Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

યુવકના અપહરણના કેસમાં કોર્પોરટર પર ગંભીર આક્ષેપ

અપહરણના સીસીટીવી ફુટેજ સામે આવતાં ચકચાર : કોર્પોરેટરે દિનેશ દેસાઈએ અપહરણ કરાવ્યાનો આક્ષેપ

અમદાવાદ, તા.૨૪ : શહેરના ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના કેસમાં હવે સીસીટીવી ફુટેજ સામે આવતાં સમગ્ર પ્રકરણમાં ભારે ચકચાર મચી ગઇ હતી. તો સાથે સાથે આ સમગ્ર કેસમાં હવે ભાજપના કોર્પોરેટરનું નામ સામે આવતાં અને અપહ્યુત યુવક તેમ જ તેના પરિવારજનો દ્વારા ભાજપના કોર્પોરેટર દિનેશ દેસાઇની સીધી સંડોવણીનો ગંભીર આરોપ લગાવતાં સમગ્ર કેસમાં હવે રાજકારણ પણ ગરમાયું છે. જો કે, પોલીસે સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ આરંભી છે. આ અંગેની વિગત એવી છે કે, શહેરના ગોતા વિસ્તારમાં રહેતા અને જમીન દલાલીનું કામ કરતા રાજેશ પટેલ નામના યુવાનનું ૪ લોકોએ ગાડીમાં અપહરણ કરીને મહેસાણા લઇ ગયા હતા અને તેને જોરદાર રીતે ઢોર માર માર્યો હતો. આ યુવાનનું ગઈકાલે દિન દહાડે અપહરણ કરી ગાડીમાં બેસાડી લઈ જતા સીસીટીવી ફુટેજ સામે આવતાં ભારે ચકચાર મચી ગઇ છે. મહેસાણા ખાતે જ્યાં તેને એક બંગલામાં ગોંધી રાખી ચપ્પાં વડે હુમલો કરાયો હતો અને બાદમાં ઈજાગ્રસ્ત હાલતમાં ઓગણજ સર્કલ પર ફેંકી દેવાયો હતો. જે અંગે પરિવારજનોએ ભાજપના કોર્પોરેટર દિનેશ દેસાઈ પર કિડનેપિંગનો આરોપ લગાવ્યો છે. ગઈકાલે જ્યારે અપહરણ થયું હતું ત્યારે યુવાનના પિતાએ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જો કે ફરિયાદમાં કોઇ પણ આરોપીનું નામ લખાવ્યું નહતુ, જ્યારે મીડિયા સમક્ષ સ્થાનિક કોર્પોરેટરે અપહરણ કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. રાજેશ પટેલની બહેન મિત્તલ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે દિનેશ દેસાઈ નામના કોર્પોરેટરે મારા ભાઈનું અપહરણ કરાવ્યું હતું. સીસીટીવી ફુટેજમાં અપહરણ કરતા દેખાય છે. સિલ્વર સ્ટાર ચાર રસ્તા પાસેથી ક્રેટા કારમાં મારા ભાઈનું અપહરણ કર્યું હતું. અને આગળ જઈને તેને આઈ-૨૦ કારમાં બેસાડી મહેસાણા લઈ ગયા હતા. તે સમયે કારમાં દિનેશ દેસાઈ પણ હાજર હતો. ભાઈને આંખે પાટા બાંધી દીધા હતા. મોઢામાં લાકડી મુકી હતી. તેને દોરડા સાથે ઉંધો લટકાવી ચપ્પાના ઘા માર્યા હતા. અને તેના હાથ-પગ ભાગી નાખ્યા હતા. દિનેશ દેસાઈ સાથે મારા ભાઈની કોઈ દુશ્મની કે અદાવત નથી. મારા ભાઈ સાથે દિનેશ દેસાઈ આવું શા માટે કર્યું તે જ અમારે જાણવું છે. આ મામલે પોલીસે પણ અમને સપોર્ટ નથી કરતી. દિનેશ દેસાઈ તરફથી સમગ્ર મામલે સમાધાન કરવા અંગે દબાણ કરવામાં આવી રહ્યું છે. ગોતા ગોદરેજ ગાર્ડન સિટી આકૃતિ એલીગન્સમાં રહેતો રાજેશ મુકેશભાઇ પટેલ(૩૩) નું મંગળવારે બપોરે ૧.૩૦ વાગ્યે કેટલાક માણસો સફેદ ગાડીમાં સિલ્વર સ્ટાર ચાર રસ્તા પાસેના પારસ પાન પાર્લર ખાતેથી અપહરણ કરીને લઇ ગયા હતા. આ પ્રકરણમાં એવી પણ વાત સામે આવી રહી છે કે, જે ગાડીમાં રાજેશનું અપહરણ કરવામાં આવ્યું તે ગાડીમાં ડ્રાઈવરની બાજુની સીટમાં તે કોર્પોરેટર બેઠા હતા. પરિવારજનોએ આ અંગે પોલીસને જાણ કરી છે અને સમગ્ર મામલે ન્યાયની માંગ કરી છે. દરમ્યાન રાજેશના પિતરાઇ ભાઇ કેયુર પટેલે જણાવ્યું હતું કે, કોર્પોરેટરના સમાજની એક છોકરીના પ્રેમ પ્રકરણમાં અપહરણ થયું છે, જેમાં રાજેશની સંડોવણી હોવાની શંકા રાખી આ લોકો રાજેશનું અપહરણ કરીને લઇ ગયા હતા. બીજીબાજુ, સોલા હાઇકોર્ટ પોલીસમથકના પીઆઇ પીબી ચૌહાણે જણાવ્યું હતું કે, અપહરણની જાહેરાત થઇ ત્યારે હું મતદાન મથક પર બંદોબસ્તમાં હતો. તે જ મથક ઉપર તે કોર્પોરેટર મારી સાથે જ હતા. આથી તેમની કોઇ સંડોવણી હોવાનું લાગતું નથી. જે ગાડીમાં અપહરણ થયું હતું તે ગાડી કોર્પોરેટરના કૌટુંબિક ભત્રીજાની હોવાનું જાણવા મળ્યું છે. તેમછતાં અમે સમગ્ર મામલાની ઝીણવટભરી અને તટસ્થ તપાસ ચલાવી રહ્યા છીએ.

