Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

યુપીઍસસીની પરિક્ષાની તૈયારી માટે માઇન્ડ સેટ હોવુ ખૂબ જ જરૂરીઃ આત્મવિશ્વાસ સાથે પરિક્ષાની તૈયારી કરો તો ચોક્કસ સફળતા મેળવી શકાયઃ કોચિંગ વિના સેલ્ફ સ્ટડીથી પણ સારૂ પરિણામ પ્રાપ્ત કરી શકાય

ગુજરાતમાંથી યુપીઍસસીમાં સફળતા પ્રાપ્ત કરનારા ઉમેદવારોનો મત

અમદાવાદઃ દરેક પરિક્ષામાં સફળતા પ્રાપ્ત કરવી હોય તો આત્મવિશ્વાસ રાખવો જરૂરી છે તેમ યુપીઍસસીની પરિક્ષામાં સફળતા મેળવનારા ઉમેદવારોઍ જણાવ્યું છે.
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) દ્વારા લેવાયેલી પરીક્ષાનું ફાઇનલ પરીણામ જાહેર થયું છે. ગુજરાતમાંથી યુપીએસસીમાંથી ૧૬ ઉમેદવારોએ પાસ કરી છે. યુપીએસસી પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરનાર ઉમેદવારોએ પોતાના મંતવ્ય આપ્યા હતા. યુપીએસસીમાં સફળ થયેલા ઉમેદવારોએ કહ્યું કે, યુપીએસસીની તૈયારી માટે માઇન્ડ સેટ હોવું ખૂબ જરૂરી છે. આત્મવિશ્વાસ સાથે પરીક્ષાની તૈયારી કરો તો ચોક્કસપણે સફળતા મેળવી શકાય છે. કોચિંગ વિના સેલ્ફ સ્ટડીથી પણ સારું પરિણામ પ્રાપ્ત કરી શકાય છે.
ઘરેથી ઓનલાઇન તૈયારી કરતી હતી
કોલેજ પૂરી કર્યા પછી યુપીએસસીની તૈયારી શરૃ કરી હતી. ઘણી મહેનત પછી થર્ડ અટેમ્પમાં પાસ કરી શકી છું. સારું પરિણામ મળ્યું નથી જેથી આઇએએસ કે આઇપીએસ કેડર મળવાની શક્યતા ઓછી છે પણ જે કેડર મળશે તે લઇને જોબ શરૃ કરવાની મારી ઇચ્છા છે. કોલેજ પૂરી કર્યા પછી ઘરે રહીને ઓનલાઇન તૈયારી કરી હતી. મારા કઝીન ભાઇ યુપીએસસી પાસ કરીને જોબ કરી રહ્યા છે જેમની પ્રેરણાથી મને પણ આઇએએસ થવાની ઇચ્છા થઇ હતી. ડેડિકેશન સાથે તૈયારી કરો તો ચોક્કસપણે સફળતા મળે છે.-મૌસમ મહેતા, ઓલ ઇન્ડિયા રેન્ક-૮૧૪, પીએસઆઇઆર
આઇએએસ થશું તે મારું સ્વપ્ન છે માટે હજુ ફરીથી પરીક્ષા આપીશ
કોલેજના છેલ્લાં વર્ષમાં અભ્યાસ કરતો હતો ત્યારથી યુપીએસસી પરીક્ષાની તૈયારી શરૃ કરી હતી. ૨૦૧૯માં જીપીએસસી પરીક્ષા પાસ કરીને દોઢ વર્ષ સુધી તાલુકા વિકાસ અધિકારી તરીકે સેવા આપી હતી. આઇએએસ થવું તે મારું સ્વપ્ન છે અને તેને લીધે યુપીએસસી પરીક્ષામાં સફળતા મેળવી હતી અને હાલમાં ઇન્ડિયન ઇન્ફોર્મેશન સર્વિસમાં સેવા આપી રહ્યો છું. પાંચમા પ્રયત્ને આ પરિણામ મળ્યું છે જેને લીધે મને આઇએએસ કે આઇપીએસ કેડર મળવી મુશ્કેલ છે ત્યારે હું ફરીથી પરીક્ષાની તૈયારી કરીને ટોપ-૧૦૦માં રેન્ક મળે તે મારું ગોલ છે.-ચંદ્રેશ શાંખલા, ઓલ ઇન્ડિયા રેન્ક-૪૧૪, પીએસઆઇઆર
