Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

ડેડીયાપાડા તાલુકાના માલ સામોટ ગામથી બોગસ તબીબ ઝડપાયો:પોલીસે ૧.૮૫ લાખની મેડિકલ વસ્તુઓ જપ્ત કરી

માલસમોટ અરોગ્ય કેન્દ્રની સામેજ આ બોગસ તબીબનું દવાખાનું વીસ વર્ષથી ચાલુ હતું તો કેમ તંત્ર એ ધ્યાન ન આપ્યું જેવા અનેક સવાલો હાલ ચર્ચામાં

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં હાલ કોરોના સંક્રમણ વધી રહ્યું છે તેવા સમયે ડેડીયાપાડા પંથક માંથી એક બોગસ તબીબ ઝડપાતા પોલીસે તેના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

 પ્રાપ્ત માહિતી અનુસાર આરોગ્ય વિભાગના ડો.બીનોય કુમાર તારકનાથ શર્મા ની ફરિયાદ મુજબ ડેડીયાપાડા પોલીસે માલ સામોટ ગામમાં દવાખાનું ચલાવતા બોગસ તબીબ સંજય ગોપીનાથ બિશ્વાસ પોતે ડોક્ટર નથી તેમ જાણતો હોવા છતા એલોપેથીક દવાઓ વડે તબીબી પ્રેક્ટીસ કરી એલોપેથીક ટેબલેટો તથા બોટલો , સીરીંજ બેડની સુવીધા , દવાઓ ઇંજેકસનો ગેરકાયદેસર રીતે રાખી જાહેરમાં દવાખાનું ખોલી પોતે નિષ્ણાંત ન હોવા છતા દાકતરી સેવાના સાધનો વડે સારવાર કરી પોતાના આર્થીક ફાયદા સારૂ ગામડાઓના અભણ દર્દીઓને સમજાવી દર્દીઓની સારવાર કરી લોકોના સ્વાસ્થય સાથે ચેડા કરી ગુજરાત સરકાર માન્ય ડીગ્રી કે સર્ટી વગર મેડીકલ પ્રેક્ટીસ કરી મેડીકલ સામગ્રી દવાઓ વિગેરે મળી રૂપીયા ૧,૮૫,૪૦૮ ના મુદ્દામાલ સાથે તેને ઝડપી પાડી તેના વિરુદ્ધ પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.

જોકે મળતી માહિતી મુજબ માલસમોટ સી.એચ.સી. સેન્ટર સામેજ આ બોગસ ડોકટર લગભગ વીસ વર્ષથી દવાખાનું ચલાવતો હતો તો કેમ આરોગ્ય વિભાગે ધ્યાન ન આપ્યું તેવા સવાલો હાલ પંથકમાં ઉઠી રહ્યા છે.

(10:24 pm IST)