(9:45 pm IST)
  • CJI ગોગોઈ જાતીય સતામણી કેસ : સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ શ્રી રંજન ગોગોઈ પર લગાવાયેલા જાતીય સતામણીના કેસ બાબતે ઇન-હાઉસ ઇન્ક્વાયરી પેનલની રચના કરવામાં આવી : શ્રી ગોગોઈ પછી નવા ચીફ જસ્ટિસ બનનાર શ્રી બોબળેની અધ્યક્ષતામાં રચાઈ આ પેનલ : આ પેનલના બીજા બે સભ્યો તરીકે જસ્ટિસ એન.વી. રામના અને શ્રી ઇન્દિરા બેનર્જીની પણ નિમણુંક કરાઈ : CJI ગોગોઈએ આ સમગ્ર મામલનો નિર્ણય આ નવી રચાયેલ પેનલ પર મૂકી દીધો હોવાનું જાણવા મળે છે. access_time 12:26 am IST

  • યુપી- રાજસ્થાનમાં આંધી- તોફાન- ધુળનું વાવાઝોડુ ફુંકાશેઃ ૩૦ થી ૫૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશેઃ તામીલનાડુ- શ્રીલંકાના પૂર્વીય તટો પર ૪૮ કલાકમાં ચક્રાવતી તોફાન ત્રાટકશે :અરબી સમુદ્ર તથા દક્ષીણ- પશ્ચિમ બંગાળાની ખાડી અને દક્ષીણ પૂર્વ શ્રીલંકા ઉપર ભૂમધ્ય લો પ્રેશર કાલે સર્જાઈ શકે છેઃ જે ૩૬ કલાકમાં ડિપ્રેશનમાં ફરે તેવી શકયતા છેઃ હિમાચલ, જમ્મુ- કાશ્મીર, બિહાર, ગંગીય પશ્ચિમ બંગાળ, ઓડીશા, છત્તીસગઢ અને દક્ષીણી આંતરીક કર્ણાટકમાં અલગ- અલગ જગ્યાએ ૩૦ થી ૪૦ કિ.મી. પવનની ગતી સાથે આંધી- તોફાન અને વિજળી પડી શકે છેઃ હવામાન ખાતુ access_time 3:48 pm IST

  • વડાપ્રધાન મોદી સાથે આવતીકાલે સવારે ૯ વાગ્યે અક્ષયકુમાર કરશે કઈક નોખી અનોખી મુલાકાત : અત્યારે ચુંટણીના માહોલમાં જ્યારે આખો દેશ રાજનીતિની વાતો કરી રહ્યો છે ત્યારે અક્ષયકુમાર આ મુલાકાત દરમ્યાન પ્રધાનમંત્રી મોદી સાથે સંપૂર્ણપણે બિન રાજકીય અને કઈક જુદીજ અંતરંગ વાતો કરશે : આ સમગ્ર મુલાકાતનું ટેલીકાસ્ટ ANI સમાચાર સંસ્થાના સોશ્યલ મીડિયા હેન્ડલ્સ પર પ્રદર્શિત કરવામાં આવશે access_time 10:34 pm IST