Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

અમદાવાદમાં બિલ્‍ડર બની મુળ માલિકોની કિંમતી જમીન પચાવી પાડનાર નીરલ ઝવેરીની ધરપકડ

જિલ્લાના અલગ-અલગ પોલીસ મથકોમાં આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ

અમદાવાદ: અમદાવાદના એક બિલ્ડરે શોર્ટ કટ રસ્તો અપનાવી માલામાલ થવા પ્રયાસ કર્યો પણ હવે તે પોલીસ સંકજામાં આવી ગયો છે. અનેક લોકોની જમીન પચાવી પાડે તે પહેલા જ પોલીસે તેને પકડી પાડયો છે.

અમદાવાદ જિલ્લામાં જમીનોના ભાવ વધતા એક બિલ્ડરે પૈસા કમાવવા ખોટો રસ્તો અપનાવ્યો હતો. જોકે એક જમીન માલિક સાથે છેતરપિંડી થઈ હોવાનું સામે આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી જે બાદ સમગ્ર મામલો સામે આવ્યો હતો. અમદાવાદ જિલ્લામાં અને તેમાં પણ ગ્રામ્ય વિસ્તારોની જમીનોના ભાવ હાલ સાતમા આસમાને છે. ત્યારે અમુક લોકો કોઈ પણની જમીન પચાવી પાડવા અવનવા પ્રયત્નો કરતા હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદ ગ્રામ્ય SOG એ નીરલ ઝવેરી નામના બિલ્ડરની ધરપકડ કરી છે. નીરલ ઝવેરી ઉપર અમદાવાદ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદો નોંધાઇ હતી જેમાં તે ફરાર હતો.

નીરલ ઝવેરી બિલ્ડર હતો પણ ગ્રામ્ય વિસ્તારોમાં કોઈ પણ જમીન હડપવા અવનવા કિમિયા કરતો હતો અને જમીન મલિક સામે સિવિલ કેસ કરતો અને બાદમાં સમાધાન કરવા રૂપિયાની માંગણી કરતો હતો. જોકે ફરિયાદોને આધારે ગ્રામ્ય SOG એ નીરલ ઝવેરીની દિલ્લી થી ધરપકડ કરી છે. બિલ્ડર આરોપી નીરલ ઝવેરી કોઈ પણ જમીન શોધી તેના માલિકનો સંપર્ક કરતો હતો. જમીન ખરીદવામાં બહાને બાનાખત કરાવતો અને તેમાંથી જમીન માલિકની સહી મેળવી તેને ડિજિટલ સહી બનાવી જમીન પચાવી પાડવાનો પ્લાન તૈયાર કરતો હતો. નીરલ ઝવેરી બાનાખત કરી જમીન માલિક ની સહી મેળવી જમીન નથી લેવી તેમ કહી સોદો રદ કરી નાખતો હતો.

જમીન માલિકની ડિજિટલ સહીઓ બનાવી ખોટા દસ્તાવેજો તૈયાર કરતો હતો અને તે દસ્તાવેજને આધારે કોર્ટમાં જમીન માલિકીના હક માટે દાવો કરતો હતો. કોર્ટ મેટર ને કારણે જમીન માલિક નીરલ ઝવેરીની સંપર્ક કરતા તો નીરલ સમાધાનની વાત કરી રૂપિયાની માંગણી કરતો હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી બિલ્ડર નીરલ ઝવેરીએ અનેક જમીન માલિકોની સહીઓ મેળવી હતી. જોકે પ્રથમ પ્રયાસમાં જ જમીન માલીકને ખ્યાલ આવી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે પૂછપરછ દરમ્યાન સામે આવ્યું હતું કે નીરલ ઝવેરી અનેક જમીન માલીકોને પોતાના શિકાર બનાવવાનો હતો. જોકે આ વાતથી ખુદ જમીન માલીકો પણ અજાણ હતા. પોલીસે તેની પૂછપરછ દરમ્યાન નીરલ ઝવેરીએ સમગ્ર કૌભાંડ મામલે જણાવ્યું હતું.

જોકે સમગ્ર મામલે પોલીસે અગાઉ પણ એક આરોપીની ધરપકડ કરી હતી. હવે મુખ્ય કાવતરાખોર નીરલ ઝવેરી પકડતા અન્ય કેટલા જમીન માલિકો તેનો ભોગ બન્યા છે તે અંગે પણ પોલીસ તપાસ કરશે. નીરલ ઝવેરી ઉપર અમદાવાદ ગ્રામ્યમાં બોપલ, અસલાલી, ધોળકા, સાણંદ, તેમજ સીઆઈડી ક્રાઇમ માં પણ જમીન મામલે ગુનાઓ નોંધાયા છે. ત્યારે વધુ તપાસ બાદ અન્ય ગુનાઓનો પણ ભેદ ઉકેલાવાની શકયતાઓ લાગી રહી છે.

(5:23 pm IST)