ઇન્ડિયન રેવન્યુ સર્વિસમાં જોબ મળશે તો પણ જોડાઇશ
જીઓગ્રાફી સાયન્ટિફિક વિષય હોવાથી તેની સાથે યુપીએસસી પરીક્ષા આપી હતી. આ મારો પાંચમો અટેમ્પ્ટ હતો. કોચિંગ વિના માત્ર સેલ્ફ સ્ટડીથી ઘરેથી તૈયારી શરૃ કરી હતી. યુીપએસસી પરીક્ષા માટે દરેક વિષયનું થોડું ઘણું નોલેજ પણ હોવું ખૂબ જરૃરી છે. સપ્તાહના દરેક દિવસ મુજબ પરીક્ષાનું શિડયુલ બનાવ્યું હતું. જે રેન્ક સાથે પાસ થયો છું તેનાથી મને આઇએએસ કે આઇપીએસ કેડર મળવી મુશ્કેલ છે ત્યારે જો ઇન્ડિયન રેવન્યુ સર્વિસમાં મળે તો પણ જોડાઇ જવાની ઇચ્છા રાખી છે પણ ફરીથી પરીક્ષા આપવાની ઇચ્છા છે. અમારા પરિવારમાંથી યુપીએસસીમાંથી હું એકમાત્ર છું જેનાથી ઘણી ખુશી છે.- ઉત્સવ જોગાણી- ઓલ ઇન્ડિયા રેન્ક-૭૧૨,જીઓગ્રાફી
 મારા પિતા અને ભાઇ આઇએએસ છે જેથી મને ઘણી પ્રેરણા મળી
 કોલેજના છેલ્લાં વર્ષથી યુપીએસસીની પરીક્ષાની તૈયારી શરૂ કરી હતી. મેં સોશિયલોજી વિષય સાથે પરીક્ષા આપી હતી. ઘરે રહીને ઓનલાઇન કોચિંગ લીધું હતું.  દરેક વિષયની પ્રિ-પ્લાનિંગથી તૈયારી કરી હતી જેનાથી પરીક્ષા સારી રહી હતી. પરીક્ષા સારી રહી હતી જેનાથી પહેલા પ્રયત્ને હું પાસ થઇ હતી. મારા પિતા અને ભાઇ બન્ને આઇએએસ છે અને તેમની પ્રેરણાથી મને પણ આઇએએસ થવાની ઇચ્છા થઇ હતી જેથી હજુ આગામી સમયમાં ફરીથી પરીક્ષા આપીને સારો રેન્ક મળે તે માટેનો પ્રયત્ન કરીશ.-માનસી મીણા, ઓલ ઇન્ડિયા રેન્ક-૭૩૬, સોશિયોલોજી
પરિવારમાંથી બન્ને ભાઇઓએ આ પરીક્ષા પાસ કરી હોવાથી દરેક વ્યકિતને ઘણી ખુશી છે
મારા મોટા ભાઇ યુપીએસસી પાસ કરીને આઇપીએસ બન્યો છે જેથી મને પણ આ પરીક્ષા આપવાની પ્રેરણા આપી હતી. પહેલા પ્રયત્ને પાસ થઇ જવાઇ તે માટે એડવાન્સ પ્લાનિંગ સાથે પરીક્ષાની તૈયારી શરૃ કરી હતી. સામાન્ય રીતે બીજી જોબ કરતા આ જોબમાં સમાજમાં વધારે માન સન્માન મળે છે અને સામાજિક રીતે બધા સાથે જોડાઇ રહેવાથી આ જોબ વધારે પસંદ છે. આઇએસ કેડરમાં સેવા કરવાનો મોકો મળે તેવી મારી ઇચ્છા છે. પરિવારમાંથી બન્ને ભાઇઓએ આ પરીક્ષા પાસ કરી હોવાથી દરેક વ્યકિતને ઘણી ખુશી છે.-દુષ્યંત ભેડા, ઓલ ઇન્ડિયા રેન્ક- ૨૬૨,  ઇતિહાસ
