંધોના કારણે મારા પર વિશ્વાસ રાખીને ઘરે આવ્યા હતા. ઘરે આવ્યાની વાત કોઈને નહીં કરવાનું વચન આપ્યુ હોવાથી સંબંધો બગડે નહીં તે હેતુથી હજુ સુધી કયાંય જાહેર કર્યુ નહોતું, પરંતુ આજે મેં કોર્ટ સમક્ષ સોગંદનામુ રજુ કર્યુ હોવાથી તેમાં જણાવ્યુ છે. રામસિંહ સાથેની વાતચીત બાદ ભરતસિંહ સોલંકી અમદાવાદ રહેતા હોવાથી મેં નામ આપ્યા વગર આડકતરી રીતે ભાજપ દ્વારા છેલ્લી કક્ષાના પ્રયત્નો થઈ રહ્યાં છે, તમે પ્રદેશ પ્રમુખ હોવાથી એટલે ધ્યાન રાખજો તેવું કહેવા ફોન કર્યો હતો.

કોંગ્રેસના ટોચના નેતા અહેમદ પટેલને હાઇકોર્ટે ઝટકો આપ્યો છે ગુજરાત હાઈકોર્ટે કોંગ્રેસના નેતા અહેમદ પટેલને પાંચ હજારનો દંડ ફટકાર્યો કે જયારે તેમના વકીલે ૨૦૧૭જ્રાક્નત્ન થયેલી રાજયસભાની ચૂંટણી પહેલાં ધારાસભ્યો દ્વારા આપવામાં આવેલા નિવેદનોની સીડી રજૂ કરવા માટે સાક્ષીને મંજુરી આપવાની માંગ કરી હતી.

 હાઈકોર્ટના જજ બેલાબેન ત્રિવેદીએ અહેમદ પટેલને દંડ ફટકારતા કહ્યું કે કોર્ટે આ પહેલાં પણ તેમની વિનંતીને ફગાવી હતી અને ફરીવાર તે જ આગ્રહ રાખવો તે કાયદાની પ્રક્રિયાનું ઉલ્લંદ્યન છે. અહેમદ પટેલના વકીલ પીએસ ચાંપાનેરીએ કહ્યું હતું કે સાક્ષી બલદેવજી ઠાકોરને સીડી રજૂ કરવા માટે મંજુરી આપવામાં આવે. આ સીડીમાં ધારાસભ્યોએ ૨૦૧૭દ્ગક રાજયસભાની ચૂંટણી પહેલા બેંગ્લુરુ રિસોર્ટમાં રોકાણ દરમિયાન આપેલા નિવેદન છે.  જજ બેલાબેન  ત્રિવેદીએ કહ્યું કે કોર્ટની નજરમાં આ મામલામાં વિશેષ કશું નથી પણ પ્રતિવાદી દ્વારા કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ છે. આગળ કશી પણ વિચારણા કર્યા વિના સાક્ષી બલદેવજી ઠાકોર તરફથી સીડી રજૂ કરવાની માંગને પાંચ જૂલાઈના આદેશના અનુસંધાને ફગાવી દેવાનું યોગ્ય ઠરે છે.

કોર્ટે આદેશમાં કહ્યું કે આવા પ્રકારની માગ ફગાવી દેવા યોગ્ય છે. જેથી કરીને આ માંગ પાંચ હજારના દંડ સાથે ફગાવી દેવામાં આવે છે. પ્રતિવાદી દ્વારા આ દંડી રકમ હવે પછીની સુનાવણી દરમિયાન જમા કરવામાં આવશે.  હાઈકોર્ટે પાંચ જૂલાઈએ આદેશ જારી કરીને સાક્ષી રોહન ગુપ્તાને પેન ડ્રાઈવ રજૂ કરવાની મંજુરી આપી ન હતી. આ પેન ડ્રાઈવમાં પણ બેંગ્લુરુ રિસોર્ટ દરિમયાન ધારાસભ્યોએ આપેલા નિવેદનોનો સમાવેશ થાય છે.(૨-૬)

(11:50 am IST)