Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

ગુજરાતમાં મતદાન પૂર્ણ થઈ ગયુ પણ આચાર સંહિતા હજુ ૨૫ મે સુધી અમલી

૧૦ માર્ચથી આચાર સંહિતા લાગુ પડી છેઃ વહીવટી તંત્રને હવે હળવાશ

રાજકોટ, તા. ૨૪ :. દેશની લોકસભાની ચૂંટણીના ત્રીજા ચરણમાં ગઈકાલે ગુજરાતની ૨૬ બેઠકો માટે અને ધારાસભાની ૪ બેઠકો માટે ચૂંટણી યોજાઈ ગઈ. મતદાન પ્રક્રિયા પુરી થઈ ગઈ છે પરંતુ હજુ પરિણામ અને અન્ય રાજ્યોમાં મતદાન બાકી હોવાથી સત્તાવાર રીતે આચાર સંહિતા અમલમાં છે. તા. ૨૫ મે સુધી આચાર સંહિતા યથાવત રહેશે. મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પાર પડતા ચૂંટણી પંચ અને વહીવટી તંત્રને હાશકારો થયો છે.

ગઈ ૧૦ માર્ચે લોકસભાની ચૂંટણી જાહેર થઈ તે વખતથી જ દેશભરમાં આચાર સંહિતા લાગુ પડી ગયેલ. ગુજરાતમાં મતદાન પૂર્ણ થઈ ગયુ છે તેથી હવે ૫૦ હજારથી વધુ રોકડ રકમ દસ્તાવેજી પુરાવા વિના લઈને નિકળવા જેવી બાબતોમાં હળવાશ થઈ જશે પરંતુ હજુ આચાર સંહિતા અમલમાં જ છે. રાજકીય પક્ષોના પ્રચારાત્મક કાર્યક્રમો થાય તો તેમા હરીફ પક્ષને મતદાન પહેલા ફરીયાદ કરવાનું જોમ હોય તેવુ જોમ હવે ન રહે તે સ્વભાવિક છે. જો કે બઢતી-બદલી, નવા સરકારી કાર્યક્રમોની જાહેરાત વગેરે ચૂંટણી પંચની મંજુરી વગર થવા પાત્ર નથી. મતદાન પ્રક્રિયા પુરી થતા હવે વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ આવતીકાલથી રાબેતા મુજબના કામમાં પરોવાશે. ગુજરાતવાસીઓએ પરિણામ માટે ૧ મહિના સુધી રાહ જોવી પડશે.

(11:32 am IST)