Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

સુરતના રિંગરોડ નજીક દલાલ મારફતે ગ્રે કાપડ મંગાવી ફરાર વેપારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ

સુરત, : સુરતના રીંગરોડ સ્થિત ગોલ્ડન પ્લાઝા માર્કેટનો વેપારી દલાલ મારફતે સંખ્યાબંધ વિવર પાસેથી ગ્રે કાપડ ખરીદી ઉઠમણું કરી ફરાર થઈ જતા ભોગ બનેલા વિવર્સ પૈકી સાયણ ખાતે લુમ્સનું કારખાનું ધરાવતા અડાજણના વૃદ્ધ વિવરે સલાબતપુરા પોલીસ મથકમાં રૂ.7.33 લાખની ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના અડાજણ ગંગેશ્વર મહાદેવ રોડ ઉપવન રો હાઉસ ઘર નં.35 માં રહેતા 61 વર્ષીય નરેશભાઈ કાંતિભાઈ મેવાવાળા સાયણ સુગર રોડ કૃષ્ણકૃપા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પ્લોટ નં.17,18 ખાતે ક્રિષ્ણા ટેક્ષટાઈલના નામે લુમ્સનું કારખાનું ધરાવે છે.ગત જાન્યુઆરી માસમાં તે રીંગરોડ સ્થિત ગોલ્ડન પ્લાઝા માર્કેટમાં કામ માટે ગયા હતા ત્યારે તેમની ઓળખાણ દલાલ જીગ્નેશ મૈસુરીયા સાથે થઈ હતી.તે નરેશભાઈને માર્કેટની દુકાન નં.2025-2026 માં આવેલી અગ્રવાલ સિલ્ક મિલ્સ નામની દુકાનમાં લઈ ગયા હતા અને તે પેઢીના માલિક શીતલ મુન્ના અગ્રવાલ સાથે મુલાકાત કરાવી હતી. શીતલ અગ્રવાલે જો તમે દલાલ જીગ્નેશ મારફતે માલ આપશો તો તમને 30 દિવસમાં પેમેન્ટ કરી દઈશ તેમ કહ્યું હતું.તે સમયે જીગ્નેશે પણ પેમેન્ટની જવાબદારી સ્વીકારતા નરેશભાઈએ તેમની સાથે વેપાર શરૂ કરી 25 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી દરમિયાન કુલ રૂ.7,33,068 નું ગ્રે કાપડ તેમને મોકલ્યું હતું.જોકે, નિર્ધારીત સમયે પેમેન્ટ આપવાને બદલે બંનેએ વાયદા કર્યા હતા અને વેપારી શીતલે રીસીવ કરવાનું બંધ કરતા નરેશભાઈએ જીગ્નેશને ફોન કર્યો તો તેણે કહ્યું હતું કે પેમેન્ટ અપાવવાની મારી જવાબદારી નથી તમે જાણો અને વેપારી જાણે.બાદમાં માર્ચ માસના અંતમાં વેપારી શીતલ અગ્રવાલ દુકાન બંધ કરી તેમજ બંને મોબાઈલ ફોન બંધ કરી ફરાર થઈ ગયા હતા.

(6:17 pm IST)