Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

કપાસ, મગફળી, દિવેલા, તલ, જીરૂ વગેરે ઉત્પાદનમાં ગુજરાત વિશ્વકક્ષાએ પ્રથમ હરોળમાં : આર.સી.ફળદુ

વાવણીથી વેંચાણ સુધીની ચિંતા કરતી સરકાર : ટેકાના ભાવે મબલખ ખરીદી

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર,તા. ૨૪: વિધાનસભા ખાતે અંદાજપત્ર સત્ર દરમિયાન માંગણીઓ પરની ચર્ચા સહભાગી થતાં કૃષિમંત્રી શ્રી આર.સી.ફળદુએ કહ્યું હતુ કે, ખેડૂતોને આર્થિક રીતે વધુ સધ્ધ કરવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે કૃષિ વિકાસ ક્ષેત્રે હરણફાઇ ભરી છે.

મંત્રીશ્રીએ કહ્યું હતુ કે, રાજ્ય સરકાર હંમેશા ગુજરાતની બીજી હરિયાળી ક્રાંતિના પથદર્શક બની રહેલા લખો ખેડૂતોની પડખે રહી છે અને રહેશે. વિશ્વમાં ફકત ખેતી એ જ એક એવો ઉદ્યોગ છે કે જે કુદરતી રીતે ઉપલબ્ધ સંસાધનોમાંથી અનેકગણુ ઉત્પાદન આપે છે. જળસિચન માટે જળ વ્યવસ્થાપન ખૂબ જ જરૂરી છે. વર્ષ ૨૦૦૧માં સિંચાઇ હેઠળનો વિસ્તાર ૩૮.૭૭ લાખ હેકટર હતો. જે વર્ષે ૨૦૨૦માં વધીને ૬૮.૮૯ લાખ હેકટર થયેલ છે. આમ, સિંચાઇ વિસ્તારમાં  ૩૦.૧૨ લાખ હેકટરનો વધારો થયો છે. રાજયમાં પિયત સુવિધાઓ માટે થયેલ પ્રયત્નોને કારણે કૃષિ ક્ષેત્રે વધુ ને વધુ વિસ્તાર એક થી વધુ વખત વાવેતર હેઠળ આવતો થયો છે. સુક્ષ્મ સિંચાઇ માટે વર્ષ ૨૦૨૦-૨૧માં ૬૭૫ કરોડની સહાય ખેડૂતોને કરવામાં આવી છે. વિજળી માટે વિજ વિતરણ વ્યવસ્થા સુદ્રઢ હોવી અનિવાર્ય છે જે ગુજરાતમાં છે. ગુજરાત એક માત્ર એવું રાજય છે કે જયાં ખેડૂતોને ઇલેકટ્રીસીટી ડ્યુટી ભરવી પડતી નથી. અગાઉ માત્ર ૧૫૦૦૦ પ્રતિ વર્ષ નવા કૃષિ વીજ જોડાણ આપવામાં આવતા હતા. જયારે છેલ્લા ૧૭ વર્ષની સરેરાશ કરીએ તો સરેરાશ એક લાખ નવા ખેતીવાડી વીજ જોડાણ આપવામાં આવ્યા છે. કિસાન સુર્યોદય યોજના શરુ કરીને ખેડૂતોને દિવસ દરમ્યાન વિજળી મળી રહે તેવું આયોજન કરેલ છે. આ હેતુ માટે રૂ.૩૫૦૦ની જોગવાઇ કરવામાં આવી છે. આગામી બે વર્ષમાં તમામ ગામોમાં આ યોજનાનો લાભ મળશે તેવું આયોજન રાજય સરકારે કર્યું છે.

મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ઘનિષ્ઠ કૃષિ થકી ખેડૂતો ઓછા સમયમાં વધુ કાર્યક્ષમતાથી કાર્ય કરી શકે અને વધુ ને વધુ આવક રળી શકે તે માટે રાજય સરકારે કૃષિ યાંત્રિકીકરણ ક્ષેત્રે કયારેય ન અપાયો હોય એવો લાભ આપવાનો શરૂ કર્યો છે. કૃષિ યાંત્રિકીકરણ યોજનામાં નાના- સીમાંત ખેડૂતોને અનુરૂપ સાધનોથી લઇ આધુનિક મોટા સાધનો ખેડૂતોને સહાયથી આપવામાં ૅઆવ્યા છે. છેલ્લા દસ વર્ષમાં રાજય સરકાર દ્વારા કૃષિ યાંત્રિકીકરણ ક્ષેત્રે ટ્રેકટર સહિત વિવિધ સાધનોમાં છ લાખથી વધુ ખેડૂતોને રૂ.૧૮૦૦ કરોડ જેટલી સહાય પૂરી પાડી છે. વર્ષ ૨૦૨૦- ૨૧ માં જાન્યુ-૨૧ અંતિત ૨૬,૭૭૦ ખેડૂતોને ટ્રેકટર ખરીદી માટે રૂ.૧૨૬.૮૫ કરોડની સહાય આપવામાં આવી છે. આમ કૃષિ યાંત્રિકીકરણ અન્વયે જાન્યુ-૨૧ અંતિત ૪૮,૯૨૪ ખેડૂતોને રૂ.૧૯૧.૯૦ કરોડની સહાય આપવામાં આવી છે.

 મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ગુજરાતે કૃષિ ક્ષેત્રે સમગ્ર દેશને દિશા ચીધી છે. દેશની વસ્તીના ૪.૯૯ ટકા હિસ્સો ધરાવતું ગુજરાત રાષ્ટ્રના ઘરગથ્થું ઉત્પાદનમાં લગભગ ૭.૯ ટકા હિસ્સો ધરાવે છે. તાજેતરના વર્ષોમાં વરસાદની પ્રતિકૂળ અસર હોવા છતાં, છેલ્લા ત્રણ વર્ષોમાં રાજયના અર્થતંત્રએ સતત વૃધ્ધિ દર્શાવી છે. ભૌગોલિક દ્રષ્ટિએ આપણો દેશ વિશ્વના કુલ વિસ્તારના ૨.૪ ટકા જેટલો વિસ્તાર ધરાવે છે. પરંતુ વિશ્વની ૧૭.૫ ટકા વસ્તીનો સમાવેશ કરે છે. ગુજરાત રાજય દેશના કુલ ભૌગોલિક વિસ્તારનાં માત્ર ૬ ટકા જેટલો હિસ્સો ધરાવે છે, તેમ છતાં દેશના અગત્યનાં પાકો જેવા કે કપાસ, મગફળી, દિવેલા, તલ, જીરૂ, ઈસબગુલ તેમજ દુધ ઉત્પાદનમાં પ્રથમ હરોળમાં હોવાનું ગૌરવ અનુભવે છે. ગુજરાતમાં વર્ષ ૨૦૧૯-૨૦ દરમ્યાન અનાજનું કુલ ઉત્પાદન ૯૩.૨૮ લાખ ટન,કપાસનું ઉત્પાદન ૮૮.૦૧ લાખ ગાંસડી, મગફળીનું ઉત્પાદન ૪૬.૪૩ લાખ ટન અને તેલીબીયાનું ઉત્પાદન ૬૬.૬૪ લાખ ટન થયું છે.મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાત વિશ્વકક્ષાએ કેળા, જીરૂ, ઈસબગુલ, વરિયાળી અને દિવેલાના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે. રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત કપાસમાં ૩૬ ટકા, મગફળીમાં ૪૨ ટકા, દિવેલામાં ૮૦ ટકા, વરીયાળીમાં ૭૦ ટકા અને જીરૂમાં ૬૦ ટકા ફાળો ધરાવે છે. ગુજરાતમાં બટાટાની ઉત્પાદકતા ૩૧ ટન અને ચણાની ૧૬૬૩ કિલો/હે. છે, જે રાષ્ટ્રીય કક્ષાએ સૌથી વધુ છે. ગુજરાત રાજયમાં વાવેતર હેઠળ કુલ ૯૮ લાખ હેકટર વિસ્તાર છે તે પૈકી બાગાયતી પાકો હેઠળનો વાવેતર વિસ્તાર ૧૬.૧૬ ટકા જેવો છે.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજયની નિર્ણાયક સરકાર ખેડૂતોને ઝીરો ટકાના વ્યાજે ટુંકી મુદતનું પાક ધિરાણ પુરુ પાડે છે. વર્ષ ૨૦૨૦-૨૧માં રૂ.૧૯૫૫ કરોડની ભારત સરકાર અને રાજય સરકારની વ્યાજ સહાયથી ૧૩.૩૧ લાખ ખેડૂતોને આ વ્યાજ રાહતનો લાભ મળેલ છે. ૧૯ લાખથી વધુ ખેડૂતો પાસેથી ૨૦૧૬-૧૭ થી ૨૦૨૧ દરમિયાન રૂ.૧૮૩૪૮ કરોડના મૂલ્યની તથા ૩૭,૦૭,૩૫૮ મેટ્રીક ટન ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. છેલ્લા ત્રણ વર્ષમાં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ હેઠળ ભારત સરકારની એજન્સી નાફેડ દ્વારા ગુજરાત રાજયમાં મગફળી, મગ, અડદ, તુવેર, ચણા અને રાયડાની કુલ રૂ. ૭૨૬૨.૬૩ કરોડના મૂલ્યની કુલ ૧૪,૩૮,૨૨૯.૩૬ મે.ટન ટેકાના ભાવે ખરીદી કરવામાં આવેલ છે. છેલ્લા ત્રણ વર્ષમાં ભારત સરકારની એજન્સી કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડીયા (સીસીઆઇ) દ્વારા ગુજરાત રાજયમાં કપાસની કુલ રૂ.૪૧૯૮.૭૨ કરોડના મૂલ્યની કુલ ૭,૬૨,૩૩૦.૭૦ મે.ટન ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. છેલ્લા ત્રણ વર્ષમાં રાજય સરકારની એજન્સી ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા રાજયમાં ઘઉં,મકાઇ,ડાંગર(કોમન),ડાંગર (ગ્રેડ-એ), તથા બાજરીની કુલ રૂ. ૪૬૨.૮૪ કરોડના મૂલ્યની કુલ ૨,૪૫,૧૧૬.૯૬ મે.ટન ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. આમ ફુલ ત્રણ વર્ષમાં રૂ.૧૧,૯૨૪.૧૯ કરોડના મૂલ્યની કુલ ૨૪,૪૫,૬૭૭.૦૨ મે.ટન ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે.

(11:37 am IST)