Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

અમદાવાદના પર્યાવરણપ્રેમી શિલ્પા ગવાનેએ વૃક્ષોનું મેપિંગ કરી ઓનલાઇન એનસાઇક્લોપીડિયા તૈયાર કર્યું

તેઓએ એક વેબસાઈટ ‘ટ્રીઝ ઓફ અહેમદાવાદ‘ વિકસાવી જેમાં, અમદાવાદનાં વિવિધ વૃક્ષોને મેપ કરી વૃક્ષનું જીપીએસ લોકેશન,સ્પેસિસનું નામ, તેની ઉંમર, વૃક્ષની ઉંચાઈ અને તેના ઈતિહાસ વગેરેની માહિતી

અમદાવાદમાં વસ્ત્રાપુરમાં રહેતા શિલ્પા ગવાને અનોખા પર્યાવરણ પ્રેમી છે 40 વર્ષીય શિલ્પા ગવાનેએ કહ્યું કે  ‘હું આર્કીટેક છું તેથી મેપિંગ તો મને આવડતું જ હતું અને મારા પ્રકૃતિ પ્રેમએ મને આ કાર્ય કરવાની પ્રેરણા આપી. સામાન્ય રીતે, દરેક શહેરનાં વૃક્ષોનું મેપિંગ થતું હોય છે તો મને થયું કે અમદાવાદમાં પણ ઘણાં બધાં જૂના વૃક્ષો છે તો તેની જાણકારી પણ લોકો સુધી પહોંચવી જોઈએ શિલ્પા ગવાનેએ ૨૦૨૦થી એક અનોખું કાર્ય કરવાની શરૂઆત કરી છે.

તેઓએ એક વેબસાઈટ ‘ટ્રીઝ ઓફ અહેમદાવાદ‘ વિકસાવી છે જેમાં, અમદાવાદનાં વિવિધ વૃક્ષોને મેપ કરી તેમના વિશે માહિતી આપવામાં આવે છે. આ અંગે શિલ્પાબહેને કહ્યું કે,’આપણી આસપાસ રહેલી દરેક વસ્તુઓનો એક ઈતિહાસ હોય છે તેમ ઘણાં વૃક્ષોનો ઈતિહાસ પણ ખૂબ રસપ્રદ હોય છે તેથી મને થયું કે, આ વાત લોકો સુધી પહોંચાડવી જોઈએ. ગવર્નમેન્ટ દ્વારા વૃક્ષોની ગણતરી કરવામાં આવે છે

પરંતુ તેના ઈતિહાસ વિશેની કોઈ માહિતી નથી હોતી તેથી મેં આ કાર્ય કરવાનું વિચાર્યું અને થલતેજથી તેની શરૂઆત કરી. અત્યાર સુધીમાં થલતેજ અને બોડકદેવ વિસ્તારનાં કુલ ૬૦૦ જેટલાં વૃક્ષોનું મેપિંગ અમે કર્યું છે અને તેમાં તે વૃક્ષનું જીપીએસ લોકેશન,સ્પેસિસનું નામ, તેની ઉંમર, વૃક્ષની ઉંચાઈ અને તેના ઈતિહાસ વગેરેની માહિતી આપવામાં આવી છે.

અમે સમયાંતરે ટ્રી વોકનું પણ આયોજન કરીએ છીએ.જેમાં વિવિધ વૃક્ષો વિશેની માહિતી આપવામાં આવે છે. આ મેપમાં દર્શાવેલ માહિતી મુજબ, થલતેજમાં જીવનદિપક્રોસ રોડ પાસે આવેલ વડનું ઝાડ સૌથી મોટું છે જેનો ઘેરાવો ૫૬૭ સેમી જેટલો છે. સૌથી જૂના ઝાડ વિશે વાત કરીએ તો વસ્ત્રાપુર પોલિસ સ્ટેશનમાં આવેલ લીમડાનું ઝાડ છે જે આશરે ૫૦ વર્ષ જૂનું છે.

આ સિવાય આ મેપમાં કયાં ઝાડ નીચે ચાની કિટલી આવેલી છે તે પણ દર્શાવાયું છે. મેપ કરેલા વિસ્તારોમાં સૌથી વધારે ૧૭૦ લીમડાના વૃક્ષો છે. આ સિવાય તામ્રપાલી,કણજી, સરગવો, બર્મિઝ પિંક કેસિઆ, રક્ત કંચન, જંગલી બદામ, સપ્તપર્ણી, શેવાન, સોસેજ ટ્રી,કશીદ, કપોક, ગુલમહોર, દેશી બાવળ, વડ, આકાશ- લિમડો, રોયલ પામ, ગરમાળો, પલપાળિયા, મોટા બોન્દ્રા, ઉંબર  વગેરે વૃક્ષો પણ જોવા મળે છે.

(7:47 pm IST)