Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

ઉનાળુ વાવણી ૭૪.૮૯% : સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ૫૨૨ હેકટરમાં તલ

મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ડાંગરનું ૧૫૨% વાવેતર : રાજ્યમાં સૌથી વધારે ૧૨૫૨ હેકટરમાં બાજરી વાવવામાં આવી

રાજકોટ તા. ૨૪ : રાજ્યમાં ઉનાળુ પાકની વાવણી પૂર્ણતાના આરે છે. અત્યારે વાવવામાં આવેલ પાક ચોમાસુ વાવણી પહેલા જુનના પ્રારંભ સુધીમાં બજારમાં આવી જાય છે. તા. ૨૨ માર્ચ સુધીની સ્થિતિએ સરકારી આંકડા મુજબ ૭૪.૮૯ ટકા વાવેતર થયું છે. હજુ અમુક સ્થળોએ વાવણી ચાલુ છે. કુલ ૬,૦૦,૪૭૬ હેકટરમાં ઉનાળુ પાકનું વાવેતર થયું છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ તલનું ૫૨૨ હેકટરમાં વાવેતર થયું છે.

ડાંગર (ચોખા) મુખ્યત્વે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વાવવામાં આવે છે. આ વખતે ૭૦૯૫૭ હેકટરમાં ડાંગર વાવવામાં આવી છે. ટકાવારીની દ્રષ્ટિએ તે ૧૫૨.૧૨ થાય છે. બાજરીનું વાવેતર ૫૦.૨૦ ટકા અને મકાઇનું ૪૯.૩૨ ટકા થયું છે. મગ ૧૨૦.૦૫ ટકા અને અડદ ૧૩૯.૩૮ ટકા વાવવામાં આવ્યા છે. કુલ વાવેતર વિસ્તારના આધારે ટકાવારી નક્કી કરવામાં આવે છે.

સૌરાષ્ટ્રમાં ચોમાસામાં મગફળી - કપાસ મુખ્ય પાક છે. શિયાળામાં ઘઉં, ચણા, જીરૂ પુષ્કર વાવેતર થાય છે. ઉનાળુ વાવેતરનું પ્રમાણ ઓછું રહે છે. આ વર્ષે સૌરાષ્ટ્રમાં ૫૨૨ હેકટરમાં તલ, ૨૭૯ હેકટરમાં મગ, ૧૩૩ હેકટરમાં બાજરી, ૧૬૭ હેકટરમાં મગફળી, ૧૨૦ હેકટરમાં અડદની વાવણી થઇ છે. અન્ય પાકો અને ઘાસચારા સહિત સૌરાષ્ટ્રમાં કુલ ૨૦૦૨ હેકટરમાં વાવણી થઇ છે. રાજ્યમાં કુલ ૬૦૦૫ હેકટરમાં ઉનાળુ વાવેતર થયું છે.

સૌરાષ્ટ્રમાં વાવેતર (આંકડા હેકટરમાં)

બાજરી

૧૩૩

મગ

૨૭૯

તલ

૫૨૨

 મગફળી

૧૬૭

અડદ

૧૨૦

ઉપરોકત ઉપરાંત અન્ય પાકો અને શાકભાજી સહિત કુલ વાવેતર ૨૦૦૨ હેકટર

(11:37 am IST)