પરીક્ષામાં પેપર હાર્ડ હતા, દરેક તબક્કામાં સારું પરિણામ મળતા સારો રેન્ક મળ્યો
યુપીએસસીની પરીક્ષાનો ભાર રાખ્યા વિના માત્ર ડેડિકેશન સાથે તૈયારીની શરૃઆત કરી હતી. મારો ભાઇ ૨૦૧૯માં આઇપીએસ બન્યો હતો જેને લીધે મને યુપીએસસી પરીક્ષાઆપવા માટેનું માર્ગદર્શન આપ્યું હતું. ચોથા પ્રયત્ને સારો રેન્ક મળ્યો છે જેને લીધે આઇએએસ કેડર મળે તેવું મને લાગે છે. પરીક્ષામાં પેપર હાર્ડ હતા પણ દરેક તબક્કામાં સારું પરિણામ મળ્યું છે. પરિવારનો ઘણો સપોર્ટ હોવાથી સારી રીતે પરીક્ષાની તૈયારી થઇ શકી હતી. મેં જીએનએલયુમાંથી અભ્યાસ કર્યો છે જેનાથી લૉ વિષય સાથે પરીક્ષા આપી હતી.-ક્રિતિકા ગોયલ, ઓલ ઇન્ડિયા રેન્ક-૧૪, લૉ
પરીક્ષાની તૈયારી કરવા જોબ છોડી દીધી હતી
નિરમા યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગ અને આઇએફટી દિલ્લીમાંથી એમબીએ કર્યું હતું. પરીક્ષાની તૈયારી સારી રીતે કરી શકાય તે માટે જોબ છોડી દીધી હતી. મહેતન મુજબ પરિણામ મળ્યું છે પણ હજુ સંતોષ થયો નથી જેને લીધે ફરીથી પ્રિલિમનરી પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી છે અને ઓલ ઇન્ડિયાના ૨૦૦ રેન્કમાં સ્થાન મળે તે માટેનો ગોલ છે. હાલમાં જે કેડરમાં જોબ મળે તેમાં જોબની શરૂઆત કરીશ. માતા ઘરકામ અને પિતા નિવૃત્ત આએએસ છે જેનાથી ઘણો સપોર્ટ મળ્યો છે.-આદિત્ય અમરાની, ઓલ ઇન્ડિયા રેન્ક- ૮૬૫, સોશિયોલોજી
પિતા ડેપ્યુટી મામલતદાર હતા અને તેમને મને પરીક્ષા આપવાની પ્રેરણા આપી
યુપીએસસી પરીક્ષાને લઇને એક શિડયુલ બનાવીને તૈયારી શરૂ કરી હતી. આ મારો દસમો ટ્રાયલ હતો પણ હજુ મારે સારો રેન્ક મળે તે માટે ફરીથી પરીક્ષા આપવાની તૈયારી શરૂ કરી છે. મારો મુખ્ય વિષય ગુજરાતી સાહિત્ય હતો. મેં એમબીબીએસ કર્યું છે પણ પિતા ડેપ્યુટી મામલતદાર હતા અને તેમને મને યુપીએસસી પરીક્ષા આપવા માટેની પ્રેરણા આપી હતી. મારું જનરલ નોલેજ સારું હતું જેથી ગુજરાતી વ્યાકરણ વિષય સાથે પરીક્ષા આપવાનું નક્કી કર્યું હતું અને પરિણામ આવ્યું છે. સારું પરિણામ માટે હું ફરીથી પરીક્ષા આપીશ અને આઇએએસ થવાનું સ્વપ્ન પૂર્ણ કરીશ.-ડૉ.નયન સોલંકી, ઓલ ઇન્ડિયા રેન્ક-૮૬૯, ગુજરાતી સાહિત્ય

(5:13 pm IST)