Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

સુરતના સરથાણા વિસ્તારમાં ધોળાદિવસે કારમાં યુવકની ચપ્પુના ઘા ઝીંકી ક્રૂર હત્યા

અજાણ્યા શખ્શો યુવકને કારમાં જ ચપ્પુના ઘા ઝીંકી ફરાર : ઘટના સીસીટીવીમાં કેદ

સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડ પાસે કારમાં એક 32 વર્ષીય યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. અજાણ્યા ઈસમો યુવકને કારમાં જ ચપ્પુના ઘા ઝીંકી ફરાર થઇ ગયા હતા. જાહેરમાં બનેલી આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. તો બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને સમગ્ર મામલે તપાસ શરુ કરી હતી.

સુરતમાં ધોળા દિવસે હત્યાની ઘટના સામે આવી હતી. સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડ પાસે 32 વર્ષીય સિદ્ધાર્થ રાવ નામનો વ્યક્તિ જીજે 05 જે.એમ 9316 નંબરની કાર લઈને આવ્યો હતો. જેને કારમાં જ અજાણ્યા શખ્શો ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીંકી ફરાર થઇ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. Surat Murder CCTV

જાહેરમાં બનેલી હત્યાની આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. બીજી તરફ બનાવની જાણ થતા એસીપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને અજાણ્યા ઈસમો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી પોલીસે તપાસ શરુ કરી છે. પોલીસ દ્વારા આ મામલે આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજ કબજે કરવામાં આવ્યા હતા. અને આરોપીઓ કોણ હતા અને યુવકની હત્યા શા માટે કરવામાં આવી છે તે દિશામાં પોલીસ તપાસ શરુ કરવામાં આવી છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા સુરતમાં હત્યાના બે બનાવો સામે આવ્યા હતા. જેમાં કતારગામમાં લોજિંગ ચલાવતી આધેડ મહિલાની 300 રૂપિયાની લેતીદેતીમાં સાથે જ રહેતા યુવકે હત્યા કરી હતી. જયારે લાલગેટ વિસ્તારમાં વધારે વ્યાજ માંગતા વ્યાજખોરની હત્યા કરવામાં આવી હતી. જો કે આ બંને ઘટનામાં પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પરંતુ દિવસે ને દિવસે વધતા જતા હત્યાના બનાવોને લઈને સુરત શહેરમાં ચકચાર મચી જવા પામી છે.

(7:06 pm IST)