Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

સોસાયટીમાંથી લોકો બહાર નિકળે તો પ્રમુખ-સેક્રેટરી દંડાશે

સુરતમાં કોરોનાનો વ્યાપ વધતો રોકવા તંત્રના ઉધામા : સુરતના બમરોલીની સોસાયટીમાં સંક્રમણ વધતું રોકવા માટે લોકોને ઘરની બહાર ન નિકળવા માટેની તાકીદ

સુરત, તા. ૨૩ : સુરત શહેરમાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને રહેણાંક વિસ્તારમા કોરોના સંક્રમણને અટકાવવા માટે મ્યુનિ.તંત્ર મરણિયું બન્યું છે. બમરોલીની કેટલીક સોસાયટીમાં વધુ કેસ આવતાં મ્યુનિ. કમિશ્નર સહિતની ટીમ પહોંચી હતી અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

આ સોસાયટીમાં વધુ સંક્રમણ ન ફેલાઈ તે માટે બમરોલીની સોસાયટીમાં સંક્રમણ વધુ થતું અટાવવા માટે લોકોને ઘરની બહાર ન નિકળવા માટેની તાકીદ કરી છે. જો સોસાયટીમાં લોકો બહાર નિકળે તો સોસાયટીના પ્રમુખ- સેક્રેટરીને દંડ કરવાનો નિર્ણય કરાયો છે.

સુરત મ્યુનિ.ની ચુંટણી બાદ ફરીથી સુરત શહેરમાં કોરોનાનો રાફડો ફાટયો છે. ચુંટણી દરમિયાન મ્યુનિ. તંત્ર અને રાજકારણીઓની બેદકારીના કારણે સુરત ફરી કોરોનાના સંક્રમણમાં ઘેરાઈ ગયું છે. સુરત મ્યુનિ.ના અઠવા અને રાંદેર ઝોનની સાથે સાથે ઉધના ઝોનમાં પણ સંક્રમણ સતત વધી રહ્યું છે. ઉધનાના બમરોલી વિસ્તારમાં રામેશ્વર ગ્રીન સોસાયટીમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. આ સોસાયટીમાં સંક્રમણ વધે તેવી મ્યુનિ. તંત્રને ભીતી છે.

બમરોલીની રામેશ્વર ગ્રીન સોસાયટીમાં સંક્રમણ ફેલાઈ તેવી શક્યતાના પગલે આજે મ્યુનિ.કમિશ્નર બન્છાનિધિ પાની તથા ટીમ પહોંચી હતી. મ્યુનિ. કમિશ્નરને સ્થિતિ પર તાગ મેળવ્યો હતો અને સંક્રમણ વધુ ન ફેલાઈ તે માટેની જવાબદારી સોસાયટીના હોદ્દેદારોને સોંપી છે. આ સોસાયટીમાં અન્ય લોકો સંક્રમણનો શિકાર ન બને તે માટે સોસાયટીના કોઈ સભ્ય સોસાયટીની બહાર નિકળે તો સોસાયટીના પ્રમુખ સેક્રેટરીને ૫૦૦ રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવશે.

આ પહેલાં મ્યુનિ. કમિશ્નર તથા ટીમ કોરોનાનું હોટ સ્પોટ બનેલા અઠવા ઝોનમાં પહોંચી હતી. જે રહેણાંક સોસાયટીઓમાં કોરોનાના પોઝીટીવ કેસ વધી રહ્યાં છે ત્યાં જઈને લોકોને કોવિડ સંક્રમણ અટકાવવા માટે સહકાર માગ્યો હતો. લોકોને બિન જરૂરી બહાર ન નિકળવા તથા કોવિડના નિયમોનું પાલન કરવા માટેની મ્યુનિ. તંત્રએ અપીલ કરી હતી.

(9:05 pm IST)